Tue Jul 07 2026

Logo

પાછોતરા સત્રમાં નફારૂપી વેચવાલી નીકળતાં ચાર સત્રની તેજીને બ્રેક, સેન્સેક્સમાં 104 પૉઈન્ટનો અને નિફ્ટીમાં 31 પૉઈન્ટનો ઘટાડો

2026-07-07 19:56:06
Author: Ramesh Gohil
Article Image

વિદેશી ફંડોની રૂ. 393.19 કરોડની ખરીદી સામે સ્થાનિક ફંડોની રૂ. 383.43 કરોડની વેચવાલી 

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી) 

મુંબઈઃ
સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આજે એકંદરે સુધારાતરફી વલણ રહ્યા બાદ ખાસ કરીને પાછોતરા સત્રમાં એશિયન બજારોમાં નરમાઈનું વલણ રહ્યું હોવાના નિર્દેશો સાથે નફારૂપી વેચવાલીનું દબાણ વધતાં સતત ચાર સત્રની તેજીનો અંત આવ્યો હતો અને બૉમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શૅરના બૅન્ચમાર્ક સેન્સેક્સમાં 104.35 પૉઈન્ટનો અને નેશનલ સ્ટોક એક્સચેન્જના 50 શૅરના બૅન્ચમાર્ક નિફ્ટીમાં 31.65 પૉઈન્ટનો ઘટાડો આવ્યો હતો. નોંધનીય બાબત એ છે કે આ પૂર્વેના ચાર સત્રમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં અંદાજે બે ટકાનો ઉછાળો આવ્યો હતો અને સોમવારે બન્ને બૅન્ચમાર્ક બે મહિના કરતાં વધુ સમયગાળાની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. 

વધુમાં આજે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. 18,414.01 કરોડની ખરીદી સામે રૂ. 18,020.82 કરોડની વેચવાલી રહેતાં કુલ રૂ. 393.19 કરોડની ચોખ્ખી ખરીદી રહી હતી, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની રૂ. 18,897.44 કરોડની ખરીદી સામે રૂ. 19,280.87 કરોડની વેચવાલી રહેતાં કુલ રૂ. 383.43 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાનું એક્સચેન્જને આંકડાકીય માહિતીમાં જણાવ્યું હતું. 

એક્સચેન્જ તરફથી પ્રાપ્ત થયેલી આંકડાકીય માહિતી અનુસાર આજે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ ગઈકાલના 78,285.07ના બંધ સામે સુધારાના અન્ડરટોને 78,461.16ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 78,031.04 અને ઉપરમાં 78,664.92ની રેન્જમાં રહ્યા બાદ અંતે ગઈકાલના બંધ સામે 104.35 પૉઈન્ટ અથવા તો 0.13 ટકા ઘટીને 78,180.72ની સપાટીએ બંધ રહ્યો હતો. તે જ પ્રમાણે એનસઈ બૅન્ચમાર્ક નિફ્ટી ગઈકાલના 24,430.35ના બંધ સામે વધીને 24,464.45ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 24,348.95 અને ઉપરમાં 24,530.90ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે 31.65 પૉઈન્ટ અથવા તો 0.13 ટકા ઘટીને 24,398.70ના મથાળે બંધ રહ્યો હતો. 

અમેરિકી ફેડરલ રિઝર્વની છેલ્લી નીતિવિષયક બેઠકની આવતીકાલે જાહેર થનારી મિનિટ્સ પૂર્વે આજે એશિયન બજારોમાં સાવચેતીના અભિગમ વચ્ચે નરમાઈનું વલણ રહ્યું હોવાના નિર્દેશોને ધ્યાનમાં લેતા સ્થાનિકમાં પાછોતરા સત્રમાં નફારૂપી વેચવાલીનું દબાણ રહેતાં બૅન્ચમાર્કમાં પીછેહઠ જોવા મળી હતી. જોકે, વર્તમાન નાણાકીય વર્ષનાં પહેલા ત્રિમાસિકગાળાના પરિણામોની મોસમ પૂર્વે ખાસ કરીને આઈટી શૅરોમાં ઘટ્યા મથાળેથી લેવાલી નીકળતાં બૅન્ચમાર્કમાં ઘટાડો મર્યાદિત રહ્યો હોવાનું જિઓજીત ઈન્વેસ્ટમેન્ટ લિ.નાં રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું. 

વધુમાં સ્ટ્રેટ ઑફ હોર્મુઝ પરથી પસાર થઈ રહેલાં તેલના વેસલ પર હુમલો કરવામાં આવ્યો હોવાના અહેવાલો વહેતા થતાં ક્રૂડતેલના ભાવમાં ઘટ્યા મથાળેથી સુધારો આવતાં એશિયન બજારોમાં રોકાણકારોનું માનસ ખરડાઈ જતાં નરમાઈનું વલણ રહ્યું હોવાથી તેમ જ સતત ચાર સત્રની તેજી પશ્ચાત્‌‍ નફારૂપી વેચવાલીનું દબાણ રહેતાં બૅન્ચમાર્કમાં ઘટાડો જોવા મળ્યો હોવાનું વૅલ્થ ટૅક કંપની એન્રીચ મનીનાં ચીફ એક્ઝિક્યુટીવ ઑફિસર પોન્મુડી આર એ જણાવ્યું હતું. 

