Tue Jul 07 2026

Logo

હું, સોનલ ઝવેરી- પ્રકરણ- 1

2026-07-07 10:44:00
Author: Mavji Maheshwari
Article Image

માવજી મહેશ્વરી

‘ફીર ક્યોં વાપસ જા રહે હો?’ 
પાછા ચાલ્યા જવા માગતા સનતના પગ થંભી ગયા. ઘડીભર તો વિશ્વાસ જ ન બેઠો કે પેલી છોકરીએ પોતાને બોલાવ્યો. તેના અવાજમાં એક મોહિની હતી. સનતની આંખો સામે રંગીન પતંગિયાં ઉડાઉડ કરવાં લાગ્યાં. મીઠી હિન્દીમાં બોલાયેલા વાક્યમાં સમાયેલો જાદુ ઓસરે તે પહેલા જ પેલીએ હળવેથી પાછળ જોયું. 

થોડીવાર પહેલા તે એવું વિચારતો હતો કે, આવી મુસાફરીમાં કોઈ કંપની હોત તો કેવું સારું. સનતને બોલવું હતું પણ શબ્દો મળતા ન હતા. જાણે સનતના મનમાં ચાલતા વિચારો જાણી ગઈ હોય તેમ પેલી છોકરી આખેઆખી પાછળ ફરીને ઊભી રહી. સનતની નજીક ઊભેલી છોકરીમાં કોઈ પ્રચંડ શક્તિ ધરાવતું ચુંબક હોય, અને પોતે ખેંચાઈ જવાનો હોય તેમ તેણે બોગીના એક પાટિયાને પકડી લીધો. ઝાંખા અજવાશમાં ફોટોજેનિક ચહેરો ધરાવતી છોકરી સનત સામે જોઈ રહી હતી. તેના કાનમાં મોટી રીંગ ઝૂલતી હતી. 

આંખો મોટી હતી અને વળી તેણે કાજળ આંજ્યું હતું. એ આંખોમાં જાદુ હતો. તે અત્યંત ઘાટીલી હતી પણ તે ગોરી નહીં, પણ જરા ભીનેવાન હતી. તેણે પહેરેલાં કપડાં, હેર સ્ટાઈલ, પગને બાંધી રાખતા દોરીવાળા બુટ, નાકમાં ઝબકતી હીરાવાળી ચુન્ની અને ચામડીનો રંગ. બધુંય મળીને તેનો લુક અંગ્રેજી થ્રીલર ફિલ્મની હીરોઈન જેવો લાગતો હતો. જરા ડાર્ક વ્હાઈટ પેન્ટ્માં તેણે ઈન કરેલા ગ્રે કલરના ટી શર્ટ પર બ્રાન્ડેડ કંપનીનો લોગો બરાબર છાતીના ઉભાર પર આવતો હતો. કપડાં પરથી તે કોઈ અમીર ઘરની હોય તેવું લાગતું હતું. 

સનત એય ભૂલી ગયો કે થોડીવાર પહેલા જ તેને કોઈ મહિલાની સામે સીગારેટ ન પીવાનો વિચાર આવ્યો હતો અને અત્યારે તે એક ખૂબસુરત છોકરી સામે સાવ બેશરમની જેમ તાકી રહ્યો હતો. કોના જેવી લાગે છે આ છોકરી? ક્યારથી યાદ કરવા મથી રહેલા સનતના મગજમાં અચાનક લાઈટ થઈ. યેસ્સ, યાદ આવ્યું. દૌડ ફિલ્મની હીરોઈન ઉર્મિલા માતોંડકરની જેવો એનો દેખાવ છે. એની હાઈટ પણ વધારે નથી. પણ તે અહીં શા માટે એકલી ઊભી હશે? શું તેને પણ મારી જેમ ઊંઘ ન આવવાની બિમારી હશે? થોડીવારમાં તો સનતના મગજમાંથી કેટલીય કલ્પનાઓ દોડી ગઈ. છોકરી અદબ વાળી અને ટટ્ટાર ઊભી રહી. 

