Sun Jul 05 2026

Logo

ક્રૂડ તેલના ભાવઘટાડા અને અમેરિકાના જોબ ડેટાને ટેકે સોના-ચાંદીમાં બાઉન્સબૅક સ્થાનિકમાં ભાવ ઉછળતા સોનામાં માગ અટકી

2026-07-04 20:05:02
Author: Ramesh Gohil
Article Image

રમેશ ગોહિલ

વૈશ્વિક બજારમાં ગત સપ્તાહે ક્રૂડતેલના ભાવમાં વધારો અટકતા વૈશ્વિક સ્તરે ફુગાવામાં વધારો થવાની ભીતિ હળવી થવાની સાથે અમેરિકાના રોજગારીના ડેટા અપેક્ષા કરતાં નબળાં આવ્યા હોવાથી તથા અમેરિકી ફેડરલ રિઝર્વના અધ્યક્ષે તાજેતરમાં ક્રૂડતેલના ભાવમાં જોવા મળેલા ઘટાડાને કારણે ફુગાવાલક્ષી દબાણ ઓછું રહેતાં બહુ વધુ તંગ નાણાનીતિ અપનાવવામાં નહીં આવે એવા સંકેત આપતા સોના અને ચાંદી સહિતની કિંમતી ધાતુઓના ભાવમાં ઘટાડાને બે્રક લાગી હતી અને ભાવમાં બાઉન્સબૅક જોવા મળ્યું હતું. તેમ જ વિશ્વ બજાર પાછળ સ્થાનિક ઝવેરી બજારમાં પણ ગત સપ્તાહે સોના અને ચાંદીના ભાવમાં બાઉન્સબૅક જોવા મળ્યું હતું.

જોકે, ભાવમાં વધારો થવાને કારણે બન્ને કિંમતી ધાતુઓમાં માગ નબળી પડી હતી. વધુમાં ગત સપ્તાહે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં સાપ્તાહિક ધોરણે 73 પૈસાનું ધોવાણ થયું હોવાને કારણે આયાત પડતરો વધી આવતા સુધારાને વધુ ટેકો મળ્યો હતો. અત્રે નોંધનીય બાબત એ છે કે ગત સપ્તાહે સ્થાનિકમાં સોનાના ભાવમાં 4.62 ટકાનો અને ચાંદીના ભાવમાં અંદાજે આઠ ટકાનો ઉછાળો આવ્યો હતો. જોકે, ગત જૂન મહિનામાં 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવમાં માસિક ધોરણે અંદાજે નવ ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો. 

ઈન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ એસોસિયેશનની આંકડાકીય માહિતી અનુસાર ગત સપ્તાહના આરંભે હાજરમાં 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના 10 ગ્રામદીઠ વેરારહિત ધોરણે ભાવ આગલા સપ્તાહના અંતના રૂ. 1,39,873ના બંધ સામે સુધારાના અન્ડરટોને રૂ. 1,41,911ના મથાળે ખૂલ્યા બાદ સપ્તાહ દરમિયાન નીચામાં રૂ. 1,39,434 અને ઉપરમાં સપ્તાહના અંતે રૂ. 1,46,344ની ઊંચી સપાટીએ બંધ રહ્યા હતા. આમ સોનાના ભાવમાં સાપ્તાહિક ધોરણે 10 ગ્રામદીઠ રૂ. 6471 અથવા તો 4.62 ટકા વધી આવ્યા હતા. તે જ પ્રમાણે હાજરમાં ચાંદીના ભાવ આગલા સપ્તાહના અંત અથવા તો ગત 25મી જૂનના કિલોદીઠ રૂ. 2,16,541ના બંધ સામે સુધારાના અન્ડરટોને રૂ. 2,21,600ના મથાળે ખૂલ્યા બાદ સપ્તાહ દરમિયાન નીચામાં રૂ. 2,21,355 અને ઉપરમાં સપ્તાહના અંતે રૂ. 2,33,858ના મથાળે બંધ રહ્યા હતા. આમ ચાંદીમાં સાપ્તાહિક ધોરણે કિલોદીઠ રૂ. 17,317નો અથવા તો આઠ ટકાનો ઉછાળો નોંધાયો હતો.

