ભુજઃ પૂર્વ કચ્છ ગાંધીધામ જિલ્લા પોલીસ વિભાગમાં વહીવટી સુધારણા અને જાહેર હિતના કારણોસર મોટા પાયે આંતરિક ફેરબદલ કરવામાં આવ્યો છે. પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારે એકીસાથે ૨૯૩ પોલીસ કર્મચારીઓની બદલીના આદેશ જારી કરતાં પોલીસ બેડામાં ભારે ચર્ચા જાગી છે. આ બદલીઓમાં ૮૮ કર્મચારીઓને તેમની રજૂઆતો ધ્યાને લઈ મનગમતી જગ્યાએ મૂકાયા છે, જ્યારે ૨૦૫ કર્મચારીઓની વહીવટી કારણોસર જાહેર હિતમાં સામૂહિક બદલી કરવામાં આવી છે. કેટલાક કર્મચારીઓને એક જ શહેરમાં આંતરિક બદલી અપાતા સ્થાનિક સ્તરે અનેક તર્ક-વિતર્ક પણ શરૂ થયા છે.
પોલીસ તંત્રમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર, પૂર્વ કચ્છ જિલ્લાના જુદા-જુદા પોલીસ મથકો અને શાખાઓમાં ફરજ બજાવતા કુલ ૧૯૧ પોલીસ કર્મચારીઓએ અંગત અને પારિવારિક મુશ્કેલીઓના કારણે બદલી મેળવવા માટે સત્તાવાર માંગણી કરી હતી. આ રજૂઆતોના યોગ્ય નિકાલ માટે એસપી કચેરી ખાતે ખાસ ‘ઓર્ડલી રૂમ’નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ઓર્ડલી રૂમમાં કુલ ૧૫૩ પોલીસ કર્મચારીઓ રૂબરૂ હાજર રહ્યા હતા. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ તમામ કર્મચારીઓની મુશ્કેલીઓ અને રજૂઆતોની ઊંડાણપૂર્વક સમીક્ષા કરી હતી. જેમાં કુલ ૮૮ પોલીસ કર્મચારીઓની બદલી માંગવા પાછળના કારણો વ્યાજબી અને યોગ્ય જણાતા, તંત્રે માનવીય અભિગમ દાખવીને તેમને પદના ખર્ચે બદલી આપવાના સત્તાવાર હુકમો કર્યા છે.
આ સામૂહિક આંતરિક અદલા-બદલીના કારણે પૂર્વ કચ્છ જિલ્લાના મોટાભાગના પોલીસ સ્ટેશનો અને મહત્વની શાખાઓનું આખું મહેકમ પ્રભાવિત થશે. બદલી પામેલા કર્મચારીઓમાં આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર,હેડ કોન્સ્ટેબલ, પોલીસ કોન્સ્ટેબલ,મહિલા પોલીસ કર્મચારીઓ,લોકરક્ષક (એલઆરડી) સહિતના વિવિધ સંવર્ગના કર્મચારીઓનો સમાવેશ થાય છે. આ ફેરબદલથી સીમાવર્તી જિલ્લાના ભચાઉ, ખડીર, રાપર, અંજાર, આદિપુર, ગાંધીધામ એ-ડિવિઝન, ગાંધીધામ બી-ડિવિઝન, કંડલા મરીન, લાકડીયા, આડેસર અને દુધઈ પોલીસ મથકો તેમજ સાયબર ક્રાઈમ, એલસીબી, એસઓજી, સીટી ટ્રાફિક, જિલ્લા ટ્રાફિક અને રીડર શાખા જેવા મહત્વના વિભાગોનું આંતરિક માળખું સંપૂર્ણપણે બદલાઈ જશે.
પોલીસ વડા દ્વારા જારી કરાયેલા સત્તાવાર આદેશમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે, આ તમામ ફેરબદલ વહીવટી અનુકૂળતા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિને વધુ સુદ્રઢ કરવાના ભાગરૂપે જાહેર હિતમાં કરવામાં આવ્યા છે. બદલી પામેલા તમામ કર્મચારીઓને તાત્કાલિક અસરથી વર્તમાન ફરજ પરથી છૂટા કરી, નવી નિયુક્તિના સ્થળે સત્વરે હાજર થઈ વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે કડક સૂચના આપવામાં આવી હોવાનું જાણવા મળે છે.
(ઉત્સવ વૈદ્ય)