તેનાં પુરુષના જીન્સે જ તેને યાદ અપાવ્યું કે, સનત તું એક પુરુષ છો. પહેલ તારે કરવાની હોય. આગળ વધ. આવી તક વારંવાર આવતી નથી. આ ટ્રેન દિલ્હી પહોંચશે ત્યારે તારે ઉતરી જવાનું છે. સેંકડો પેસેન્જર્સ સાથે આ છોકરી પણ એના સ્ટેશને ઉતરી જશે. પછી તું રોજ આ ક્ષણને યાદ કરીને નિસાસા નાખીશ. કુદરતે જે તક ઊભી કરી છે તેને ઝડપી લે. થોડીવાર મીઠી વાતો થશે તોય તારું શું જશે? પેલી તારા બોલવાની વાટ જોઈ રહી છે. 

જાણે કોઈએ અંદરથી ધક્કો માર્યો. તેની ડગમગતી હિંમત સ્થિર થઈ. તેણે બેય હાથ ખીસ્સામાં નાખ્યા અને જરા આગળ ખસ્યો. છોકરીની આંખોમાં પોતાનું પ્રતિબિંબ પડે એટલો નજીક. તેના હોઠ પાછળ શબ્દોનું લશ્કર આવીને ઊભું રહી ગયું. પણ જીભ લંગડાઈ ગઈ. તેણે થોથવાતી જીભે જ કહ્યું, 
‘આપ મતલબ આપને કહા કી.....’

‘હાં, મૈને કહા કી દો બાર યહાં આ કરકે વાપસ ક્યોં જા રહે થે? મેરા ડર લગા ક્યા?’ છોકરીના હોઠ પર એક સ્મિત આવ્યું. 
‘નહીં, નહીં. ડર ક્યોં લગેગા? ઐસા લગા જૈસે આપ દૂસરી દુનિયા સે આઈ હો.’ 

‘અરે બાબા કોઈ દૂસરી દુનિયા હોતી તો હમને અબ તક ઢૂંઢ ન લી હોતી?’ આપ મુઝે યે બતાઈયે કી દો બાર આ કરકે વાપસ ક્યોં જા રહે થે?’ 
‘આપકી હિન્દી ભી આપકી તરહ બહોત મીઠી હૈ. હિન્દીભાષી હો ના?’ 

‘બિલકુલ નહીં. મૈં નીટ ગુજરાતી હું. કેમ છો, શું છે વાલી ગુજરાતી...’ 
‘અરે, તમે ગુજરાતી છો? ખરેખર વાત એમ છે કે હું સિગારેટ પીવા અહીં આવ્યો હતો.’ 

‘તો કેમ ન પીધી?’ 

સનતને લાગ્યું કે આ જેટલી દેખાવડી છે એટલી જ બોલવામાં પાવરધી છે. વળી છે પણ બોલ્ડ. જોઉં તો ખરો તે શું ઈચ્છે છે. તેણે પણ અબદવાળી અને બોગીનો ટેકો લઈને ઊભો રહેતા બોલ્યો, ‘પણ તમે પીઠ ફેરવી ઊભા હતા તો તમને કેમ ખબર પડી કે હું બીજીવાર અહીં આવ્યો છું?’ 

છોકરીએ એકદમ સનતની આંખોમાં આંખ નાખતા કહ્યું, ‘મહેરબાન ખૂબસુરત છોકરીઓની પીઠ પાછળ પણ આંખો હોય છે, અને હું ખૂબસૂરત છું.’

માય ગોડ, શું અંદાજ છે. સનતની હિંમત અને જીભ બેય ખૂલતા જતા હતા. તેણે પેલી છોકરી સામે અર્થપૂર્ણ રીતે જોઈ રહેતા કહ્યું, ‘વાહ તમે પહેલી એવી છોકરી છો જે ગર્વથી કહે છે કે હું સુંદર છું. પણ તમે ખરેખર સુંદર છો.’ 

‘લાગે છે તમને ગોરા રંગનું આકર્ષણ નથી. એવું ન હોત તો તમે મારા વખાણ ન કરત.’ 
‘કેટલીક વાતો યુનિક હોય છે. તમે જો ગોરા હોત તો કદાચ આટલા સુંદર દેખાતા ન હોત.’ 
‘વખાણ માટે તમારો આભાર પણ તમે એટલા હિંમતવાન પણ નથી, જેટલા આ ઉમરમાં હોવા જોઈએ.’ 

