નવી દિલ્હી: પશ્ચિમ એશિયામાં તાજેતરમાં ફાટી નીકળેલા યુદ્ધ છતાં ભારતની ખાતર સપ્લાય ચેન મોટાભાગે અપ્રભાવિત રહી છે. રસાયણ અને ખાતર મંત્રાલયે રવિવારે જણાવ્યું હતું કે દેશ માટે ખાતર અને કાચો માલ લઈને આવી રહેલા 20 માંથી 15 જહાજો સુરક્ષિત રીતે હોર્મુઝ સ્ટ્રેટ (હોર્મુઝની સામુદ્રધુની) પસાર કરી ચૂક્યા છે અને ભારત તરફ આગળ વધી રહ્યા છે.
આમાંથી 8 જહાજો 3.32 લાખ ટન યુરિયા, ચાર જહાજો 2.57 લાખ ટન ડીએપી (DAP) અને 3 જહાજો 1.11 લાખ ટન સલ્ફર લાવી રહ્યા છે. અન્ય પાંચ જહાજો પણ પાઇપલાઇનમાં છે અને તેમાંથી દરેક 0.25લાખ ટન એમોનિયા અને 0.45 લાખ ટન યુરિયા લઈને આવશે.
તમામ શિપમેન્ટ સમયસર પહોંચવાની આશા
મંત્રાલયે જણાવ્યું હતું કે તમામ શિપમેન્ટ (જહાજો) સમયસર પહોંચવાની અપેક્ષા છે. તેમણે ઉમેર્યું કે, જોકે પશ્ચિમ એશિયાના યુદ્ધને કારણે દરિયાઈ વાહનવ્યવહાર ખોરવાયો હતો, પરંતુ કેન્દ્ર સરકારે સમયસર આયોજન, અસરકારક સંકલન અને સતત દેખરેખ દ્વારા ખાતરની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરી છે. ઓમાન, મલેશિયા, વિયેતનામ, જ્યોર્જિયા, નાઇજીરિયા, રશિયા, ફિનલેન્ડ, ઇજિપ્ત, અલ્જીરિયા, તુર્કી અને નેધરલેન્ડથી યુરિયાનો પુરવઠો પૂરો પાડવામાં આવ્યો છે.
રસાયણ અને ખાતર મંત્રીનું નિવેદન
ફર્ટીલાઇઝર મિનિસ્ટર જેપી નડ્ડાએ જણાવ્યું હતું કે સંઘર્ષે (યુદ્ધે) વૈશ્વિક સપ્લાય ચેનને ખોરવી નાખી છે, જેના કારણે ખાતરના ભાવમાં વધારો થયો છે. જોકે, સરકારે ખેડૂતોના હિતોનું રક્ષણ કર્યું છે. પ્રથમ ત્રિમાસિક ગાળામાં સ્થાનિક યુરિયાનું ઉત્પાદન 71.55 લાખ ટન રહ્યું હતું, જે લક્ષ્યાંક કરતાં વધુ છે. બીજી જુલાઈ સુધીમાં યુરિયાનો સ્ટોક 69.08 લાખ ટન હતો, જેનાથી કુલ ઉપલબ્ધતા 163.35 લાખ ટન થઈ ગઈ છે.
જેપી નડ્ડાએ જણાવ્યું હતું કે ખાતર વિભાગ રાજ્ય સરકારો સાથે સતત તાલમેલ મિલાવી રહી છે, જેથી પ્રાદેશિક સ્તરે ઉપલબ્ધતા અને પારદર્શક વિતરણ સુનિશ્ચિત કરી શકાય. તેમણે ઉમેર્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકારે એ સુનિશ્ચિત કર્યું છે કે ખેડૂતોના હિતોનું સંપૂર્ણ રીતે રક્ષણ થાય.
મંત્રાલયે એ પણ માહિતી આપી હતી કે ફર્ટિલાઈઝર પ્લાન્ટ્સ (ખાતરના કારખાના)ને થતો નેચરલ ગેસ (કુદરતી ગેસ)નો પુરવઠો, જે થોડા સમય માટે લગભગ 65 ટકા સુધી ઘટી ગયો હતો, તે હવે પૂરેપૂરો 100 ટકા પુનઃસ્થાપિત થઈ ગયો છે.
મંત્રાલયે આગળ જણાવ્યું કે તેણે 197.56 લાખ મેટ્રિક ટન ખાતરનો સ્ટોક જમા કરી લીધો છે, જે દેશની 383.9 (LMT)ની વાર્ષિક ખાતરની જરૂરિયાતના 51 ટકા કરતાં વધુ છે. તેમણે ઉમેર્યું કે ખાતરની આયાત અને સ્થાનિક ઉત્પાદનમાં કરવામાં આવેલા પ્રયાસોને કારણે દેશભરમાં ખાતરની પૂરતી ઉપલબ્ધતા સુનિશ્ચિત થઈ છે.