હૈદરાબાદ: હૈદરાબાદ પોલીસના પોલીસ કમ્પ્યુટર સર્વિસીસ વિભાગમાં ફરજ બજાવતા ડીએસપી (DSP) ભીમ રેડ્ડીની આવક કરતાં વધુ સંપત્તિના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ તાજેતરમાં તેમની સામે મોટી કાર્યવાહી કરીને તેમના અનેક ઠેકાણાઓ પર દરોડા પાડ્યા હતા. તપાસ દરમિયાન અધિકારીઓને 300 કરોડ રૂપિયાથી વધુની કથિત સંપત્તિ મળી આવી હતી. સર્ચ ઓપરેશન દરમિયાન ભીમ રેડ્ડીની તબિયત બગડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ ACBના અધિકારીઓએ તેમને કસ્ટડીમાં લીધા હતા. ત્યારબાદ તેમને મેડિકલ તપાસ માટે હૈદરાબાદની ઉસ્માનિયા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા અને પછી નામપલ્લી સ્થિત ACB ઓફિસે પહોંચાડવામાં આવ્યા હતા. બાદમાં તેમને જજના નિવાસસ્થાને રજૂ કરવામાં આવ્યા, જ્યાં મેજિસ્ટ્રેટે તેમને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં (જેલ ભેગા કરવાનો) મોકલવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ પોલીસે તેમને ચંચલગુડા જેલમાં ટ્રાન્સફર કરી દીધા છે.
300 કરોડ રૂપિયાની ગેરકાયદેસર સંપત્તિ
આશરે પાંચ દિવસ પહેલા ACBએ ભીમ રેડ્ડીના ઘર, ઓફિસ, સંબંધીઓ અને કથિત બેનામી વ્યક્તિઓ સાથે સંકળાયેલા કુલ 16 સ્થળો પર એક સાથે દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહીમાં અનેક ચોંકાવનારી હકીકતો સામે આવી છે. અધિકારીઓનો અંદાજ છે કે ભીમ રેડ્ડી અને તેમના કથિત બેનામી નેટવર્ક પાસે આશરે 300 કરોડ રૂપિયાની ગેરકાયદેસર સંપત્તિ હોઈ શકે છે.
દરોડા દરમિયાન અધિકારીઓને તેમના ઘરેથી એક ગુપ્ત ડાયરી પણ મળી આવી હતી, જેને તપાસમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. આ ડાયરીમાં 15થી વધુ કથિત બેનામી વ્યક્તિઓના નામ નોંધાયેલા હોવાની વાત સામે આવી છે. તપાસ એજન્સીઓ હવે આ નામોના આધારે સંપત્તિઓ અને નાણાકીય વ્યવહારોની તપાસ કરી રહી છે. ACBનો દાવો છે કે આશરે એક અઠવાડિયા પહેલા થયેલા અંદાજે 3 કરોડ રૂપિયાના નાણાકીય વ્યવહારોની પણ તપાસ કરવામાં આવી રહી છે. ટૂંક સમયમાં જ તમામ કથિત બેનામી વ્યક્તિઓને નોટિસ ફટકારવામાં આવી શકે છે.
તપાસ એજન્સી કોર્ટની મંજૂરી લઈને ભીમ રેડ્ડીના અનેક બેંક લોકર્સ ખોલવાની તૈયારી કરી રહી છે. અધિકારીઓને આશા છે કે આ લોકર્સમાંથી પણ મહત્વપૂર્ણ દસ્તાવેજો અને સંપત્તિ સંબંધિત પુરાવા મળી શકે છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, જમીનના સોદા અને સેટલમેન્ટ સાથે જોડાયેલા કેટલાક લોકો સાથે ભીમ રેડ્ડીના જૂના સંબંધોની પણ તપાસ કરવામાં આવી રહી છે.
બે કિલોગ્રામ સોનું અને કરોડોની જમીન મળી
દરોડા દરમિયાન ACBએ આશરે બે કિલોગ્રામ સોનું, 20 કિલોગ્રામ ચાંદી, 43.6 લાખ રૂપિયા રોકડા અને વિદેશી દારૂની 23 બોટલો જપ્ત કરી હતી. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે હૈદરાબાદના ગાચીબૌલી, મણિકોંડા અને ટેલિકોમ નગરમાં ખુલ્લા પ્લોટ તેમજ ઇબ્રાહિમબાગમાં એક આલીશાન વિલા આવેલો છે. આ સિવાય તેલંગાણા અને કર્ણાટકના અલગ-અલગ જિલ્લાઓમાં સેંકડો એકર ખેતીની જમીન હોવાની પણ માહિતી મળી છે.
સૌથી ચોંકાવનારો ખુલાસો એ રહ્યો કે ACBને એવા પુરાવા મળ્યા છે, જે દર્શાવે છે કે ભીમ રેડ્ડીને ત્યાં અગાઉ કામ કરી ચૂકેલા એક ભૂતપૂર્વ હોમગાર્ડ અને એક ચોકીદારના નામે પણ કરોડો રૂપિયાની કથિત બેનામી સંપત્તિઓ ખરીદવામાં આવી હતી. હાલમાં ACB આખા નેટવર્કની તપાસમાં લાગી છે અને આગામી દિવસોમાં આ કેસમાં અન્ય ઘણા મોટા ખુલાસા થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.