Tue Jul 07 2026

Logo

વાયનાડમાં ભૂસ્ખલનથી ત્રણનાં મોત, અનેક ફસાયાની આશંકા, મુખ્ય પ્રધાને યોજી બેઠક

2026-07-07 14:56:13
Author: Mayur Patel
Article Image

વાયનાડઃ દેશભરમાં ચોમાસું જામ્યું છે. કેટલાક રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આ દરમિયાન કેરળના વાયનાડમાં ભૂસ્ખલન થયું છે. જેમાં હાલ ત્રણ લોકોનાં મોત થયાનું સામે આવ્યું છે. ઉપરાંત અનેક લોકો ફસાયા હોવાની આશંકા છે. હાલ છ લોકોને બચાવવામાં આવ્યા છે. ઘટના બાદ મુખ્ય પ્રધાન વી ડી સતીશને એક ઈમરજન્સી બેઠક યોજી હતી. જેમાં રાજ્યના કૃષિ પ્રધાન અને વાયનાડના ધારાસભ્ય ટી સિદ્દીકી પણ સામેલ હતા. 

મળતી વિગત પ્રમાણે, ભારે વરસાદના કારણે વાયનાડના મેપ્પાડીમાં ભૂસ્ખલન થયું હતું. આ ભૂસ્ખલન વાયનાડ ટનલ નિર્માણ વિસ્તારમાં મીનાક્ષી પુલ પાસે બની હતી. પુલ નજીક પહાડનો એક ભાગ ધસી પડ્યો હતો. ઘટના સમયે શ્રમિકો ટનલ નિર્માણના કામમાં વ્યસ્ત હતા. ટનલ પાસે પ્રવાસી શ્રમિકોને રહેવા માટે કામચલાઉ કેમ્પ બનાવાયો હતો. જેમાં શ્રમિકો રહેતા હતા. આ બંને કેમ્પ ભૂસ્ખલનની ઝપેટમાં આવ્યા હતા. જોકે ઘણા શ્રમિકોને ભૂસ્ખલન થશે તેમ લાગતાં તેઓ તાત્કાલિક ત્યાંથી ખસી ગયા હતા. 

સૂત્રો મુજબ, આ વિસ્તાર પ્રવાસીઓમાં લોકપ્રિય છે. ભૂસ્ખલનની ઘટના સમયે ઘણા વાહનો પણ ત્યાં ઉભા હતા.  જેના કારણે મોટી સંખ્યામાં લોકો દબાયા હોવાની આશંકા છે. ભૂસ્ખલનની જાણ થતાં જ ફાયરબ્રિગેડ, પોલીસ તથા અન્ય લોકો પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. એનડીઆરએફની એક ટીમ પણ ઘટનાસ્થળ પર પહોંચી છે.

ભૂસ્ખલન બાદ હવે રાજકારણ પણ ગરમાતું જોવા મળી રહ્યું છે. કાટમાળની ઝપેટમાં આવેલા આ અકસ્માત પર કેરળના પ્રધાન ટી. સિદ્દીકીએ કન્સ્ટ્રક્શન કંપની 'કોંકણ રેલવે' પર અત્યંત ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે જણાવ્યું કે આ કોઈ ભૂસ્ખલન નથી, પરંતુ માનવીય બેદરકારીના કારણે સર્જાયેલી દુર્ઘટના છે.

રાજ્ય પ્રધાને  કહ્યું કે, આ સીધેસીધું નિયમોની અવગણના કરવાનું પ્રકરણ છે. જિલ્લા કલેક્ટરે અગાઉ જ કોંકણ રેલવેને લેખિતમાં ચેતવણી આપી હતી કે આ બાંધકામ સ્થળ પર ભૂસ્ખલનનું જોખમ છે અને જરૂરી પગલાં લેવા માટે કહ્યું હતું, પરંતુ તેમના તરફથી કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી ન હતી. આ ઉપરાંત તેમણે જણાવ્યું કે આવી બેદરકારીઓને બિલકુલ સહન કરવામાં આવશે નહીં. બે વર્ષ પહેલાં જ મુંડક્કાઈમાં થયેલા એક ભયાનક ભૂસ્ખલનમાં 298 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.