એકંદરે ગત સપ્તાહે વૈશ્વિક બજાર પાછળ સોનાના ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હોવાથી સપ્તાહના આરંભે જોવા મળેલી છૂટીછવાઈ ખરીદીને બાદ કરતાં ઊંચા મથાળેથી માગ રૂંધાઈ ગઈ હોવાનું કોલકાતા સ્થિત એક જ્વેલરે જણાવતાં ઉમેર્યું હતું કે ભાવમાં કરેક્શન આવે તેવી સંભાવનાને ધ્યાનમાં લેતા ખરીદદારોએ નવી ખરીદી મોકૂફ રાખી હોવાનું જણાય છે, જ્યારે મુંબઈ સ્થિત ખાનગી બૅન્ક સાથે સંકળાયેલા ડીલરે જણાવ્યું હતું કે સપ્તાહ દરમિયાન જ્વેલરોની સાવચેતીના અભિગમ સાથે છૂટીછવાઈ માગ જોવા મળી હતી. જોકે, હવે લગ્નસરાની મોસમ પૂરી થઈ છે અને નજીકના સમયગાળામાં કોઈ તહેવારો પણ ન હોવાથી આગામી દિવસોમાં પણ જ્વેલરી ઉત્પાદકોની માગ સુસ્ત રહે તેવી શક્યતા નકારી ન શકાય.

આમ એકંદરે સપ્તાહ દરમિયાન માગ શુષ્ક રહેતાં સ્થાનિકમાં ડીલરો સોનાના ભાવ વૈશ્વિક ભાવની સરખામણીમાં આૈંસદીઠ પાંચ ડૉલરના પ્રીમિયમથી લઈને સાત ડૉલર સુધીના ડિસ્કાઉન્ટમાં ઑફર કરી રહ્યા હોવાનું તેમણે ઉમેર્યું હતું. ક્રૂડતેલના ભાવમાં ઘટાડો થવાની સાથે વૈશ્વિક સ્તરે ફુગાવામાં વધારો થવાની ભીતિ હળવી થવાથી અને અમેરિકાના આર્થિક ડેટા અપેક્ષા કરતાં નબળાં આવવાને કારણે સોના અને ચાંદીમાં બાઉન્સબૅક જોવા મળ્યું છે. ખાસ કરીને ક્રૂડતેલના ભાવ ઘટતાં ફુગાવાલક્ષી દબાણ હળવું થવાથી અમેરિકી ફેડરલ રિઝર્વ વધુ કડક નાણાનીતિ નહીં અપનાવે તેવો આશાવાદ સપાટી પર આવ્યો હતો. વધુમાં અમેરિકી ફેડરનાં અધ્યક્ષ કેવિન વાર્શે ક્રૂડતેલના ભાવમાં ઘટાડાની અસરો આગામી ફેડરલ રિઝર્વની નીતિવિષયક બેઠકમાં પ્રતિબિંબિત થશે, એવું એક નિવેદનમાં જણાવતાં ફેડરલ રિઝર્વ વધુ તંગ નાણાનીતિ નહીં અપનાવે એવો આશાવાદ વધુ પ્રબળ થયો હતો. આ ઉપરાંત અમેરિકાના જાહેર થયેલા જૂન મહિનાના નોન ફાર્મ પૅ રૉલ ડેટામાં  રોજગારોની સંખ્યામાં 57,000નો ઉમેરો થયો હોવાનું જણાવ્યું હતું, જ્યારે બજાર વર્તુળો 1,10,000ના ઉમેરાની ધારણા મૂકી રહ્યા હતા. 

