વાયનાડઃ કેરળના વાયનાડમાં બનેલી લેન્ડસ્લાઈડની ઘટનાએ સમગ્ર વાયનાડમાં ચિંતાનો માહોલ સર્જી દીધો છે. ખાસ કરીને ચોમાસું સિઝનમાં ટ્રાવેલ કરનારા પર્યટકો માટે તથા સ્થાનિંકો માટે ઊંઘ ઉડી જાય એવી આ ઘટના ઘટી છે. ચાલુ વરસાદે એક બાંધકામની સાઈટ પર ભૂસ્ખનલ થતા 3 વ્યક્તિના અકાળે મોત નીપજ્યા છે, જ્યારે આ ઘટનામાં આઠ વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી છે.
આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે, જે વેગથી જમીન ધસી રહી છે એમાં એક શક્તિશાળી ટ્રકથી લઈને અનેક એવા ટુ-વ્હિલર્સ અને નાના વાહનોનો કચ્ચરઘાણ બોલી રહ્યો છે. કાળમાળ એટલા વેગ સાથે આગળ આવે છે કે, એનાથી આગળના વાહનોને પણ મોટું નુકસાન થાય છે. લોકો બચવા માટો દોટ મૂકી રહ્યા છે.
ખાસ વ્યવસ્થા કરવામાં આવી
આ સમગ્ર ઘટના સામે આવતા વહીવટી તંત્ર તરફથી યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.આ વિસ્તારમાંથી આઠ વ્યક્તિઓને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી છે. ઈજાગ્રસ્ત લોકોને મેપ્પાડી સ્થિતિ હોસ્પિટલમાં સારવાર હેતું ખસેડવામાં આવ્યા છે, જ્યારે મૃતકોના સ્વજનોને જાણ કરવામાં આવી રહી છે. વહીવટી તંત્ર ઈજાગ્રસ્તોને ઝડપથી સારવાર મળે એ માટે સતત વૉચ રાખી રહી છે.
વાયનાડમાં ભૂસ્ખલનનો 'ઉત્પાત': જુઓ ખતરનાક સીસીટીવી | Mumbai Samachar
— Mumbai Samachar Official (@Samachar_Mumbai) July 7, 2026
કેરળના વાયનાડ જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે કલ્લાડી વિસ્તારમાં ભયાનક ભૂસ્ખલન થયું છે. CCTVમાં કેદ થયેલા વીડિયોમાં કાદવના પ્રવાહમાં ટેન્કર ટ્રક વહી જતું જોવા મળ્યું હતું. મોટી જાનહાનિ થવાની સંભાવના છે, પણ હાલ બચાવ… pic.twitter.com/5kookD7gJ8
એનડીઆરએફએ ખડેપગે
જિલ્લા વહીવટી તંત્રના એક રિપોર્ટ અનુસાર અસરગ્રસ્ત લોકોની સારવાર માટે સરકારી એલપી સ્કૂલમાં એક રાહત શિબિર શરૂ કરવામાં આવી છે. જેમાં લોકોનો ઈલાજ કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને લોકોને પ્રાથમિક સુવિધા મળે એ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ વિસ્તારમાં રહેતા કેટલાક પરિવારોને પણ રાહત શિબિરમાં ખસેડવામાં આવી રહ્યા છે. પોલીસે પણ એક ટીમ તૈયાર કરીને NDRF સાથે તાલમેલથી બચાવ કામગીરી શરૂ કરી દીધી છે.
સર્ચ ઑપરેશન શરૂ
તંત્ર હાલમાં એ સર્ચ ઑપરેશન ચલાવી રહ્યું છે કે, કાળમાળની નીચે કોઈ દટાયું તો નથી ને? જે વિસ્તારમાં ઘટના બની એ વિસ્તારમાં અનાક્કમપોયિલ-મેપ્પાડી માર્ગ પરિવહન યોજનાનું કામ શરૂ થયું હતું. નજીકમાં આવેલા પૂલ પર એક ટેંકર ટ્રક પાર્ક કરેલો હતો. જે માટી સાથે પ્રચંડ વેગ સાથે ધસી આવ્યો હતો. આ ટ્રક પાછળ પડેલી જીપ સાથે અથડાઈ ગયો હતો. ચમત્કારિક રીતે એક મહિલા અને એક યુવાન ટ્રક અને જીપની વચ્ચેથી બાહર નીકળવામાં સફળ રહ્યા હતા. બન્ને પૂરી રીતે માટીથી લથબથ થઈ ગયા હતા. પણ એમના જીવ બચી ગયા હતા. કેટલાક લોકો ઈજાગ્રસ્ત સ્થિતિમાં પણ હોસ્પિટલમાં સારવાર માટે દોડ્યા હતા.
ગણતરીની સેકન્ડમાં વિનાશ
સ્થાનિકો પણ મદદ કરવા માટે દોડી આવ્યા હતા. સામે આવેલા વિડિયોમાં સાંભળી શકાય છે કે, લોકો બૂમ પાડી રહ્યા છે કે, ભાગો...ભાગો...ઝડપથી ભાગો, ગણતરીની સેકન્ડ બાદ ચિત્ર પલટાઈ ગયું હતું. રસ્તા પર કાળમાળ પથરાઈ ગયો અને માટી ઝડપથી ખસવા લાગી હતી. કલ્લાડી સ્થિત મિનાક્ષી બ્રિજ પાસે આ ઘટના એવા સમયે બની જ્યારે બ્રિજ પાસે કામ ચાલું હતું.
મહિલાનો જીવ બચી ગયો
સતત વરસાદને કારણે આસપાસના રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા. કેટલાય વૃક્ષો મૂળીયા સાથે ઉખડી ગયા હતા. સીસીટીવીના વિડિયોમાં બ્રિજ લાઈનને પણ મસમોટું નુકસાન થયું હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. કોલ્લાડીના ટેકરાવાળા વિસ્તારમાંથી મોટી માત્રામાં માટી ધસાઈ આવવાનું શરૂ થઈ ગયું હતું. પુલની આસપાસ પણ પાણી ભરાઈ ગયા હતા. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, એક મહિલાનો ચમત્કારિક બચાવ થયો છે. એક યુવાન દોડતા દોડતા પણ પડી જાય છે ત્યારે તેનો પણ ચમત્કારિક બચાવ થયો છે.