આજે બીએસઈ ખાતે કુલ 4397 શૅરોમાં કામકાજ થયા હતા. જેમાંથી 1534 શૅરના ભાવ વધીને, 2700 શૅરના ભાવ ઘટીને અને 163 શૅરના ભાવ ટકેલા ધોરણે બંધ રહ્યા હતા. તેમ જ આજે 147 શૅરના ભાવ બાવન સપ્તાહની ટોચે અને 73 શૅરના ભાવ બાવન સપ્તાહના તળિયે પહોંચ્યા હતા અને સાત શૅરના ભાવમાં નીચલી સર્કિટ લાગી હતી. 

વધુમાં સેન્સેક્સ હેઠળના 30 શૅર પૈકી 14 શૅરના ભાવ વધીને અને 16 શૅરના ભાવ ઘટીને બંધ રહ્યા હતા. જોકે, વર્તમાન નાણાકીય વર્ષના પહેલા ત્રિમાસિકગાળામાં ટ્રેન્ટની આવકમાં વૃદ્ધિ બજારની અપેક્ષા કરતાં ઓછી હોવાના નિર્દેશો મળતાં શેરના ભાવમાં સૌથી વધુ 12.42 ટકાનો કડાકો બોલાઈ ગયો હતો. આ સિવાય અન્ય મુખ્ય ઘટનાર શૅરોમાં અદાણી પોર્ટસમાં 1.59 ટકાનો, ભારત ઈલેક્ટ્રોનિક્સ લિ.માં 1.59 ટકાનો, લાર્સન ઍન્ડ ટૂબ્રોમાં 1.19 ટકાનો, રિલાયન્સમાં 1.12 ટકાનો અને આઈસીઆઈસીઆઈ બૅન્કમાં 0.81 ટકાનો ઘટાડો આવ્યો હતો, જ્યારે તેની સામે મુખ્ય વધનાર શૅરોમાં એચસીએલ ટેક્નોલૉજીસમાં 3.04 ટકાનો, ટેક મહિન્દ્રામાં 2.86 ટકાનો, ઈન્ફોસિસમાં 2.81 ટકાનો, ટાઈટનમાં 2.62 ટકાનો, ઈટર્નલમાં 2.12 ટકાનો અને ટીસીએસમાં 1.86 ટકાનો સુધારો આવ્યો હતો. 

નોંધનીય બાબત એ છે કે આવતા ગુરુવારે આઈટી ક્ષેત્રની અગ્રણી ટાટા ક્નસલ્ટન્સી સર્વિસીસ વર્તમાન નાણાકીય વર્ષના પહેલા ત્રિમાસિકગાળાના પરિણામોની જાહેરાત કરશે અને આ સાથે પરિણામોની મોસમનો આરંભ થશે. 

એક્સચેન્જની આંકડાકીય માહિતી અનુસાર આજે સ્મોલકેપ ઈન્ડેક્સમાં 1.08 ટકાનો અને મિડિકેપ ઈન્ડેક્સમાં 0.15 ટકાનો ઘટાડો આવ્યો હતો. તેમ જ બીએસઈ ખાતેના સેક્ટોરિયલ ઈન્ડેક્સમાં સૌથી વધુ 1.73 ટકાનો ઘટાડો કેપિટલ ગૂડ્સ ઈન્ડેક્સમાં નોંધાયો હતો. ત્યાર બાદ અનુક્રમે રિઅલ્ટી ઈન્ડેક્સમાં 1.61 ટકાનો, ઈન્ડસ્ટ્રિયલ ઈન્ડેક્સમાં 1.49 ટકાનો, પાવર ઈન્ડેક્સમાં 1.12 ટકાનો, મેટલ ઈન્ડેક્સમાં 1.04 ટકાનો, કૉમૉડિટી ઈન્ડેક્સમાં 0.90 ટકાનો અને હૉસ્પિટલ ઈન્ડેક્સમાં 0.90 ટકાનો ઘટાડો આવ્યો હતો, જ્યારે ફોકસ્ડ આઈટી ઈન્ડેક્સમાં 2.25 ટકાનો, આઈટી ઈન્ડેક્સમાં 2.12 ટકાનો, ક્નઝ્યુમર ડ્યુરેબલ ઈન્ડેક્સમાં 0.65 ટકાનો, મીડસ્મોલ પ્રાઈવેટ બૅન્ક ક્વૉલિટી ટિલ્ટ ઈન્ડેક્સમાં 0.55 ટકાનો, ઑઈલ ઍન્ડ ગૅસ ઈન્ડેક્સમાં 0.09 ટકાનો સુધારો આવ્યો હતો. 

દરમિયાન આજે એશિયન બજારોમાં દક્ષિણ કોરિયાના કોસ્પીમાં 4.91 ટકાનો ઘટાડો આવ્યો હતો, આ સિવાય જાપાનનો નિક્કી 225, શાંઘાઈનો એસએસઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ, અને હૉંગકૉંગનો હૅંગસૅંગ નરમાઈના અન્ડરટોને બંધ રહ્યો હતો. તેમ જ આજે મધ્યસત્ર દમિયાન યુરોપના બજારોમાં મિશ્ર વલણ રહ્યું હતું અને બે્રન્ટ ક્રૂડ તેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે 1.22 ટકા વધીને બેરલદીઠ 72.87 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.