Wed Sep 02 2026

Logo

બદલાતી સામાજિક માનસિકતા! દર 100માંથી 7 યુવતી લિવ-ઇન રિલેશનશિપમાં હોવાનો ચોંકાવનારો ખુલાસો

2026-08-24 17:35:00
Author: Devayat Khatana
બદલાતી સામાજિક માનસિકતા! દર 100માંથી 7 યુવતી લિવ-ઇન રિલેશનશિપમાં હોવાનો ચોંકાવનારો ખુલાસો

 

ઇન્ટરનેટ અને આધુનિક વિચારસરણીના કારણે યુવાનોમાં 'લિવ-ઇન રિલેશનશિપ કલ્ચર વધ્યું

નવી દિલ્હી: ભારતમાં લગ્ન પહેલાં પાર્ટનર સાથે રહેવું એટલે કે લિવ-ઇન રિલેશનશિપ (Live-in Relationship)માં રહેવું એ યુવાનો માટે ફેશન બની ગઈ છે. એકબાજુ ગામડા 'યુવાનો'થી ખાલી થઈ રહ્યા છે, જ્યારે બીજી બાજુ શહેરોમાં એકલા યુવાનો કે યુવતીઓ પોતાની સમાન ઉંમરના લોકો કે અલગ અલગ વિચારસરણીવાળા લોકો સાથે લિવઈનમાં રહેવાનું કલ્ચર વકરી રહ્યું છે જેના સંબંધમાં આંખ ઊઘાડનારો એક રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા કરવામાં આવ્યા છે, જેમાંથી હવે યુવતીઓ લિવ-ઈનમાં રહેવાનું બિંદાસ્ત પસંદ કરી રહી છે.

આજના યુવાનોની વિચારસરણીમાં આવેલા મોટા પરિવર્તનને કારણે સરકારો પણ હવે આ સંબંધોને કાયદાકીય દાયરામાં લાવવા માટે સક્રિય બની છે. ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા પ્રકાશિત તાજેતરના એક સંશોધનમાં આ બદલાતી સામાજિક તસવીર સ્પષ્ટપણે જોવા મળે છે. આ અભ્યાસમાં અંદાજે 2,000 જેટલી અવિવાહિત, પરંતુ રિલેશનશિપમાં રહેતી યુવતીને સામેલ કરવામાં આવી હતી, જેના ચોંકાવનારા આંકડા મળ્યા છે.

દર 100માંથી લગભગ 7 યુવતી 'લિવ-ઇન'માં 

આ રિસર્ચ માટેનો ડેટા વર્ષ 2022 દરમિયાન દેશના 20 મુખ્ય શહેરોમાંથી એકત્રિત કરવામાં આવ્યો હતો અને તેનું રિસર્ચ પેપર તાજેતરમાં પ્રકાશિત થયું હતું. અભ્યાસ મુજબ, સર્વેમાં સામેલ મહિલાઓમાંથી આશરે 6.67 ટકા યુવતીઓ પોતાના પાર્ટનર સાથે લિવ-ઇનમાં રહેતી હતી, એટલે કે દર 100માંથી લગભગ 7 યુવતી આ વ્યવસ્થામાં હતી, જ્યારે 86.9 ટકા મહિલાઓ પોતાના માતા-પિતા કે અન્ય સગા-સંબંધીઓ સાથે અને 6.45 ટકા મહિલાઓ એકાંતમાં રહેતી હતી. આ રિસર્ચનો મુખ્ય હેતુ માત્ર આંકડા મેળવવાનો નહોતો, પરંતુ યુવતીઓની બદલાતી માનસિકતાનો અભ્યાસ કરવાનો હતો.

ઈન્ટરનેટની લિવ-ઇન પર શું અસર?

અભ્યાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે જે યુવતીઓ દરરોજ ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે, તેમાં પાર્ટનર પસંદ કરવાની છૂટ, લવ મેરેજ પ્રત્યે સ્વીકૃતિ અને માતા-પિતાની મંજૂરીને ઓછી મહત્વપૂર્ણ ગણવાની આધુનિક વિચારસરણી વધુ પ્રમાણમાં જોવા મળે છે. મોબાઈલ કે પોતાના ડિવાઈસ દ્વારા સ્વતંત્ર રીતે ઈન્ટરનેટ વાપરતી યુવતીઓમાં આ વલણ વધુ મજબૂત હતું. જોકે, આ સામાજિક પરિવર્તન હવે દેશની વિવિધ રાજ્ય સરકારો અને કાયદાકીય પ્રણાલી સામે પણ એક નવો સવાલ ઊભો કરી રહ્યું છે કે બે પુખ્ત વયના લોકોની સુરક્ષા અને ગોપનીયતા કેવી રીતે જાળવવી.

આ રાજ્યોમાં લિવ-ઇન રિલેશનશિપને કાયદાકીય માન્યતા 

દેશના વિવિધ રાજ્યોમાં લિવ-ઇન રિલેશનશિપને લઈને કડક નિયમો અને યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગુ કરવાની દોડ શરૂ થઈ ગઈ છે. ઉત્તરાખંડમાં 27 જાન્યુઆરી 2025થી યુસીસી લાગુ છે જેમાં લિવ-ઇન રિલેશનશિપનું રજિસ્ટ્રેશન ફરજિયાત બનાવાયું છે. આ સિવાય ગુજરાત અને અસમની વિધાનસભાએ 2026માં આ અંગેના બિલ પાસ કર્યા છે, જ્યારે મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં પણ આ દિશામાં મહત્વપૂર્ણ કાયદાકીય પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી છે. નવા પ્રસ્તાવિત નિયમો મુજબ લિવ-ઇન શરૂ થતી વખતે અને તે પૂરું થાય ત્યારે તેની વિગતો સરકારી ચોપડે નોંધાવવી અનિવાર્ય કરવામાં આવી રહી છે અને નિયમ ન પાળનાર માટે દંડ કે જેલની જોગવાઈ પણ રાખવામાં આવી છે.

કાયદાકીય નિષ્ણાતોનું શું માનવું છે?

બીજી તરફ, કાયદાકીય નિષ્ણાતો અને સુપ્રીમ કોર્ટે અગાઉના અનેક ચૂકાદાઓમાં સ્પષ્ટ કર્યું છે કે બે પુખ્ત વયના લોકોની મરજીથી સાથે રહેવું એ સ્વયં કોઈ અપરાધ નથી. ભારતના સર્વોચ્ચ અદાલતે ઇન્દિરા શર્મા વિરુદ્ધ વી.કે.વી. શર્મા કેસમાં સ્પષ્ટ કહ્યું હતું કે લગ્ન જેવી પ્રકૃતિનો સંબંધ કે લિવ-ઇન એ કોઈ પાપ કે ગુનો નથી અને લગ્ન કરવા કે ન કરવા તે દરેક વ્યક્તિનો સંપૂર્ણપણે અંગત નિર્ણય છે. ટૂંકમાં, લિવ-ઈન ગુનો નથી, પરંતુ લગ્ન તૂટી રહ્યા છે, જેની સમાજ પર ગંભીર અસરો પડી રહી છે, ત્યારે લિવ-ઈન ટકતા નથી તો આગામી વર્ષોમાં દેશની શક્તિ 'સમાજ' બનશે કે કેમ એમાં સવાલ છે.