એ રૂપાળી છોકરીએ સનતના મર્મસ્થાન પર ઘા કર્યો. કોઈ બીજા વ્યક્તિએ આવું કહ્યું હોત તો એને જરૂર ગમ્યું ન હોત. પણ અત્યારે સંજોગ જુદા હતા. અને આમ તો તેણે સાચું જ કહ્યું છે. સનતે હસી પડતાં કહ્યું,  ‘તમે એકદમ સાચું કહ્યું, હું નિર્ણય લેવામાં કાચો છું. પણ તમને કેમ ખબર પડી કે મારામાં હિમત નથી?’ 

છોકરી અવાજ ન થાય તેવું હસી પડી. તેણે સનતની આંખમાં આંખ નાખીને કહ્યું, ‘જો હિંમત હોત તો અત્યાર સુધીમાં સિગારેટ સળગાવી હોત. શું તમે હજુ મારી પરમિશનની રાહ જોઈ રહ્યા છો?’ 

આ છોકરી ધીરે ધીરે આગળ વધી રહી હતી, એટલું જ નહીં પોતે એનાથી કાચો પુરવાર થતો જતો હતો. એને અફસોસ થયો કે કારણ વગર અત્યાર સુધી આ છોકરીની શરમ રાખીને સિગારેટની તલબને દબાવી બેઠો હતો અને આ સામેથી પોતાને સિગારેટ પીવા ઉશ્કેરી રહી છે. એને સીગારેટની તો આદત નહીં હોય ને? આજકાલની મોર્ડન છોકરીઓ સિગારેટ પીતી હોય છે. પણ સીધેસીધી ઓફર કેમ કરાય. હશે જવા દો, એને પીવી હશે તો સામેથી માગશે. તેણે સિગારેટ અને લાઈટર કાઢવા ખીસ્સામાં હાથ નાખ્યો. એના મોં પર જરા વિચિત્ર ભાવ આવી ગયા. 

‘કઈ બ્રાન્ડ પીઓ છો તમે?’ 
વાત એકદમ દિલચસ્પ મોડ પર જઈ રહી હતી. સીચ્યુએશન આપોઆપ ક્રીએટ થતી જતી હતી. સનતને લાગ્યું, આજે જરૂર કંઈક નવાજૂની થવાની છે. જો કંપનીએ મને સેમીનારમાં ભાગ લેવા દિલ્હી ન મોકલ્યો હોત તો હું આ ટ્રેનમાં ન હોત અને જો ટ્રેનમાં ન હોત તો આ અદ્ભુત છોકરીનો મેળાપ થયો ન હોત. આ જુદી માટીની છે, જરા હટકે છે. 

આવી છોકરી હજુ સુધી પરિચયમાં જ નથી આવી. તેણે મનોમન કહ્યું, હે, મોટરમેન તારી ટ્રેન જરા ધીરે ચલાવ, ભલે મોડું થતું. હે ઈશ્વર તું સૂરજને રોકી રાખ. ભલે સવાર મોડું પડતું. મારે આ ચુલબુલી છોકરી સાથે ઘણી બધી વાતો કરવી છે અને જો એ હા પાડે તો મારે એની સાથે એ જ્યાં કહે ત્યાં ચાલ્યા જવું છે. સનતના તતફફ થતા શબ્દો શિસ્તબધ્ધ સૈનિકોની જેમ કતારમાં ગોઠવાઈ ગયા. 

ડરી ગયેલા હરણાંની જેમ આમતેમ ભાગતા વિચારો એક ઠેકાણે આવીને ઊભા રહ્યા. તેને લાગ્યું આ સામે ઊભી છે તે મારી છે, અગર મારી નથી તો મારી બનાવી લેવી છે. કોણ કહે છે કે મારામાં હિંમત નથી. અરે, હુંય પુરુષ છું, મારી છાતી પણ ગજવેલની છે. તેણે હાથ ખીસામાં જ રાખીને જરા આંખો પહોળી કરતાં કહ્યું ‘લાગે છે તમને સિગારેટની બ્રાન્ડ વિશે ખાસ્સું જ્ઞાન છે. હું ગોલ્ડ ફ્લેક પીઉં છું.’ 

