Tue Sep 15 2026

Logo

ગણેશોત્સવઃ કોંકણમાં પ્રવાસીઓનો અભૂતપૂર્વ ધસારો, મધ્ય રેલવેની વિશેષ ટ્રેનોમાં 1.17 લાખ ટિકિટોનું બુકિંગ

2026-09-01 17:27:21
Author: Mumbai Samachar Team
ગણેશોત્સવઃ કોંકણમાં પ્રવાસીઓનો અભૂતપૂર્વ ધસારો, મધ્ય રેલવેની વિશેષ ટ્રેનોમાં 1.17 લાખ ટિકિટોનું બુકિંગ

AI Generated Images


મુંબઈ, પુણે અને નાગપુરથી કોંકણ-ગોવા માટે 262 ગણપતિ સ્પેશિયલ ટ્રેનોની જાહેરાત 

મુંબઈ: આગામી ગણેશોત્સવના તહેવારને ધ્યાનમાં રાખીને મધ્ય રેલવે દ્વારા મુંબઈ, પુણે અને નાગપુરથી કોંકણ તેમ જ ગોવા તરફ જતાં પ્રવાસીઓ માટે 262 ગણપતિ વિશેષ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લેવાયો છે. આ વિશેષ ટ્રેનો નવમી સપ્ટેમ્બરથી મુંબઈ, પુણે અને નાગપુરને કોંકણના વિવિધ સ્થળો તેમજ ગોવા સાથે જોડશે. અત્યાર સુધીમાં આ ટ્રેનોમાં કુલ 1,17,682 પ્રવાસીઓએ બુકિંગ કરાવ્યું છે.

આ વિશેષ સેવાઓમાં 200 આરક્ષિત ટ્રેનોનો સમાવેશ થાય છે, જેમાં એસી સેવાઓ ઉપરાંત એસી, સ્લીપર અને જનરલ કોચ ધરાવતી ટ્રેનો પણ સામેલ છે. આ ઉપરાંત 62 અનારક્ષિત ટ્રેનો પણ દોડાવવામાં આવશે. આરક્ષિત વિશેષ ટ્રેનોમાંથી 112 ટ્રેનમાં સાવંતવાડી રોડ, 64 ટ્રેનો રત્નાગિરી અને 24 ટ્રેન મડગાંવ (ગોવા) સુધી દોડશે.

રેલવેએ પ્રવાસીઓની સુવિધા અને વ્યવસ્થા માટે પણ વિવિધ પગલાં લીધાં છે. જેમાં મુખ્ય સ્ટેશનો પર વધારાના ટિકિટ કાઉન્ટર, હોલ્ડિંગ એરિયા, પીવાના પાણીની વ્યવસ્થા, ખોરાક અને શૌચાલયની સુવિધા સામેલ છે. આ વ્યવસ્થામાં વિવિધ એનજીઓની પણ મદદ લેવામાં આવી રહી છે. પ્રવાસીઓને વ્યવસ્થિત રીતે ટ્રેનમાં બેસાડી શકાય તે માટે કતાર વ્યવસ્થાપન પ્રણાલી પણ લાગુ કરવામાં આવશે. 

પ્રવાસીઓની સુરક્ષા અને સ્ટેશનો પર સરળતાથી અવરજવર સુનિશ્ચિત કરવા માટે મહત્વપૂર્ણ સ્થળોએ રેલવે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ)ના એડિશનલ ફોર્સ તેમ જ ટિકિટ ચેકિંગ સ્ટાફ તૈનાત કરવામાં આવશે. પ્રવાસીઓને છેલ્લી ઘડીએ થતી ભીડથી બચવા માટે ટ્રેનના પ્રસ્થાનના ઓછામાં ઓછા 30 મિનિટ પહેલાં સ્ટેશને પહોંચવાની સલાહ આપવામાં આવી છે. 

પ્રવાસીઓએ માન્ય ટિકિટ અને ઓળખપત્ર સાથે રાખવા પણ જણાવાયું છે. આ વિશેષ ટ્રેન સેવાઓથી પ્રવાસીઓને મુસાફરી માટે વધારાના વિકલ્પો મળશે અને તેઓ પોતાની મુસાફરીનું આયોજન અગાઉથી કરી શકશે.