મુંબઈ: 30,000 કરોડ રૂપિયાના વ્યવહારોના કથિત સાયબર ફ્રોડ અને ડિજિટલ અરેસ્ટના દેશભરના કેસ સંબંધી મની લોન્ડરિંગની તપાસના ભાગ રૂપે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટે (ઈડી) બે આરોપીની ધરપકડ કરી હતી.ઈડીના જણાવ્યા મુજબ ફહીમ મોઈન હુસેન સય્યદ અને નઈમ મુઈન સય્યદને રવિવારે મુંબઈમાંથી કસ્ટડીમાં લેવાયા હતા.સાયબર ઠગ ટોળકીએ ગોવાની મહિલાને છેતરીને પડાવેલા 2.60 કરોડ રૂપિયાના કેસમાં મની લોન્ડરિંગના પાસાની ઈડી દ્વારા તપાસ હાથ ધરાઈ હતી. ડિજિટલ અરેસ્ટનો ડર ઊભો કરીને સાયબર ઠગે મહિલાને મે અને જૂન, 2025માં બૅન્ક ખાતામાં નાણાં ટ્રાન્સફર કરવાની ફરજ પાડી હતી.
તપાસ દરમિયાન બે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. બન્નેને રવિવારે સ્પેશિયલ પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ ઍક્ટ (પીએમએલએ) કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. આ મામલે ગોવાના પણજીમાં ગુનો નોંધવામાં આવ્યો હોવાથી આરોપીને ગોવા લઈ જવા વિશેષ અદાલતે ટ્રાન્ઝિટ રિમાન્ડ મંજૂર કર્યા હતા, એવું સૂત્રોએ જણાવ્યું હતું.આરોપીઓને પણજીની વિશેષ અદાલતમાં હાજર કરીને પસ્ટડીમાં લીધા પછી ઈડી દ્વારા વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે. તપાસ દરમિયાન એજન્સીને જાણવા મળ્યું હતું કે ફરિયાદીને છેતરીને બૅન્ક ખાતાઓમાં નાણાં સ્વીકારવામાં આવ્યાં હતાં. પછી ખાતામાંથી કઢાવેલા એ રૂપિયા આરબીઆઈના લાઈસન્સધારી મની ચેન્જર્સ મારફત વિેદેશી ચલણમાં ક્ધવર્ટ કરવામાં આવ્યા હતા.
સૂત્રોના જણાવ્યા મુજબ 20 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં દાખલ 150થી 160 એફઆઈઆર અને 300થી વધુ પીડિતોની ફરિયાદોમાં આરોપીઓ અને તેમની સિન્ડિકેટ દ્વારા 27,000 કરોડના બૅન્ક વ્યવહાર અને 3,000 કરોડના રોકડ વ્યવહાર થયા હોવાની શંકા છે.સાયબર ફ્રોડની ફરિયાદો અનુસાર પીડિતો સાથે આશરે 4,000 કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ છે.
ઈડી દ્વારા આ મામલે જુલાઈ અને હાલમાં 21 ઑગસ્ટે બે વાર ગોવા અને મુંબઈમાં સર્ચ હાથ ધરાઈ હતી. કાર્યવાહી દરમિયાન 3.25 કરોડની રોકડ જપ્ત કરવામાં આવી હતી.
નાણાંનું પગેરું મેળવવામાં આવતાં એવું સામે આવ્યું હતું કે આરોપીઓએ શેલ અથવા ડમી કંપનીઓ ઊભી કરી હતી, જેમાં ડિરેક્ટર તરીકે ડ્રાઈવરો અને કર્મચારીઓને દર્શાવાયા હતા. આ ડ્રાઈવર્સ અને કર્મચારીઓ સિંગલ રૂમમાં રહેતા હતા. તપાસ દરમિયાન આ ક્લાસિક મોડસ ઑપરેન્ડી સામે આવી હતી. (પીટીઆઈ)