‘એમા ખરાબ લગાડવાની વાત ક્યાં આવી? જોકે મને સિગારેટના ધુમાડાની સુગંધ પરથી જ એની બ્રાન્ડની ખબર પડી જાય છે’ કહીને તેણે મારકણું સ્મિત ફેંક્યું. સનતે અદાથી સીગારેટ સળગાવી. એક નશો તેના હાથમાં હતો અને બીજો તેની સામે હતો. તેને હવે બીજા નશાની ઈચ્છા જાગી હતી. તેણે પોતાના ગાલ પર લાઈટર ઘસતાં કહ્યું ‘વેરી ઈન્ટરેસ્ટીંગ, પણ આ જ્ઞાન તમને ક્યાંથી મળ્યું?’ 

‘ઘરમાંથી જ. ઘરના બધા જ પુરુષો સ્મોકર છે. મારા દાદા, મારા પિતાજી, બંને ભાઈ, એ બધા જ સિગારેટ પીએ છે. વળી બધાની પસંદ અલગ અલગ છે.’ 
‘શું કહું તમને? હું પહેલીવાર એવી ગુજરાતી છોકરી જોઈ રહ્યો છું જે સિગારેટના ધુમાડાની મજા લે છે.’ 

‘એમાં નવાઈની કઈ વાત છે? નશો કરવો પુરુષનો સદીઓ જૂનો શોખ રહ્યો છે. દુનિયાના તમામ દેશોમાં પુરુષોને કોઈને કોઈ નશાની આદત છે જ. એવું લાગે છે જાણે નશો જ પુરુષની ઓળખ છે.’ 

‘વાહ, શું વાત છે, તમને સિગારેટના ધુમાડાની ચીડ નથી? મતલબ મોટાભાગની સ્ત્રીઓને સિગારેટ કે બીડીના ધુમાડા ગમતા હોતા નથી.’
‘હા હોય છે પણ હું સ્ત્રી નથી સમજ્યા? તમે સિગારેટ પીઓ, મજાથી પીઓ.’ 

સનતના મોં પર એક જુદા પ્રકારનો રંગ આવી ગયો. તેણે એશ ખંખેરતા કહ્યું, ‘તમારા વિચારો ખરેખર જુદા છે. મને તો હજુ એ વાતની નવાઈ લાગે છે કે તમે ગુજરાતી છો. આવી ગુજરાતી છોકરી હજુ મારા જીવનમાં આવી નથી.’ 

‘અચ્છા તો હું ગુજરાતી છું એ જાણીને ક્યાંક તમારા વિચારો બદલ્યા નથી ને?’ 
‘મતલબ? હું સમજ્યો નહીં’ કહીને સનત છોકરીની સામે જોઈ રહ્યો. 

‘કશું નહીં’ કહીને છોકરીએ ખુલ્લા દરવાજાની બહાર જોયું. મોટરમેને લીવર છોડી દીધું હોય એવું લાગ્યું. ટ્રેનની ગતિ ધીમી થઈ રહી હતી. સનતના મોં પર ચમક વિસ્તરતી જતી હતી.  (ક્રમશ:) 

વાર્તાકાર- નવલકથાકાર- નિબંધકાર એવા માવજી મહેશ્ર્વરીએ  શિક્ષક તરીકે લાંબી સેવા આપ્યા બાદ સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ હાલ એ અંજાર ખાતે રહે છે. ગુજરાતી ટૂંકી વાર્તામાં પોતાની આગવી ઓળખ ધરાવતા માવજી મહેશ્ર્વરી ગુજરાતના ગણમાન્ય નવલકથાકાર-નિબંધકાર તરીક નામના  ધરાવે  છે. એમનું સાહિત્ય હાલ ગુજરાતની પાંચ યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં ચાલી રહ્યું છે. 

એમની વાર્તાઓનાં અનુવાદો ભારતની વિવિધ ભાષાઓમાં થયેલાં છે કચ્છ અને કચ્છના લોકજીવન વિશે અધિકારિતાપૂર્વક બોલી શકે એટલો ઊંડો અભ્યાસ ધરાવે છે. મૂળ લોકસંગીતના જીવ છે અને એમણે પોતે લોકસંગીતના જાહેર કાર્યક્રમોમાં કામ કર્યું છે. 30 પુસ્તકના સર્જક એવા માવજીભાઈને એમના બહોળા સાહિત્યિક પ્રદાન માટે અનેક પ્રતિષ્ઠિત પારિતોષક એનાયત થયાં છે.