નવી દિલ્હી: એક સમય એવો હતો જ્યારે દુનિયાના દરેક એન્જિનિયરિંગ અને ટેક સ્ટુડન્ટનું સૌથી મોટું સપનું 'Google'માં નોકરી મેળવવાનું હતું. શાનદાર ઓફિસ, મફત જમવાનું, વૈભવી સુવિધાઓ અને કરોડોનું પેકેજ. પરંતુ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ના આ સમયગાળાએ વૈશ્વિક જોબ માર્કેટનું આખું ચિત્ર બદલી નાખ્યું છે. પરિસ્થિતિ એવી છે કે હવે વાર્ષિક અંદાજે ₹8 કરોડ ($986,000) કમાનારા કર્મચારીઓ પણ ગૂગલની નોકરીને 'બાય-બાય' કહી રહ્યા છે.
આખરે ટેક નિષ્ણાતો વચ્ચે ગૂગલ જેવી ડ્રીમ કંપની છોડવાની હોડ કેમ મચી છે? પ્રખ્યાત અમેરિકન બિઝનેસ વેબસાઇટ 'બિઝનેસ ઇનસાઇડર'ના તાજેતરના અહેવાલમાં ગૂગલના આ આંતરિક બદલાવ અને કર્મચારીઓના બદલાતા મૂડ અંગે ઘણા ચોંકાવનારા ખુલાસા કરવામાં આવ્યા છે.
ભારે પડી રહી છે 'લાઈફ ચેન્જિંગ મની'ની લાલચ
આ અહેવાલ મુજબ, ગૂગલમાં એકાઉન્ટ એક્ઝિક્યુટિવ તરીકે કામ કરતા યુસુફ ઈમરાને તાજેતરમાં જ કંપની છોડી દીધી. વર્ષ 2026 માં તેમનું વાર્ષિક પેકેજ ₹8 કરોડથી વધુ હતું. યુસુફે વાતચીત દરમિયાન જણાવ્યું કે ગૂગલ ખૂબ સારા પૈસા આપે છે, પરંતુ અત્યારના સમયે OpenAI (ચેટજીપીટી બનાવનારી કંપની) અને Anthropic જેવી નવી AI કંપનીઓમાં મળતું 'ઇક્વિટી પેકેજ' (શેર) એક અલગ જ લેવલનું છે. ટેક પ્રોફેશનલ્સને લાગી રહ્યું છે કે નવી AI કંપનીઓમાં શરૂઆતના તબક્કામાં જોડાવાથી તેઓ 'લાઈફ-ચેન્જિંગ' પૈસા કમાઈ શકે છે, જે ગૂગલના બંધાયેલા પગાર કરતાં અનેક ગણા વધારે હશે.
વારંવાર થતી છટણીએ ભરોસો તોડ્યો
ગૂગલની ઓળખ હંમેશાં એક એવી કંપની તરીકેની હતી જ્યાં નોકરી સંપૂર્ણપણે સુરક્ષિત રહેતી હતી. પરંતુ આ અહેવાલ અનુસાર, વર્ષ 2023માં કંપની દ્વારા 12,000 કર્મચારીઓ (આશરે 6% વર્કફોર્સ) ને નોકરીમાંથી છૂટા કરવા અને ત્યારપછી પણ સતત કરવામાં આવી રહેલી નાની-મોટી છટણીએ કર્મચારીઓનો ભરોસો ડગમગાવી દીધો છે. હવે ટેક નિષ્ણાતોને લાગે છે કે ગૂગલ જેવી મોટી કંપનીમાં ટકી રહેવું પણ સંપૂર્ણપણે સુરક્ષિત નથી.
'મોટા મશીનનો નાનો ભાગ' બનવા નથી માંગતા યુવાનો
ગૂગલ છોડનારા અન્ય એક ટેક પ્રોફેશનલે જણાવ્યું કે, મોટી ટેક કંપનીઓમાં તમે એક બહુ મોટા મશીનના ખૂબ જ નાના ભાગ તરીકે કામ કરો છો. ત્યાં તમને તાત્કાલિક નિર્ણયો લેવાની અને તમારા કામની સીધી અસર જોવાની તક નથી મળતી. આ જ કારણ છે કે યુવાનો હવે ગૂગલની સુરક્ષિત નોકરી છોડીને પોતાનું 'એઆઈ સ્ટાર્ટઅપ' (AI Startup) શરૂ કરવાનું જોખમ ઉઠાવી રહ્યા છે.
ઓફિસની સુવિધાઓ અને બજેટમાં કાપ
અહેવાલ મુજબ, છેલ્લા કેટલાક સમયમાં ગૂગલે તેના ઓફિસ કેફેના કામના કલાકો (વર્કિંગ અવર્સ) ઘટાડ્યા છે, ટ્રાવેલ બજેટ ઓછું કર્યું છે અને ટીમ ઇવેન્ટ્સ કે ફેસ્ટિવ સેલિબ્રેશન (તહેવારોની ઉજવણી) ના ખર્ચાઓમાં પણ કાપ મૂક્યો છે. સાથે જ 'વર્ક ફ્રોમ હોમ' ની પોલિસીઓને પણ કડક બનાવી દેવામાં આવી છે. આ નાના-નાના કાપે પણ કર્મચારીઓના અનુભવને બદલી નાખ્યો છે.