આમ રોજગાર સર્જનમાં વધારો થાય તે માટે પણ ફેડરલ રિઝર્વ વધુ તંગ નાણાનીતિ નહીં અપનાવે એવી ધારણાએ સોનાની તેજીને મક્કમ ટેકો પૂરો પાડ્યો હોવાનું એસએમસી ઈન્વેસ્ટમેન્ટ્સ ઍન્ડ ઍડ્વાઈઝર્સના વિશ્લેષકે જણાવતાં ઉમેર્યું હતું કે રોજગારીના ડેટા નબળા આવતા વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં વધ્યા મથાળેથી પીછેહઠ થવાથી પડતરો ઘટવાથી સોનામાં કેન્દ્રવર્તી બૅન્કોની લેવાલીનો ટેકો મળ્યો હતો. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલની આંકડાકીય માહિતી અનુસાર ગત મે મહિનામાં કેન્દ્રવર્તી બૅન્કોએ સોનાની અનામતમાં 41 ટનનો વધારો કર્યો હતો. જોકે, આગામી દિવસોમાં પણ કેન્દ્રવર્તી બૅન્કોની માગ જળવાઈ રહે તેવી શક્યતા તેમણે વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે આગામી સપ્તાહે વૈશ્વિક સોનાના ભાવ આૈંસદીઠ 3950થી 4290 ડૉલરની રેન્જમાં અને ચાંદીના ભાવ આૈંસદીઠ 55થી 72 ડૉલરની રેન્જમાં રહે તેવી ધારણા છે, જ્યારે સ્થાનિકમાં સોનાના ઓનલાઈન વાયદામાં ભાવ 10 ગ્રામદીઠ રૂ. 1,40,000થી 1,52,000ની રેન્જમાં અને ચાંદીના વાયદમાં ભાવ કિલોદીઠ રૂ. 2,23,000થી 2,48,000ની રેન્જમાં રહેવાની ધારણા છે. 

દરમિયાન ગત સપ્તાહના અંતે અમેરિકાના જોબ ડેટા નબળા આવતા ફેડરલ રિઝર્વ નજીકના ભવિષ્યમાં વ્યાજદરમાં વધારો નહીં કરે તેવા આશાવાદ હેઠળ હાજરમાં સોનાના ભાવ આગલા બંધ સામે 1.3 ટકા ઉછળીને આૈંસદીઠ 4174.21 ડૉલર અને ઑગસ્ટ ડિલિવરી વાયદામાં ભાવ આગલા બંધ સામે 1.5 ટકા વધીને આૈંસદીઠ 4186.80 ડૉલરના મથાળે બંધ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ 1.9 ટકાની તેજી સાથે આૈંસદીઠ 62.19 ડૉલરના મથાળે રહ્યા હતા. અમેરિકાના રોજગારીના ડેટા નબળા આવતાં સપ્ટેમ્બરમાં વ્યાજદર વધવાની શક્યતા પાતળી થવાથી સોનાની તેજીને ટેકો મળ્યો હોવાનું બાયબીટનાં ચીફ માર્કેટ એનાલિસ્ટ હૅન ટાને જણાવતા ઉમેર્યું હતું કે સીએમઈ ફેડ વૉચ ટૂલ પર બજાર વર્તુળો સપ્ટેમ્બરમાં વ્યાજદરમાં વધારાની શક્યતા જે ગરુવારે 66 
ટકા મુકાઈ રહી હતી તે શુક્રવારે ઘટીને 54 ટકા શક્યતા મૂકી રહ્યા હતા. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે તાજેતરમાં અમુક કેન્દ્રવર્તી બૅન્કોએ તેમના ચલણને ગબડતાં અટકાવવા માટે સોનામાં વેચાણ કર્યું હોવાથી આગામી લાંબા સમયગાળા સુધી વૈશ્વિક સોનાને કેન્દ્રવર્તી બૅન્કોની લેવાલીનો ટેકો મળતો રહેશે.