Tue Jul 07 2026

Logo

ચોમાસામાં કારનું નુકસાન? ઇન્શ્યોરન્સ ક્લેમ કરતી વખતે ભૂલથી પણ ન કરતા આ ભૂલ, નહીં તો ક્લેમ થઈ શકે છે રિજેક્ટ!

2026-07-07 10:58:00
Author: Darshana Visaria
Article Image

મહારાષ્ટ્ર: રાજ્યભરમાં મોડેથી શરૂ થયેલાં ચોમાસા બાદ બાદ હવે જુલાઈના પહેલાં અઠવાડિયે જ મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. કોંકણ, પશ્ચિમ મહારાષ્ટ્ર અને મધ્ય મહારાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે અનેક ઠેકાણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ઘણા વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે અને ભેખડ ધસી પડવાને કારણે મુખ્ય હાઈવે, એક્સપ્રેસવે બંધ થઈ ગયા છે. આ સ્થિતિમાં અનેક વાહનચાલકોની કાર પાણીમાં ફસાઈ ગઈ છે અથવા તેના પર વૃક્ષો પડવાથી નુકસાન થયું છે. જો તમારી કારને પણ વરસાદને કારણે નુકસાન થયું હોય, તો ચિંતા કરવાની જરૂર નથી. તમે તમારી પોલિસી મુજબ ઈન્શ્યોરન્સ ક્લેમ કરી શકો છો. ચાલો જાણીએ કઈ રીતે...

કયા કિસ્સામાં ઈન્શ્યોરન્સ મળે છે?
કોમ્પ્રિહેન્સિવ પોલિસી: તમારી પાસે 'કોમ્પ્રિહેન્સિવ' કે 'ઓન ડેમેજ' (Own Damage) પોલિસી હોય તો જ તમે નુકસાન ભરપાઈ માટે દાવો કરી શકો છો. માત્ર 'થર્ડ પાર્ટી' ઈન્શ્યોરન્સ ધરાવતા લોકો કારના નુકસાન માટે ક્લેમ કરી શકતા નથી. 
વૃક્ષ કે દિવાલ પડવી: વાવાઝોડા કે ભારે વરસાદને કારણે કાર પર વૃક્ષની ડાળી, આખું વૃક્ષ કે દિવાલ પડવાથી થયેલું નુકસાન વીમા હેઠળ કવર થાય છે.
પૂર અને પાણી ભરાવવું: જો કાર પાણીમાં ફસાઈ જાય અથવા પાણીમાં ડૂબી જવાને કારણે તેના ઇલેક્ટ્રિકલ પાર્ટ્સ, ડેશબોર્ડ કે સીટને નુકસાન થાય, તો કોમ્પ્રિહેન્સિવ પોલિસી હેઠળ ક્લેમ મળી શકે છે.

ભૂલથી પણ ન કરવી આ ભૂલ
વીમા કંપનીઓ ઘણીવાર એન્જિનના નુકસાનનો ક્લેમ નકારી શકે છે. જો પાણીમાં કાર બંધ પડી જાય અને તમે તેને વારંવાર સેલ્ફ મારીને કે ચાલુ કરવાનો પ્રયત્ન કરો, તો એન્જિનમાં પાણી જવાથી 'હાઈડ્રોસ્ટેટિક લોક' થઈ શકે છે. કંપની આને ડ્રાઈવરની બેદરકારી માને છે અને ક્લેમ રિજેક્ટ કરી શકે છે.

ક્લેમ કરતી વખતે રાખો આટલી સાવધાની

  • ગાડી સ્ટાર્ટ ન કરો: પાણી ભરાયેલા વિસ્તારમાં કાર બંધ પડે તો તેને ફરી સ્ટાર્ટ કરવાનો પ્રયત્ન બિલકુલ ન કરવો.
  • પુરાવા એકત્ર કરો: કારને ખસેડતા કે સર્વિસ સેન્ટર પર લઈ જતા પહેલા ગાડીને થયેલા નુકસાનના સ્પષ્ટ ફોટા અને વીડિયો દરેક ખૂણેથી કાઢી લો.
  • ત્વરિત જાણ કરો: ઘટનાના 48 કલાકની અંદર તમારી વીમા કંપની કે એજન્ટને આ અંગે સત્તાવાર જાણ કરો.
  • ટોઈંગ સેવાનો ઉપયોગ: કારને જાતે ધક્કો મારીને કે ખેંચીને લઈ જવાને બદલે અધિકૃત ટોઈંગ ક્રેનની મદદથી સીધી સર્વિસ સેન્ટર પર પહોંચાડો.
  • આ સાવચેતીઓ રાખવાથી તમારો ઈન્શ્યોરન્સ ક્લેમ મંજૂર થવાની શક્યતા વધી જશે.

છે ને એકદમ કામની માહિતી? આ માહિતી અત્યારે જ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરો અને તેમના જનરલ નોલેજમાં પણ વધારો કરો. આવી જ બીજી કામની માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.