Tue Jul 07 2026

Logo

હોર્મુઝ સ્ટ્રેટમાં 2 જહાજો પર હુમલો, અમેરિકાએ ઇરાન પર લગાવ્યો આરોપ, ખામેનેઇના અંતિમ સંસ્કાર વચ્ચે વધ્યો તણાવ

Tehran   2026-07-07 09:39:00
Author: Mumbai Samachar Team
Article Image

તેહરાન: હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) માં ઓમાનના દરિયાકાંઠા નજીક એક ઓઇલ ટેન્કર અને કોમર્શિયલ જહાજ પર હુમલો થયો છે. બ્રિટિશ મેરીટાઇમ સિક્યોરિટી એજન્સી UKMTO એ જણાવ્યું છે કે સોમવારે એક અજ્ઞાત પ્રોજેક્ટાઇલ ટેન્કર સાથે અથડાયું હતું, જેના કારણે તેમાં આગ લાગી ગઈ હતી. અમેરિકાએ આ હુમલા માટે ઈરાનને જવાબદાર ઠેરવ્યું છે અને જવાબી કાર્યવાહી કરવાની ધમકી આપી છે. આના કારણે હોર્મુઝ સ્ટ્રેટની આસપાસ તણાવ ફરી એકવાર વધી ગયો છે. આ ઘટનાક્રમ એવા સમયે બન્યો છે જ્યારે ઈરાન તેના પૂર્વ સુપ્રીમ લીડર અલી ખામેનેઈની અંતિમ સંસ્કારની વિધિઓ પૂર્ણ કરી રહ્યું છે.

UKMTO એ જણાવ્યું છે કે ટેન્કર ઓમાનના લિમાહ નજીક દક્ષિણ તરફ જઈ રહ્યું હતું, ત્યારે તેની ડાબી બાજુએ (પોર્ટ સાઈડ) અથડામણ થઈ હતી, જેના કારણે તરત જ આગ લાગી ગઈ હતી. જોકે, આ હુમલામાં કોઈ જાનહાનિ થઈ નથી અને પર્યાવરણને પણ કોઈ નુકસાન થયું નથી. અધિકારીઓ હાલ આ ઘટનાની તપાસ કરી રહ્યા છે.

ઈરાને કર્યો હુમલો: અમેરિકા

અમેરિકાએ આ હુમલાઓ માટે ઈરાનને જવાબદાર ગણાવ્યું છે. 'એક્સિઓસ' (Axios) ના જણાવ્યા અનુસાર, બે અમેરિકન અધિકારીઓએ માહિતી આપી છે કે ઈરાનની IRGC એ સોમવારે રાત્રે હોર્મુઝ સ્ટ્રેટમાં કોમર્શિયલ જહાજો પર બે મિસાઈલો દાગી હતી. એક ઓઇલ ટેન્કર અને એક કોમર્શિયલ જહાજ તેની ઝપેટમાં આવ્યા હતા. બંને જહાજોને નુકસાન પહોંચ્યું છે પરંતુ કોઈ જાનહાનિના સમાચાર નથી.

હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) વિશ્વના સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગોમાંથી એક છે. યુએસ એનર્જી ઇન્ફોર્મેશન એડમિનિસ્ટ્રેશન (EIA) ના જણાવ્યા અનુસાર, 2024માં અહીંથી દરરોજ આશરે 20 મિલિયન બેરલ ક્રૂડ ઓઇલ પસાર થયું હતું, જે વિશ્વના કુલ તેલ પુરવઠાનો પાંચમો ભાગ છે. આ જળમાર્ગ તાજેતરના અમેરિકા-ઈરાન સંઘર્ષનું કેન્દ્ર બનેલો છે.

હોર્મુઝ સ્ટ્રેટમાં તણાવ

28 ફેબ્રુઆરીએ અમેરિકા અને ઈઝરાયેલના હુમલા બાદ ઈરાને હોર્મુઝ સ્ટ્રેટમાંથી થતી અવરજવરને (વાહનોની આવાજાહીને) નિયંત્રિત કરવાનું શરૂ કર્યું હતું. ત્યારથી અહીં તણાવ ચાલી રહ્યો છે. જોકે અમેરિકા-ઈરાન વચ્ચેની સમજૂતીમાં હોર્મુઝને ખુલ્લો મુકવાની વાત કહેવામાં આવી છે, પરંતુ આ દરિયાઈ કોરિડોર (માર્ગ) માં પરિસ્થિતિ સામાન્ય થતી દેખાતી નથી.