સુરતઃ હવામાન ખાતાએ આજે સુરતમાં વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે. આજે સવારથી જ સુરતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. વરસાદના કારણે પાણી જ પાણી થઈ ગયું છે. શહેરના રસ્તાઓ જાણે કે બેટમાં ફેરવાઈ ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. આ ઉપરાંત સંખ્યાબંધ ઝાડ પડવાના કોલ આવતા તંત્ર દોડતું થયું છે.
સરથાણા,સુરત #Surat #Monsoon #Rain pic.twitter.com/SLcgTZjEso
— Manish Kapadiya 🇮🇳 (@manishkapadiya) July 7, 2026
મેયર નીકળ્યા રાઉન્ડમાં
આજે સવારથી પડી રહેલા અનરાધાર વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે. શહેરના મેયર માયાબેન માવાણી પણ રાઉન્ડમાં નીકળ્યા હતા. તેમણેવરાછા વિસ્તારની મુલાકાત લીધી હતી અને વરસાદી પાણીના નિકાલ અને નાગરિક સુવિધાઓની સ્થળ પર સમીક્ષા કરીને ઝડપી કાર્યવાહી કરવા આદેશ આપ્યો હતો.

ગરનાળામાં પાણી ભરાતા વાહનચાલકો મુશ્કેલીમાં
સુરતમાં ધોધમાર વરસાદના રેલવે ગરનાળા વિસ્તારમાં કમર સુધી પાણી ભરાતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. પાણી ભરાવાને કારણે અનેક માર્ગો પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. નીચાણવાળા વિસ્તારોની હાલત વધારે ખરાબ થઈ હતી. સહારા દરવાજા ગરનાળામાં એસટી બસ ફસાઈ હતી. જોકે તમામ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.

પોલીસ સ્ટેશનમાં પણ ઘૂસ્યા પાણી
ઉત્રાણ પોલીસ સ્ટેશન પણ પાણીથી ઘેરાઈ જતાં જાણે બેટમાં ફેરવાઈ ગયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. દર વર્ષની જેમ આ વર્ષે પણ પોલીસ સ્ટેશનમાં આવતા કર્મચારીઓ, અરજદારો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદી પાણીના યોગ્ય નિકાલના અભાવે સમગ્ર વિસ્તાર જળબંબાકાર બન્યો છે. આ ઘટનાને પગલે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રિ-મોન્સૂન કામગીરી સામે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે તંત્રની બેદરકારીના કારણે દર વર્ષે આવી જ સ્થિતિ સર્જાય છે, છતાં કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી.