Fri Sep 04 2026

Logo

દક્ષિણ ગુજરાત - સૌરાષ્ટ્ર માટે 3 કલાક ભારે, સુરત - વલસાડમાં સ્કૂલોમાં રજા જાહેર કરાઈ

2026-07-07 09:02:00
Author: Mayur Patel
દક્ષિણ ગુજરાત - સૌરાષ્ટ્ર માટે 3 કલાક ભારે, સુરત - વલસાડમાં સ્કૂલોમાં રજા જાહેર કરાઈ

Ai Image



અમદાવાદઃ રાજ્ય પર હાલ એકથી વધુ વરસાદી સિસ્ટમ સક્રિય છે, જેના કારણે સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. આ દરમિયાન  હવામાન વિભાગ દ્વારા આગામી 3 કલાક માટે હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સવારે 8 થી 11 સુધીમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી છે. સુરત અને વલસાડમાં ભારે વરસાદની આગાહી અને રેડ એલર્ટના પગલે તમામ શાળા-કોલેજોમાં રજા જાહેર કરાઈ છે, વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ક્યાં છે વરસાદનું રેડ એલર્ટ

હવામાન વિભાગ દ્વારા આજે ભાવનગર, સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે અમરેલી, ભરૂચ અને નર્મદામાં ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ તેમજ ગીર સોમનાથ, દીવ, વડોદરા, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુરમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકના વરસાદના આંકડા

આજે સવારે 6 કલાકે પૂરા થયેલા 24 કલાકમાં એક તાલુકામાં 8 ઇંચથી વધારે, ચાર તાલુકામાં 6 ઇંચથી વધારે, ચાર તાલુકામાં  5 ઇંચથી વધારે, સાત તાલુકામાં 4 ઇંચથી વધારે, 11 તાલુકામાં 3 ઇંચથી વધારે,  21 તાલુકામાં 2 ઇંચથી વધારે, 49 તાલુકામાં 1 ઇંચથી વધારે અને 128 તાલુકામાં 1 ઇંચથી ઓછો વરસાદ નોંધાયો છે.

વાપીમાં સૌથી વધુ 8.58 ઇંચ, કામરેજમાં 6.46 ઇંચ, પારડીમાં 6.34 ઇંચ, ઉમરગાવમાં 6.26 ઇંચ, ઘોઘામાં 6.14 ઇંચ, નાનાપોંઢામાં 5.91 ઇંચ, કપરાડામાં 5.39 ઇંચ, સુરત શહેરમાં 5.39 ઇંચ, વલસાડમાં 5.28 ઇંચ, ખેરગામમાં 4.88 ઇંચ, લાઠીમાં 4.61 ઇંચ, ભાવનગરમાં 4.49 ઇંચ, શિહોરમાં 4.45 ઇંચ, બાબરામાં 4.37 ઇંચ, અમરેલીમાં 4.25 ઇંચ, રાધનપુરમાં 4.21 ઇંચ, સિનોરમાં 3.90 ઇંચ,ખાનપુરમાં 3.86 ઇંચ, સાવરકુંડલામાં 3.82 ઇંચ, ડોલવણમાં 3.70 ઇંચ, ધરમપુરમાં 3.62 ઇંચ, ડભોઈમાં 3.54 ઇંચ, બોડેલીમાં 3.43 ઇંચ, ગારિયાધારમાં 3.39 ઇંચ, ઉમરાળામાં 3.15 ઇંચ, સાગરાબારમાં 3.11 ઇંચ, વાગરમાં 3.07 ઇંચ વરસાદ વરસ્યો હતો.

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા પ્રમાણે, રાજ્યમાં સિઝનનો 17 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. રાજ્યના 268માંથી 260 તાલુકામાં વરસાદ વરસ્યો છે. પરંતુ કચ્છ જિલ્લાના અબડાસા, ભચાઉ, ગાંધીધામ, લખપત, માંડવી, મુન્દ્રા, નખત્રાણા અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર અને દ્વારકા તાલુકા કોરાધાકોડ રહ્યા છે.