સંકલન: - સ્મૃતિ શાહ મહેતા
કાનમાંથી જીવજંતુ કાઢવામાં રાખવાની સાવધાની
- જ્યારે કોઈ પણ જીવજંતુ કાનમાં ગયું હોય ત્યારે કાનમાં ટોર્ચ દ્વારા તેને જોવાનો પ્રયત્ન કરવો નહીં. કેમ કે ટોર્ચના પ્રકાશથી જીવજંતુ ડરીને કાનની અંદર વધારે ઊંડું જતું રહે છે. તેવી જ રીતે ચીપિયા દ્વારા પણ તેને બહાર કાઢવાનો પ્રયત્ન ન કરવો.
- જ્યારે કાનમાં કોઈ પણ પ્રકારનો અનાજનો દાણો જતો રહ્યો હોય ત્યારે કાનમાં પાણી નાખીને તેને બહાર કાઢવાનો પ્રયત્ન ન કરવો, કારણ કે, આમ કરવાથી તે દાણો ફૂલીને કાનમાં સોજો લાવી શકે છે.
- જો નીચે જણાવેલ ઉપચારો દ્વારા જીવજંતુ બહાર ન નીકળે તો પોતાની રીતે કાઢવાનો પ્રયત્ન ન કરતા, ચિકિત્સક પાસે યોગ્ય સારવાર લેવી.
કાનમાંથી જીવજંતુ દૂર કરવાના ઉપચાર
1. મધ અને તેલ ભેગાં કરી કાનમાં ટીપાં નાખવાં.
2. સરસવનું તેલ, મધ, દિવેલ કે ઘી આમાંથી કોઈ પણના ટીપાં કાનમાં નાખી શકાય.
કાનની બહેરાશ
કાનની બહેરાશનાં કારણ
- અવાજના પ્રદૂષણથી.
અચાનક જ કાનમાં વધુ પડતો અવાજ જવો. જેમ કે, સ્પીકરની નજીક જવાથી, ફટાકડા અને વાહનોના મોટા હોર્નવાળા અવાજો વગેરેથી...
- લાંબા સમય સુધી અને ઊંચા અવાજે ઈયરફોન-હેડફોન સાંભળવાથી.
- કાનમાં વધારે મેલ થવાથી, કાનમાં ઈન્ફેકશન થવાથી અથવા અમુક પ્રકારની દવાઓથી.
- થપ્પડ આદિ લાગવાથી કાનને ઈજા પહોંચવાથી.
- વધુ ઉંમર હોવાથી.
કાનની બહેરાશના ઉપચાર
1. તાજા ગૌમૂત્રના 3-4 ટીપાં 15 દિવસ સુધી રોજ કાનમાં નાખવાં.
2. કારેલાના બી તથા એટલા પ્રમાણમાં જીરું પાણીમાં વાટી, તેને ગાળીને તે રસના 2-3 ટીપાં દિવસમાં બે વાર કાનમાં નાખવાથી બહેરાશમાં ફાયદો થાય.
3. વરિયાળીના પાઉડરને પાણીમાં ઉકાળી તેની વરાળ દુ:ખતા કાન પર લેવાથી કાનની બહેરાશ, કાનનું શૂળ અને કાનમાં થતો અવાજ અટકે છે.
4. રોજ બદામના તેલના 2-3 ટીપાં કાનમાં નાખવાં.
કાનને લગતી અન્ય બીમારી
કાનના સણકા અને દુ:ખાવાના ઉપચાર:
1. રોજની બે અખરોટ ખાવાથી 15 દિવસમાં કાનમાં આવતા સણકામાં રાહત થાય છે.
2. આદુંનો રસ સહેજ ગરમ કરી કાનમાં નાખવાથી કાનનો દુ:ખાવો, બહેરાપણું અને સણકા મટે છે.
3. તુલસીના રસનાં ટીપાં કાનમાં નાખવાં.
4. નાગરવેલના પાનનો રસ ગરમ કરી તેનાં ટીપાં નાખવાં.
5. આંબાના પાનનો રસ ગરમ કરી તેનાં ટીપાં નાખવાં.
6. મૂળાના પાનનો રસ સહેજ ગરમ કરી તેનાં ટીપાં કાનમાં નાખવાં.
7. સરસિયું કે તલનું તેલ ગરમ કરીને કાનમાં તેનાં ટીપાં નાખવાં.
કાનનો સોજો અને રસીના ઉપચાર
1. સવાર-સાંજ ફુદીનાના રસના 1-2 ટીપાં કાનમાં નાખવાથી કાનની રસીમાં આઠથી દસ દિવસમાં રાહત થાય છે.
2. તુલસીના રસના ટીપાં કાનમાં નાખવાથી કાનની રસી મટે છે.
3. રોજ લીંબોળીના તેલના ગરમ ટીપાં કાનમાં નાખવાં.
4. તેલમાં થોડી રાઇ વાટીને સોજા ઉપર બહારથી લેપ કરવાથી સોજો મટે છે.
5. ફૂલાવેલી ફટકડી અને હળદર ભેગી કરી કાનમાં નાખવાથી કાન પાક્યો હોય અને રસી નીકળતી હોય તો તે મટે છે.
નસકોરી ફૂટવી
*નાકની અંદર લોહીની અનેક સૂક્ષ્મ નળીઓ હોય છે. તે નળીઓ જ્યારે ફાટે અને લોહી બહાર આવે તેને નસકોરી ફૂટી કહેવાય છે.
*નસકોરી બે થી 10 વર્ષ અને 50 થી 80 વર્ષના લોકોમાં વધુ થતી હોય છે.
નસકોરી ફૂટવાનાં કારણ
*સૂકી હવા અને નાકની ગરમી વધી જવાથી.
*વધુ ઠંડા અથવા વધુ ગરમ વાતાવરણમાં રહેવાથી.
*એલર્જી કરનારા અમુક પ્રકારના કેમિકલનો યોગ થવાથી.
*ઊંચાઈ પર ચડવાથી, વારંવાર છીંક આવવાથી કે વધુ બ્લડપ્રેશર હોવાથી.
*નાકમાં વારંવાર આંગળી વગેરે નાખીને ખોતરવાથી.
*દારૂ કે સિગારેટનું વ્યસન હોવાથી.
ફૂટેલ નસકોરીની તાત્કાલિક સારવાર
ફૂટેલ નસકોરીના ઉપચાર
1. ધાણાના રસના 3-4 ટીપાં નાકમાં નાખવાં.
2. દૂધનાં 3-4 ટીપાં નાકમાં નાખવાં.
3. જૂના ગોળમાં મરી અને દહીંને મેળવી પીવાથી નાકમાંથી લોહી નીકળતું બંધ થાય છે.
4. જેને નસકોરીનો પ્રોબ્લેમ હોય તેને નાકમાં વેસેલીન કે લોશન લગાવવું, જેથી નાક કોરું ન પડી જાય.
5. દાડમના ફૂલ પાણીમાં વાટીને તેનાં ટીપાં નાકમાં નાખવાં.
6. 1 કપ દૂધીનો રસ મધ અથવા સાકર સાથે પીવો.
7. અરડૂસીના પાનના રસનાં ટીપાં નાકમાં નાખવાં અને તેનો 25 મિ.લિ. રસ સાકરમાં મેળવીને પીવો.
8. માથે ઠંડા પાણીની ધાર કરાવવી કે બરફનો ટુકડો માથે, કપાળે કે ગરદન ઉપર ઘસવો.
9. માથે કાળી કે પીળી માટી પાણીથી પલાળી તેનો લેપ કરવો અથવા ભીની માટી સૂંઘવી.