Sat Aug 29 2026

Logo

રોકાણકારોનો નબળો પ્રતિસાદઃ કેન્દ્રએ મહત્ત્વપૂર્ણ ખનીજનાં નવ બ્લોકના લિલામ રદ કર્યા

2026-07-06 20:22:29
Author: Ramesh Gohil
રોકાણકારોનો નબળો પ્રતિસાદઃ કેન્દ્રએ મહત્ત્વપૂર્ણ ખનીજનાં નવ બ્લોકના લિલામ રદ કર્યા

નવી દિલ્હીઃ રોકાણકારોનો નબળો પ્રતિસાદ અને ક્વૉલિફાઈડ બિડરોના અભાવને કારણે કેન્દ્ર સરકારે મહત્ત્વપૂર્ણ અને વ્યૂહાત્મક ખનીજના નવ બ્લોકનાં લિલામને રદ કર્યું છે. આ બ્લોક્સને વેચાણના સાતમાં રાઉન્ડમાં બ્લોક પર મૂકવામાં આવ્યા હતા. એકંદરે લિલામ રદ થતાં સરકારના સ્થાનિક સ્તરે મહત્ત્વપૂર્ણ ખનીજોની શોધ અને ઉત્પાદનને વેગ આપવાના પ્રયાસને એક ધક્કો લાગ્યો છે.

કેમ કે તેનાં થકી દેશની ઊર્જા સુરક્ષા અને ક્લિન ટૅક મેન્યુફેક્ચરિંગને વેગ મળે તેમ હોવાની સાથે આયાત નિર્ભરતામાં પણ ઘટાડો કરવા માટે પણ ઘટાડો થવાની શક્યતા હતી. વધુમાં તે જોખમી ખનીજ સંપત્તિમાં ખાનગી રોકાણને આકર્ષવાના પડકારને પણ પ્રતિબિંબિત કરે છે. ખાસ કરીને જ્યાં ટેક્નિકલ જટિલતાઓ, ઊંચા મૂડીગત્‌‍ ખર્ચ અને નિયમનકારી અનિશ્ચિતતાઓ હોવાથી રોકાણકારોનો બિડિંગ કરવામાં રસ ઓછો થતો હોય છે. 

સરકારે અગાઉના તબક્કામાં પણ કેટલાંક મહત્ત્વના અને વ્યૂહાત્મક ખનીજોનાં બ્લોકનું લિલામ રદ કર્યું હતું. નોંધનીય બાબત એ છે કે પહેલા તબક્કામાં 13, બીજા તબક્કામાં 14, ત્રીજા તબક્કામાં ત્રણ, ચોથા તબક્કામાં 11, પાંચમાં તબક્કામાં પાંચ અને છઠ્ઠા તબક્કામાં 11 બ્લોકનો સમાવેશ થતો હતો. ખનન મંત્રાલયના જણાવ્યાનુસાર ખનીજના બે બ્લોકમાં કોઈ બિડ કરનાર ન હોવાથી બ્લોક રદ કરવામાં આવ્યા હતા, જેમાં મધ્ય પ્રદેશ અને રાજસ્થાનનાં મજીહોલી ટિટાનિયમ, વેનાડિયમ અને એલ્યુમિનસ લેટરાઈટ બ્લોક અને આરએએમબી દેગાના ટંગસ્ટન, લિથિયમ અને એસોસિયેટેડ મિનરલ બ્લોકનો સમાવેશ થતો હતો. 

આ સિવાય અન્ય સાત બ્લોકમાં ટેક્નિકલી ક્વૉલિફાઈડ બિડરોની સંખ્યા ત્રણ કરતાં ઓછી હોવાથી બ્લોક રદ કરવામાં આવ્યા હતા. તેમાં બિહાર, છત્તીસગઢ અને ઓરિસ્સાના નવારા નવાદિહ ગ્લોકોનાઈટ બ્લોક, ટિપા ગ્લોકોનાઈટ બ્લોક, શાહપુર ગ્લોકોનાઈટ બ્લોક, સપનેરી વેનેડિયમ બેરિંગ મેગ્નેટિટલમેનાઈટ બ્લોક, ગુરુર ગ્લોકોનાઈટ બ્લોક, કરાહીભદર ગ્લોકોનાઈટ બ્લોક અને નારિંગપન્ગા (સાઉથ)ગે્રફાઈટ બ્લોકનો સમાવેશ થતો હતો.