Wed Sep 09 2026

Logo

પહલગામ આતંકી હુમલામાં NIA એ હાફિઝ સઇદ સામે શું કરી કાર્યવાહી?

2026-07-06 14:49:00
Author: Mayur Patel
પહલગામ આતંકી હુમલામાં NIA એ હાફિઝ સઇદ સામે શું કરી કાર્યવાહી?

નવી દિલ્હીઃ પહલગામ આતંકી હુમલાને લઈ રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) દ્વારા પૂરક ચાર્જશીટમાં લશ્કર-એ-તૈયબાના હેડ હાફિઝ સઈદને આરોપી બનાવ્યા છે. એજન્સીએ હુમલાનું કાવતરું અને આંતકી નેટવર્ક સાથે જોડાયેલા અન્ય પુરાવા પણ કોર્ટમાં રજૂ કર્યા છે.

NIA એ પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબા અને તેના પ્રૉક્સી સંગઠનના વડા હાફિઝ સઇદ સામે જમ્મુની સ્પેશિયલ એનઆઈએ કોર્ટમાં સપ્લીમેન્ટ્રી ચાર્જશીટ દાખલ કરી છે. જેમાં તેના પર ભારત સામે કાવતરું રચવા અને સરહદ પાર આતંકવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો છે.

જમ્મુની NIA સ્પેશિયલ કોર્ટમાં દાખલ કરાયેલી તેની પૂરક ચાર્જશીટમાં, આતંકવાદ વિરોધી એજન્સીએ હાફિઝ સઈદ પર વ્યક્તિગત ક્ષમતામાં અને પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા (LeT) તથા તેના સક્રિય પ્રોક્સી સંગઠન 'ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ' (TRF) ના વડા તરીકે ગુનો નોંધ્યો છે.

આરોપી સામે BNS 2023 અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (UAPA), 1967 ની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. NIAના જણાવ્યા અનુસાર, એજન્સીએ ચાર્જશીટમાં આરોપી સામે ભારત સામે યુદ્ધ છેડવા અને સરહદ પારથી કાવતરું ઘડવા બદલ પણ દંડનીય કલમ લગાવી છે.

1597 પાનાની ચાર્જશીટના અનુસંધાનમાં દાખલ કરવામાં આવેલી આ પૂરક ચાર્જશીટમાં પાકિસ્તાનના કાવતરા, હાફિઝ સઈદની ભૂમિકા અને આ કેસમાં ઝીણવટભરી વૈજ્ઞાનિક તપાસ અને ગ્રાઉન્ડ લેવલની તપાસ દ્વારા NIA દ્વારા એકત્રિત કરવામાં આવેલા સહાયક પુરાવાઓની વિગતો આપવામાં આવી છે.

શું હતી ઘટના
પહલગામ આતંકી હુમલો 22 એપ્રિલ, 2025નો રોજ થયો હતો. જેમાં 26 પ્રવાસીઓના મૃત્યુ થયા હતા. બપોરના સમયે લશ્કરી ગણવેશમાં સજ્જ આતંકવાદીઓ અત્યાધુનિક હથિયારો સાથે જંગલના રસ્તેથી આ પ્રવાસી સ્થળ પર ત્રાટક્યા હતા. આતંકીઓએ મેદાનના એક્ઝિટ ગેટ પર અંધાધૂંધ ફાયરિંગ શરૂ કર્યું, જેના કારણે ગભરાયેલા પ્રવાસીઓ અંદરના ગેટ તરફ ભાગ્યા, જ્યાં અન્ય આતંકવાદીઓ પહેલેથી જ હાજર હતા. આતંકવાદીઓએ પ્રવાસીઓને રોકીને તેમના નામ અને ધર્મ પૂછ્યા હતા અને ધર્મના આધારે તેમને અલગ કર્યા હતા. આતંકવાદીઓએ નિર્દોષ પ્રવાસીઓને ખૂબ જ નજીકથી ગોળી મારી હતી. આ હુમલાની જવાબદારી પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના પ્રોક્સી સંગઠન 'ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ'  એ લીધી હતી. કાશ્મીરમાં શાંતિ અને સામાન્ય સ્થિતિના વાતાવરણને બગાડવાના હેતુથી આ હુમલો કરાયો હતો.