Sun Sep 06 2026

Logo

કેબિનેટ બેઠકના સમયમાં ફેરફારથી મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો: ફડણવીસના ડિનરથી વધ્યું સસ્પેન્સ

2026-08-24 17:33:42
Author: Mumbai Samachar Team
કેબિનેટ બેઠકના સમયમાં ફેરફારથી મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો: ફડણવીસના ડિનરથી વધ્યું સસ્પેન્સ

મુંબઈ: મહારાષ્ટ્રના રાજકારણમાં આજનો દિવસ અચાનક જ ચર્ચાનો વિષય રહ્યો હતો. સામાન્ય રીતે મંગળવારે યોજાતી કેબિનેટ બેઠક હવે એક દિવસ વહેલી સોમવારે બપોરે સહ્યાદ્રી ગેસ્ટ હાઉસ ખાતે યોજાવાની છે. આ ફેરફાર બાદ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના સત્તાવાર નિવાસસ્થાન ‘વર્ષા’ બંગલા પર મહાયુતિના ટોચના નેતાઓની બેઠક અને રાત્રિભોજનનું આયોજન કરવામાં આવ્યું છે, જેના કારણે રાજકીય અટકળો વધુ ગરમાઈ છે.

કેબિનેટની બેઠકનો સમય બદલવા પાછળ સત્તાવાર કારણ તરીકે ફડણવીસનો આવતીકાલે મુંબઈ બહાર એક ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપવાના હોવાનું જણાવવામાં આવ્યું હતું. જોકે, કેબિનેટ બેઠક બાદ તરત જ મહાયુતિના મુખ્ય નેતાઓની બેઠક અને ડિનર યોજાવાનું હોવાથી રાજકીય વર્તુળોમાં અનેક તર્ક-વિતર્ક શરૂ થયા છે. ખાસ કરીને ફડણવીસની તાજેતરની દિલ્હી મુલાકાત બાદ આ ઘટનાક્રમને વધુ મહત્વ મળી રહ્યું છે.

વર્ષા બંગલા ખાતે ફડણવીસ સાથે નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને સુનેત્રા પવાર વચ્ચે મહત્વપૂર્ણ ચર્ચા થવાની છે. ત્યાર બાદ ભાજપ (ભારતીય જનતા પાર્ટી), શિવસેના અને એનસીપી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી)ના પ્રધાનો તથા વરિષ્ઠ નેતાઓ માટે રાત્રિભોજનનું આયોજન છે. સત્તાવાર રીતે આ બેઠકનો હેતુ મહાયુતિમાં વધુ સારો આપસી તાલમેલ બેસાડવો, આંતરિક મતભેદો દૂર કરવા અને સરકારની કામગીરીને વધુ ગતિ આપવાનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

જોકે, મહારાષ્ટ્રમાં રાજકીય પરિવર્તનની ચર્ચાઓ વચ્ચે બેઠકોની આ શૃંખલાને લઈને સવાલો ઉઠી રહ્યા છે. એક દિવસ અગાઉ અચાનક કેબિનેટ બેઠક બોલાવવી અને ત્યારબાદ મહાયુતિના ટોચના નેતાઓને એક જ સ્થળે ભેગા કરવાના નિર્ણયે સસ્પેન્સ વધારી દીધું છે. જોકે, સત્તાવાર સૂત્રોએ કોઈ મોટા રાજકીય ફેરફારની શક્યતાને નકારી કાઢી છે.

દરમિયાન રવિવારે હરિયાણાના મુખ્ય પ્રધાન નાયબ સિંહ સૈનીએ પણ વર્ષા બંગલા ખાતે ફડણવીસ સાથે મુલાકાત કરી હતી. ફડણવીસે સૈનીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. હવે સોમવારની કેબિનેટ બેઠક બાદ વર્ષા બંગલા પર યોજાનારી બેઠક અને ડિનર પર સૌની નજર છે. રાજકીય રીતે આ માત્ર ગઠબંધનની ‘કોર્ડિનેશન મીટિંગ’ છે કે પછી તેની પાછળ કોઈ મોટો સંદેશ છુપાયેલો છે, તે અંગેનું સસ્પેન્સ હાલ યથાવત છે.