Mon Jul 06 2026

Logo

મહારાષ્ટ્રમાં આભ ફાટ્યું: મુંબઈ-પુણે હાઈવે સંપૂર્ણ બંધ, મુંબઈ યુનિવર્સિટીની પરીક્ષાઓ સ્થગિત, લોકલ ટ્રેનો ખોરવાઈ

2026-07-06 08:15:00
Author: Darshana Visaria
Article Image

Ai Image


 


મુંબઈ: મહારાષ્ટ્રમાં સતત વરસી રહેલા મુશળધાર વરસાદ અને અતિવૃષ્ટિની ચેતવણીને પગલે મુંબઈ સહિત સમગ્ર રાજ્યમાં જનજીવન ભારે પ્રભાવિત થયું છે. વાહનવ્યવહારથી લઈને રેલવે અને શિક્ષણ સંસ્થાઓ સુધીની તમામ સેવાઓ પર વરસાદની ગંભીર અસર જોવા મળી રહી છે.

મુંબઈ-પુણે હાઈવે સંપૂર્ણપણે બંધ
સતત વરસાદ અને લેન્ડસ્લાઈડના જોખમને કારણે પુણે-મુંબઈ એક્સપ્રેસવે તેમ જ જૂનો મુંબઈ-પુણે હાઈવે બંને માર્ગો પર વાહનવ્યવહાર ગંભીર રીતે પ્રભાવિત થયો છે. મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (MSRDC) દ્વારા આગામી આદેશ સુધી બંને તરફનો વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. નાગરિકોને હાલ આ માર્ગો પર મુસાફરી ન કરવા અને અતિ આવશ્યક કામ હોય તો જ પ્રશાસનની સત્તાવાર સૂચનાઓ મેળવીને જ બહાર નીકળવા અપીલ કરવામાં આવી છે.

લોકલ ટ્રેનવ્યવહાર પણ ખોરવાયો
મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેન સેવાઓ પણ વરસાદના કારણે ધીમી પડી ગઈ છે. જોકે પ્રશાસન દ્વારા શાળા અને કોલેજમાં જાહેર કરવામાં આવેલી રજાને પગલે મુંબઈગરાઓએ ઘરે જ રહેવાનું મુનાસિબ માન્યું હતું. 
પશ્ચિમ રેલવે પર વસઈ અને નાલાસોપારા રેલવે સ્ટેશનો પર ટ્રેકના પાટા પાણીમાં ગરકાવ થઈ જતાં પશ્ચિમ રેલવેની સેવાઓ અડધો કલાક જેટલી મોડી ચાલી રહી છે.જ્યારે મધ્ય રેલવે પર મેઈન લાઈન પર લોકલ ટ્રેનો અડધો કલાક જેટલી મોડી દોડી રહી છે. કલ્યાણ સ્ટેશનથી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ તરફ જતી ટ્રેનો વિલંબથી દોડી રહી છે.

સાત જિલ્લાઓમાં શાળા-કોલેજો બંધ
હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી અતિવૃષ્ટિની ચેતવણીને ધ્યાનમાં રાખીને સાવચેતીના પગલાં રૂપે પુણે, થાણે, રાયગઢ સહિત રાજ્યના સાત મુખ્ય જિલ્લાઓમાં આજે તમામ શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. પ્રશાસન દ્વારા તમામ નાગરિકોને હવામાન વિભાગની અને પ્રશાસનની ઑફિશિયલ અપડેટ્સ જોયા બાદ જ ઘરની બહાર નીકળવા અને વહીવટીતંત્રને સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.

મુંબઈ યુનિવર્સિટીની પરીક્ષાઓ સ્થગિત
મુશળધાર વરસાદ અને પ્રતિકૂળ પરિસ્થિતિને કારણે વિદ્યાર્થીઓને પડનારી મુશ્કેલીઓ અને તેમની સુરક્ષાને પ્રાથમિકતા આપીને મુંબઈ યુનિવર્સિટીએ મોટો નિર્ણય લીધો છે. યુનિવર્સિટી દ્વારા આજે એટલે કે છઠ્ઠી જુલાઈના રોજ યોજાનારી મુંબઈ યુનિવર્સિટીની તમામ પરીક્ષાઓ પોસ્ટપોન કરવામાં આવી છે. પરીક્ષા અને મૂલ્યાંકન મંડળ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ સ્થગિત રાખવામાં આવેલી પરીક્ષાઓનું નવું અને સુધારેલું ટાઈમટેબલ ટૂંક સમયમાં જ મુંબઈ યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે.