Sun Jul 05 2026

Logo

વિદેશી હૂંડિયામણની અનામતમાં 5.65 અબજ ડૉલરનો ઘટાડો

2026-07-04 19:58:47
Author: Ramesh Gohil
Article Image

મુંબઈઃ ગત 26મી જૂનના રોજ પૂરા થયેલા સપ્તાહે દેશની વિદેશી હૂંડિયામણની અનામત 5.654 અબજ ડૉલરના ઘટાડા સાથે 666.933 અબજ ડૉલરની સપાટીએ રહી હોવાનું રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાએ સાપ્તાહિક આંકડાકીય માહિતીમાં જણાવ્યું હતું. નોંધનીય બાબત એ છે કે આ પૂર્વેના સપ્તાહે અનામત 96.3 કરોડ ડૉલર વધીને 672.587 અબજ ડૉલરની સપાટીએ રહી હતી. 

નોંધનીય બાબત એ છે કે અગાઉ 27મી ફેબ્રુઆરીના રોજ પૂરા થયેલા સપ્તાહે દેશની કુલ વિદેશી હૂંડિયામણની અનામત વધીને 728.494 અબજ ડૉલરની ઐતિહાસિક ઊંચી સપાટીએ પહોંચી હતી. જોકે, ત્યાર બાદ અમેરિકા અને ઈઝરાયલે સંયુક્તપણે ઈરાન પર કરેલા હુમલા અને ઈરાને પણ અમેરિકાના સહયોગી અખાતી દેશો પર હુમલા કરતાં ક્રૂડતેલના ભાવ વધી આવતા સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયાને ગબડતો અટકાવવા માટે રિઝર્વ બૅન્કની સમયાંતરે હાજર બજારમાં ડૉલરમાં વેચવાલી રહેતાં અનામતમાં ઘટાડો આવ્યો હતો.

વધુમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મહામૂલા વિદેશી હૂંડિયામણની અનામત જાળવવા માટે 11મી મેના રોજ જાહેર જનતાને વિદેશ યાત્રા ટાળવા, ઈંધણનો ઓછો વપરાશ કરવા અને એક વર્ષ સુધી સોનાની ખરીદી ન કરવા અનુરોધ કર્યો હતો. 

દરમિયાન સમીક્ષા હેઠળના સપ્તાહમાં દેશની કુલ વિદેશી હૂંડિયામણની અનામતમાં બહોળો હિસ્સો ધરાવતી વિદેશી ચલણી અસ્ક્યામતો 15 કરોડ ડૉલર ઘટીને 541.067 અબજ ડૉલરના સ્તરે રહી હતી. નોંધનીય બાબત એ છે કે વિદેશી ચલણી અસ્ક્યામતોમાં સપ્તાહ દરમિયાન ડૉલર ઉપરાંત યુરો, પાઉન્ડ અને યેન જેવાં અન્ય મુખ્ય ચલણો સામે રૂપિયામાં થયેલી વધઘટને પણ ધ્યાનમાં લેવામાં આવતી હોય છે. 

વધુમાં સપ્તાહ દરમિયાન સોનાની અનામત 5.394 અબજ ડૉલર ઘટીને 102.536 અબજ ડૉલરના સ્તરે, ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ સાથેના સ્પેશિયલ ડ્રોઈંગ રાઈટ્સ 8.9 કરોડ ડૉલર ઘટીને 18.558 અબજ ડૉલર અને ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ સાથેની અનામત પણ 2.1 કરોડ ડૉલરના ઘટાડા સાથે 4.772 અબજ ડૉલરની સપાટીએ રહી હોવાનું રિઝર્વ બૅન્કે આંકડાકીય માહિતીમાં ઉમેર્યું હતું.