Mon Jul 06 2026

Logo

'ભ્રમમાં ન રહેતા, ભારત જેવો દેશ અમારી સાથે', અમેરિકાને નેતન્યાહૂએ બતાવ્યો અરીસો

2026-07-06 12:03:00
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હી: અમેરિકા-ઇઝરાયેલે મળીને ઇરાન યુદ્ધની શરૂઆત કરી હતી. હવે એ જ ઈરાન યુદ્ધે અમેરિકા અને ઇઝરાયેલની દોસ્તીમાં ખટાશ લાવી દીધી છે. જી હા, ઈરાન અને લેબનાનના મુદ્દે અમેરિકા અને ઇઝરાયેલ વચ્ચે તણાવ વધતો જઈ રહ્યો છે. ક્યારેક એકબીજા માટે જીવ આપવા તૈયાર રહેતા અમેરિકા-ઇઝરાયેલ હવે એકબીજા પર જ વરસી રહ્યા છે.

સૌથી મહત્વની વાત તો એ છે કે ટ્રમ્પ તો બેન્જામિન નેતન્યાહૂને ધમકાવી જ રહ્યા હતા, હવે જેડી વેન્સ પણ ઇઝરાયેલને ધમકી આપવા લાગ્યા છે. પરંતુ બેન્જામિન નેતન્યાહૂ પણ ક્યાં પાછા પડે તેમ છે. તેમણે પણ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સને જડબાતોડ જવાબ આપ્યો છે. જેડી વેન્સે કહ્યું હતું કે ઇઝરાયેલ પાસે માત્ર અમેરિકા જ એકમાત્ર શક્તિશાળી સહયોગી દેશ છે. જેના જવાબમાં બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું કે મારી પાસે ભારત જેવો શક્તિશાળી દેશ પણ છે.

જેડી વેન્સને નેતન્યાહૂનો જડબાતોડ જવાબ

એક ઇન્ટરવ્યુમાં બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું કે તેઓ જેડી વેન્સનું સન્માન કરે છે પરંતુ તેમની વાત સાથે સહમત નથી. તેમણે દલીલ કરી કે ઇઝરાયેલને ઘણા દેશોનું સમર્થન મળતું રહ્યું છે. બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું, ‘સૌથી પહેલા તો હું જેડી વેન્સનું સન્માન કરું છું. અમારા સંબંધો ખૂબ જ સારા છે, પરંતુ તેનો અર્થ એ નથી કે હું તેમની દરેક વાત સાથે સહમત છું. અને મારે એ વાત કહેવી પડશે કે ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઇટ હાઉસમાં અમારા અત્યાર સુધીના સૌથી સારા મિત્ર રહ્યા છે અને હું આ વાત પર સંપૂર્ણ રીતે અડગ છું.’

નેતન્યાહૂએ કહ્યું- મારી પાસે ભારત જેવો મજબૂત મિત્ર પણ છે

નેતન્યાહૂએ જેડી વેન્સની ટિપ્પણીનો જવાબ આપતા ખાસ કરીને ભારતનો ઉલ્લેખ કર્યો. બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું, ‘બીજી વાત એ કે અમારી પાસે ભારત જેવા કેટલાક અન્ય મિત્રો પણ છે. તમે જાણો છો કે ત્યાં 1.4 અબજ લોકો છે. અમને ત્યાંથી જબરદસ્ત સમર્થન મળે છે. તમે જાણો છો કે મારું ફેસબુક પેજ છે અને મને ત્યાંથી ભારે સમર્થન મળે છે.’

જેડી વેન્સે શું નિવેદન આપ્યું હતું?

જેડી વેન્સે કહ્યું હતું કે, ‘તેમના માટે મારો સંદેશ બે પ્રકારનો હશે. નંબર 1- ડોનાલ્ડ ટ્રમ્પ દુનિયાના એકમાત્ર એવા રાષ્ટ્રાધ્યક્ષ છે, જે હાલના સમયે ઇઝરાયેલ દેશ પ્રત્યે સહાનુભૂતિ ધરાવે છે.’ તેમણે નેતન્યાહૂની કેબિનેટના સભ્યોને વોશિંગ્ટનની જાહેરમાં આલોચના કરવા સામે ચેતવણી પણ આપી હતી અને કહ્યું હતું કે, ‘જો હું ઇઝરાયેલ સરકારની કેબિનેટમાં હોત, તો હું દુનિયામાં બચેલા મારા એકમાત્ર શક્તિશાળી સહયોગી પર હુમલો ન કરત.’