નવી દિલ્હી: ભારતમાં વન નેશન વન ઇલેક્શન બિલ મુદ્દે કવાયત તેજ કરવામાં આવી છે. બંધારણના 129માં સુધારા અંગે જેપીસી દ્વારા વિચાર-વિમર્શ કરવામાં આવી રહ્યો છે. જેમાં સત્તાધારી પક્ષ ઉપરાંત વિપક્ષ નેતાઓ પણ સામેલ થઇ રહ્યા છે.
પ્રિયંકા ગાંધી અને સુપ્રિયા સુલેએ બેઠકમાં ભાગ લીધો
આ બિલ અંગે સોમવારે JPCના અધ્યક્ષ પીપી ચૌધરીની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી. જેમાં કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી અને કોંગ્રેસના નેતા પી. ચિદમ્બરમે હાજરી આપી હતી. તેમજ ટીએમસી સાંસદ સાગરિકા ઘોષ અને એનસીપી (શરદ પવાર) સાંસદ સુપ્રિયા સુલેએ પણ બેઠકમાં ભાગ લીધો હતો.
વિપક્ષ દ્વારા વિરોધ
જોકે, વિપક્ષ વન નેશન વન ઇલેક્શન બિલનો વિરોધ કરી રહ્યો છે. આ બેઠક બાદ જેપીસીના અધ્યક્ષ પીપી ચૌધરીએ જણાવ્યું હતું કે મોટાભાગના પક્ષો એક સાથે ચૂંટણીના પક્ષમાં છે. તેમણે ઉમેર્યું હતું કે પી. ચિદમ્બરમે પણ બેઠક દરમિયાન પોતાના પક્ષનું વલણ રજૂ કર્યું હતું.
વન નેશન વન ઇલેક્શન બિલ વર્ષ 2029 લાગુ થઇ શકે
આ દરમિયાન એક અહેવાલ બહાર આવ્યો છે જેમાં જણાવાયું છે કે, વન નેશન વન ઇલેક્શન બિલ વર્ષ 2034 ને બદલે 2029 માં લાગુ કરી શકાય છે. એટલે કે એ થાય કે લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ 2029 માં એકસાથે યોજાઈ શકે છે.
99 ટકા સ્ટેક હોલ્ડરો આ દરખાસ્તના પક્ષમાં
જેપીસી ના અધ્યક્ષ પી.પી. ચૌધરીએ જણાવ્યું હતું કે અત્યાર સુધી ચર્ચા કરાયેલા 99 ટકા સ્ટેક હોલ્ડરો આ દરખાસ્તના પક્ષમાં છે. તેમણે વધુમાં ટિપ્પણી કરી હતી કે, રાજકીય ઇચ્છાશક્તિને જોતાં તેનો ખરેખર વર્ષ 2029 સુધીમાં અમલ થઈ શકે છે.
બિલના સમર્થકો બિલને વિકાસને વેગ આપનારું ગણાવે છે
વન નેશન વન ઇલેક્શન બિલના સમર્થકો આને દેશના વિકાસને વેગ આપવાનું પગલું ગણાવે છે. તેમના મતે વારંવાર યોજાતી ચૂંટણીઓ રાષ્ટ્રીય વિકાસને અવરોધે છે અને સરકારી શાળાઓમાં બાળકોના શિક્ષણને વિક્ષેપિત કરે છે, કારણ કે શિક્ષકો મતદાર યાદીઓ તૈયાર કરવાથી લઈને ચૂંટણીઓ જાતે કરાવવા સુધીના કાર્યોમાં વ્યસ્ત થઈ જાય છે. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પણ વારંવાર થતી ચૂંટણીઓને વિકાસમાં અવરોધ ગણાવ્યો હતો.
દર 5 વર્ષે ચૂંટણી યોજવી બંધારણીય જવાબદારી
જ્યારે વિપક્ષ તેનો વિરોધ કરે છે. તેમણે દલીલ કરી છે કે દર 5 વર્ષે ચૂંટણી યોજવી બંધારણીય જવાબદારી છે. તેમજ 2 વર્ષમાં સરકાર પડી જશે તો શું થશે. જો સરકાર પડી જાય તો આગામી ચૂંટણી સુધી રાષ્ટ્રપતિ શાસન લાદવું યોગ્ય નથી. તેમજ માત્ર 3 વર્ષ માટે રાજ્યની ચૂંટણી યોજવી એ પણ ખોટું છે