Sun Jul 26 2026

Logo

કચ્છમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ, જોખમી જળસ્થળો અને કોઝ-વે પર જવા સામે સખત પ્રતિબંધ

2026-07-26 13:45:09
Author: Vimal Prajapati
Article Image

ભુજ: ભારતીય હવામાન વિભાગ દ્વારા સરહદી જિલ્લા કચ્છ સહિત રાજ્યના 16 જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ આગાહી વચ્ચે કચ્છ જિલ્લામાં ગત રાત્રિથી જ મેઘમહેર શરૂ થઈ છે, જેમાં ભુજ, મુંદરા,માંડવી અને નખત્રાણામાં ધીમીધારે વરસાદ નોંધાયો છે. વરસાદના આ આગમનથી પાકને નવું જીવનદાન મળતાં ખેડૂતોમાં આશાનો સંચાર થયો છે, જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતીના ભાગરૂપે વહીવટીતંત્ર સંપૂર્ણ સતર્ક બની ગયું છે.

 કલમ 163 હેઠળ વિશેષ જાહેરનામું બહાર પાડ્યું

નૈઋત્યના ચોમાસા દરમિયાન થતી સંભવિત દુર્ઘટનાઓ રોકવા અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પાર્થ કોટડીયાએ ‘ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023’ની કલમ 163 હેઠળ વિશેષ જાહેરનામું બહાર પાડ્યું છે. જે અનુસાર, આગામી 5 સપ્ટેમ્બર, 2026 સુધી જિલ્લાના તમામ જોખમી જળસ્થળો, નદીઓ, નાળાઓ, ચેકડેમ, કોઝ-વે અને દરિયાકિનારે ન્હાવા, માછલી પકડવા, પાણીમાં પ્રવેશવા કે જોખમી રીતે ફોટોગ્રાફી અને સેલ્ફી લેવા પર સખત પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. 

તમામ અધિકારીઓને 24 કલાક એલર્ટ મોડ રહેશે

આ હુકમનો ભંગ કરનાર સામે ‘ભારતીય ન્યાય સંહિતા-2023’ની કલમ 223 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખી જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાએ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની મુલાકાત લઈ તાલુકાવાર સ્થિતિની વિસ્તૃત સમીક્ષા કરી હતી. તેમણે તમામ અધિકારીઓને 24 કલાક એલર્ટ મોડ પર રહી પરસ્પર સંકલન જાળવવા અને નાગરિકોની મદદ માટે સજ્જ રહેવા સૂચના આપી છે. વહીવટીતંત્રે જિલ્લા અને તાલુકા કક્ષાએ કંટ્રોલ રૂમ કાર્યરત કરી નાગરિકોને બિનજરૂરી મુસાફરી ટાળવા, અફવાઓથી દૂર રહેવા અને કોઈ પણ ઇમરજન્સી સમયે તુરંત કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા અપીલ કરી છે.

(ઉત્સવ વૈદ્ય)