Wed Sep 02 2026

Logo

ગાયકીના 'સૂફી સંત' આ સિંગરનો ઝૂંપડીમાં રહેવાથી લઈને સ્ટાર બનવા સુધીનો સંઘર્ષ, જાણો કેવી રીતે બદલાઈ કિસ્મત!

2026-07-07 16:32:14
Author: Darshana Visaria
ગાયકીના 'સૂફી સંત' આ સિંગરનો ઝૂંપડીમાં રહેવાથી લઈને સ્ટાર બનવા સુધીનો સંઘર્ષ, જાણો કેવી રીતે બદલાઈ કિસ્મત!

પોતાના અનોખા અંદાજ અને ગંભીર છતાં મધુર અવાજથી કરોડો દિલો પર રાજ કરનાર બોલીવુડના સુપરસ્ટાર સિંગર કૈલાશ ખેર આજે પોતાનો 52મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર ચાહકો તેમને જન્મદિવસની ભવ્ય શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. આજે કૈલાશ ખેર જે સફળતાના શિખરે છે, ત્યાં સુધી પહોંચવાનો તેમનો રસ્તો ફૂલોનો નહીં પણ કાંટાઓથી ભરેલો હતો.

એક જાણીતા ટીવી શોમાં પહોંચેલા કૈલાશ ખેરે પોતાના ભૂતકાળના કપરાં દિવસોને યાદ કરતાં જણાવ્યું હતું કે, તેમણે લગભગ સાત વર્ષ સુધી રોટી, કપડાં અને મકાન માટે ખૂબ સંઘર્ષ કર્યો હતો. તેમણે જણાવ્યું કે તેમની પાસે કોઈ ડિગ્રી નહોતી, તેથી લોકો તેમની પાસે પોતાની સુવિધા મુજબ કામ કરાવતા હતા. જીવનના એ દિવસોમાં તેમણે દરજીનું કામ કર્યું, ટ્રક ચલાવ્યા, પ્રિન્ટિંગ પ્રેસમાં કામ કર્યું, તો ક્યારેક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના આસિસ્ટન્ટ તરીકે પણ કામ કર્યું હતું.

કૈલાશ ખેરે એક સમયે ગર્વથી જણાવ્યું હતું કે, તેઓ એક્સપોર્ટર બન્યા હતા અને જર્મનીના હેમ્બર્ગમાં ભારતીય હસ્તકલા અને કપડાંની નિકાસ કરતા હતા. તેમનો આ વ્યવસાય સારો ચાલી રહ્યો હતો, પરંતુ નિયતિને કંઈક બીજું જ મંજૂર હતું. તેમણે કહ્યું, ક્યારેક કશ્તી સાહિલની નજીક હોય ત્યારે પણ ખુદા પોતાની ચાલ ચાલી લે છે. તેમના જીવનમાં એક એવો સમય આવ્યો જ્યારે બધું જ વેરાઈ ગયું, પરંતુ એ નિરાશાના દોરમાંથી જ તેમના જીવનનો નવો અધ્યાય શરૂ થયો.

પોતાના સંઘર્ષને 'ઉસ્તાદ' ગણાવતા કૈલાશ ખેરે હસતા હસતા જણાવ્યું હતું કે, તેમણે કોઈ ગુરુ પાસે નહીં પણ હાલાતો પાસેથી શીખ્યું છે. જેમ ડાર્ક રૂમમાં નેગેટિવ ધોયા પછી સાફ સુથરો ફોટો સામે આવે છે એજ રીતે તેમ જીવનના કપરાં અનુભવોએ તેમને એક મજબૂત કલાકાર તરીકે ઘડ્યા છે. આજે કૈલાશ ખેર માત્ર એક ગાયક જ નથી, પરંતુ લાખો લોકો માટે પ્રેરણાસ્ત્રોત છે. તેમના ગીતો અને લાઈવ કોન્સર્ટ આજે દેશભરમાં એટલા જ લોકપ્રિય છે. તેમના જન્મદિવસના અવસરે ચાહકો તેમના સુરીલા અવાજની સાથે તેમના જીવનના સંઘર્ષને પણ સલામ કરી રહ્યા છે.