બેંગકોકઃ વિદેશની ધરતી પરથી અવારનવાર પ્રાચીન ભારતીય સંસ્કૃતિ અને વેપારના પુરાવા મળતા રહે છે. હાલમાં જ થાઇલેન્ડમાં ચાલી રહેલા એક ઉત્ખનન દરમિયાન પુરાતત્વવિદોના હાથ એક મોટી સફળતા લાગી છે. અહીં આશરે 2000 વર્ષ જૂની સોનાની બે અંગૂઠીઓ મળી આવી છે, જે માનવ કંકાલના અવશેષો સાથે દટાયેલી હતી. આ શોધની સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે, આમાંની એક વીંટી પર ભારતીય પ્રાચીન 'બ્રાહ્મી લિપિ' માં કંઈક લખાયેલું છે. ચાલો વિગતે આ અહેવાલમાં જોઈએ...
થાઇલેન્ડના ફાઇન આર્ટ્સ ડિપાર્ટમેન્ટે સત્તાવાર માહિતી આપતા જણાવ્યું છે કે, આ કિંમતી અંગૂઠીઓ ગયા અઠવાડિયે પેચબુરી પ્રાંતમાં આવેલા 'ડોન યાઈ થોંગ' પુરાતત્વીય સ્થળેથી મળી આવી છે. નિષ્ણાતોના મતે વીંટી પર બ્રાહ્મી લિપિમાં ‘પુસારખિતાસા’ અંકિત થયેલું છે, જેનો સરળ અર્થ ‘પુષ્ય નક્ષત્ર દ્વારા સંરક્ષિત’ એવો થાય છે.
પ્રાચીન ભારતીય વેપારી સાથે જોડાયેલા તાર
ભારતીય જ્યોતિષ અને ખગોળ વિજ્ઞાનમાં 'પુષ્ય' નક્ષત્રને સૌથી પવિત્ર અને શુભ નક્ષત્રોમાંનું એક માનવામાં આવે છે. ખુદકામમાં મળેલી બીજી વીંટી એકદમ સાદી છે અને તે પણ માનવ હાડકાંની નજીકથી જ મળી આવી હતી. ઇતિહાસકારો અને વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે આ ઘરેણાં કોઈ ભારતીય વેપારીના હોઈ શકે છે, જે કદાચ વૈશ્ય સમુદાય સાથે સંબંધ ધરાવતો હશે. આ શોધ એ વાતની મજબૂત સાબિતી આપે છે કે સદીઓ પહેલાં ભારતીય સાહસિક વેપારીઓ દરિયાઈ માર્ગે હજારો કિલોમીટર દૂર સુધી વેપાર અર્થે મુસાફરી કરતા હતા.
થાઇલેન્ડમાંથી 2,000 વર્ષ જૂની એક ભારતીય વેપારીની સોનાની વીંટી મળી આવી!
— MG Vimal ✍️ - વિમલ પ્રજાપતિ (@mgvimal_12) July 6, 2026
pic.twitter.com/zyvin1A9lo
પ્રાચીન બ્રોન્ઝના ડ્રમના કેટલાક ટુકડા પણ મળી આવ્યાં
આ ઐતિહાસિક સ્થાપત્ય 'ડોન યાઈ થોંગ' થાઇલેન્ડની રાજધાની બેંગકોકથી આશરે 130 કિલોમીટર દૂર આવેલું છે. આ સ્થળની શોધ પણ ખૂબ જ રસપ્રદ રીતે ચાલુ વર્ષની શરૂઆતમાં જ થઈ હતી. સ્થાનિક ખેડૂતોને ડાંગરના ખેતરમાંથી પ્રાચીન બ્રોન્ઝના ડ્રમના કેટલાક ટુકડા મળ્યા હતા, જેના પછી પુરાતત્વ વિભાગે આ વિસ્તારને ઘેરીને વૈજ્ઞાનિક પદ્ધતિથી ખોદકામ શરૂ કરાવ્યું હતું. આ સ્થળ થાઇલેન્ડના પ્રાગૈતિહાસિક કાળના અંતિમ તબક્કા એટલે કે 'લોહ યુગ' (આશરે 1,500 થી 2,500 વર્ષ જૂનું) નું હોવાનું મનાય છે.