મુંબઈ: મુંબઈમાં ભારે વરસાદ વચ્ચે પવઈના રહેણાંક વિસ્તારમાંથી સાત ફૂટ લાંબો મગર મળી આવતા સ્થાનિક લોકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો. હાલમાં મુંબઈમાં ચોમાસું જામ્યું છે. મેઘરાજા અનરાધાર વરસી રહ્યા છે. ચારેબાજુ જળબંબાકાર છે, ત્યારે મુંબઈના પવઈમાં આવેલા જળાશય નજીકના રહેણાંક વિસ્તારમાં એક મગર મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો હતો. આ મગર કાર નીચે જોવા મળતા સ્થાનિકોમાં ડરનો માહોલ ઊભો થયો હતો ત્યાર બાદ વન વિભાગની ટીમ દ્વારા મગરનો બચાવ કરી તેને સુરક્ષિત જગ્યાએ છોડવામાં આવ્યો હતો.
શું છે સમગ્ર મામલો?
મળતી વિગતો મુજબ પવઈના એક જળાશય પાસે મોરારજી નગરમાં એક દરગાહ પાસે એક સાત ફૂટ લાંબો મગર જોવા મળ્યો હતો, મગરને જોતા જ સ્થાનિકોમાં ભયનો માહોલ ઊભો થયો હતો. વન વિભાગને તાત્કાલિક જાણ કરતા તેઓએ મગરનું બચાવ અભિયાન હાથ ધર્યું હતું, અને તેને તાત્કાલિક મેડિકલ ચેકઅપ કરી તેના કુદરતી રહેઠાણમાં છોડવામાં આવ્યો હતો.
મગર કેટલા ખતરનાક હોય છે?
માનવી માટે આવા કોઈ પણ સરિસૃપ અથવા જંગલી પ્રાણીઓ જીવલેણ સાબિત થઈ શકે છે. મગરમાં પણ ઘણી જુદી જુદી પ્રજાતિઓ જોવા મળતી હોય છે, જેમાં નાઈલ મગર, સોલ્ટવૉટર મગર જેવા ખૂબ જ ભયાનક જીવ પૈકી એક છે. આફ્રિકામાં નાઇલ પ્રજાતિના મગર વધારે જોવા મળે છે. આ માનવભક્ષી મગર હોય છે, જે માનવીનો શિકાર ખૂબ જ સરળતાથી કરી શકતા હોય છે.
બીજી તરફ સોલ્ટવૉટર મગર દુનિયાના સૌથી મોટા મગર હોય છે. આ મગરની પ્રજાતિ ઓસ્ટ્રેલિયા, દક્ષિણ-પૂર્વ એશિયા અને ભારતના અમુક ભાગોમાં જોવા મળે છે. તેમની લંબાઈ લગભગ 6 મીટર જેટલી હોય છે. ભારતમાં વધારે મનુષ્ય પર થનારા હુમલાઓમાં મગરની પ્રજાતિ મોખરે છે.
મગરની પકડવાની ક્ષમતા 3700 PSI જેટલું હોય છે, જે એકવાર પકડી લે તો છોડાવવાનું અશક્ય બની જાય છે. તેઓ આકારમાં મોટા હોય છે અને પાણીમાં છુપાઈને અચાનક હુમલો કરે છે. આ પ્રકારના સરિસૃપોથી બચવા માટે તેમના વિસ્તારોના તળાવ, જળાશયો અને નદીઓના પાણીમાં ઉતરવું જોઈએ નહીં.