Tue Oct 06 2026

Logo

રાજ્યમાં સ્વાઈનફ્લૂના દર્દીઓની હાલત સામાન્ય: આરોગ્ય પ્રધાન પ્રફુલ પાનશેરીયા

2026-08-24 17:10:26
Author: Pooja Shah
રાજ્યમાં સ્વાઈનફ્લૂના દર્દીઓની હાલત સામાન્ય: આરોગ્ય પ્રધાન પ્રફુલ પાનશેરીયા

અમદાવાદઃ દેશભરમાં એચવનએનવન એટલે કે સ્વાઈન ફ્લૂના કેસ વધી રહ્યા છે. ગુજરાતના ગાંધીનગરમાં પણ બે કેસ નોંધાયા હોવાના અહેવાલો મળ્યા છે. જોકે રાજ્ય સરકારે આ મામલે સત્તાવાર આંકડો કે માહિતી નથી આપી, પરંતુ દરદીઓની હાલત સામાન્ય હોવાનું જણાવ્યું હતું.

આ મુદ્દે સમીક્ષા કરવા માટે ગાંધીનગર ખાતે આરોગ્ય પ્રધાન પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી. વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આયોજિત આ બેઠકમાં રાજ્યની વિવિધ સિવિલ હોસ્પિટલોના તબીબી અધિક્ષકો, મેડિકલ કોલેજોના ડિન તેમજ જિલ્લા અને મહાનગરપાલિકાઓના વરિષ્ઠ આરોગ્ય અધિકારીઓ હાજર રહ્યા હતા. 

પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, દિલ્હી અને મુંબઈ જેવા મહાનગરોમાંથી સીઝનલ ફ્લૂના કેસો સામે આવી રહ્યા છે અને આ બંને શહેરોમાંથી ફ્લાઇટ્સ, ટ્રેન તથા બસ માર્ગે નાગરિકોનું ગુજરાતમાં સતત આવાગમન રહે છે. તેમણે સ્પષ્ટતા કરતાં ઉમેર્યું હતું કે, રાજ્યમાં સ્વાઈન ફ્લૂનો કોઈ ગંભીર ઉપદ્રવ નથી. દર્દીઓની હાલત સામાન્ય હોવાથી રાજ્યના નાગરિકોએ સહેજ પણ ચિંતા કરવાની જરૂર નથી.

તેમણે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી અધિકારીઓને આદેશ આપતાં જણાવ્યું હતું કે, વર્ષ-૨૦૧૯ની એચવનએનવન ગાઇડલાઇન મુજબ જ રાજ્યની તમામ હોસ્પિટલોમાં દર્દીઓના સેમ્પલિંગ, ટેસ્ટિંગ અને સારવારની પ્રક્રિયાનું ચોક્કસ પાલન થાય તેમજ ઇમરજન્સી વિભાગો, તબીબો અને નર્સિંગ સ્ટાફને આ અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવે.

રાજ્યની સિવિલ હોસ્પિટલોના તબીબી અધિક્ષકો, મેડિકલ કોલેજોના ડિન તેમજ જિલ્લા અને મહાનગરપાલિકાઓના સિનિયર આરોગ્ય અધિકારીઓને તમામ સરકારી હોસ્પિટલોમાં જરૂરી દવાઓ, ઓક્સિજન અને વેન્ટિલેટરની પર્યાપ્ત સુવિધાઓ ઉપલબ્ધ રાખવા નિર્દેશ આપ્યા હતા.