Mon Jul 06 2026

Logo

ભારે વરસાદના કારણે મુંબઇ-પુણે રેલવે રુટ પર લેન્ડસ્લાઇડ, અનેક ટ્રેનો રદ, અશ્વિની વૈષ્ણવે કરી સ્થિતિની સમીક્ષા

2026-07-06 09:20:00
Author: Mumbai Samachar Team
Article Image

Image Credit: The New Mill


મુંબઈઃ અવિરત વરસી રહેલા વરસાદે મુંબઇગરા માટે મુસીબત ઉભી કરી છે. ભારે વરસાદે જનજીવનને અત્યંત ખરાબ રીતે પ્રભાવિત કર્યું છે. ભારે વરસાદના કારણે રેલવે, રોડથી લઈને હવાઈ મુસાફરી સુધી બધું જ પ્રભાવિત થયું છે.

રવિવારે મોડી રાત્રે થયેલા ભારે વરસાદના કારણે કર્જત અને લોનાવાલા વચ્ચે દક્ષિણ-પૂર્વીય ઘાટ વિભાગમાં ભૂસ્ખલન (ભેખડ ધસી પડવાની ઘટના) થયું હતું, જેના કારણે મુંબઈ-પુણે રેલ માર્ગ પ્રભાવિત થયો છે. આ ભૂસ્ખલન મધ્ય રેલવેના મુંબઈ ડિવિઝનની 'અપ મેન લાઈન' પર ઠાકુરવાડી અને મંકી હિલ લૂપ કેબિન વચ્ચે થયું છે.

કર્જત નજીક ઠાકુરવાડી રેલવે સ્ટેશન પાસે ભારે લેન્ડસ્લાઈડ થવાને કારણે રેલવેની ત્રણેય લાઈનો પ્રભાવિત થઈ ગઈ હતી. ટ્રેક પર કાટમાળ આવી જવાને કારણે રેલ વ્યવહાર ખોરવાઈ ગયો હતો અને કેટલીક ટ્રેનોને અધવચ્ચે જ રોકી દેવી પડી હતી.

રેલવે મંત્રીએ કરી પરિસ્થિતિની સમીક્ષા 

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સેન્ટ્રલ રેલવે (CR) ના જનરલ મેનેજર રાજીવ શ્રીવાસ્તવ સાથે વાતચીત કરીને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, "મુંબઈ-પુણે ઘાટ વિભાગમાં રેલવે ટ્રેક પર ભારે ભૂસ્ખલન અને પથ્થરો (ખડકો) પડવાને કારણે ઊભી થયેલી પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી છે. રેલ વ્યવહાર પુનઃ શરૂ કરવા માટે ટીમ પૂરી તૈયારી સાથે લાગેલી છે. ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખી મેં પશ્ચિમ રેલવે અને મધ્ય રેલવે બંનેના અધિકારીઓને તમામ ટ્રેન સેવાઓ વહેલી તકે રાબેતા મુજબ શરૂ થાય તે સુનિશ્ચિત કરવા માટે એક ટીમ તરીકે કામ કરવાનો નિર્દેશ આપ્યો છે.”

કાટમાળ હટાવવાનું કામ ચાલુ

રેલવેની એન્જિનિયરિંગ અને આપત્તિ રાહત ટીમો ઘટનાસ્થળે પહોંચીને કાટમાળ હટાવવા તથા ટ્રેકને વહેલામાં વહેલી તકે ચાલુ કરવાના કામમાં લાગેલી છે. આ દરમિયાન પરિસ્થિતિ ત્યારે વધુ ગંભીર બની ગઈ જ્યારે વહેલી સવારે આશરે 3:05 વાગ્યે ખંડાલા અને મંકી હિલ સ્ટેશન વચ્ચે મિડલ લાઇન પર પણ વધુ એક લેન્ડસ્લાઈડ થયું.

સેન્ટ્રલ રેલવેએ સોમવારે રદ્દ કરી આ ટ્રેનો

  • 22105/22106 CSMT-પુણે-CSMT ઇન્દ્રાયણી એક્સપ્રેસ
  • 12169/12170 પુણે-સોલાપુર-પુણે ઇન્ટરસિટી એક્સપ્રેસ
  • 12127/12128 CSMT-પુણે-CSMT ઇન્ટરસિટી એક્સપ્રેસ
  • 11007/11008 CSMT-પુણે-CSMT ડેક્કન એક્સપ્રેસ
  • 12123/12124 CSMT-પુણે-CSMT ડેક્કન ક્વીન
  • 12125/12126 CSMT-પુણે-CSMT પ્રગતિ એક્સપ્રેસ
  • 11009/11010 CSMT-પુણે-CSMT સિંહગઢ એક્સપ્રેસ
  • 11011/11012 CSMT-ધુલે-CSMT એક્સપ્રેસ

આ ઉપરાંત, 9 લાંબી અંતરની ટ્રેનોને વૈકલ્પિક માર્ગ પર ડાયવર્ટ કરવામાં આવી હતી. જે ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી છે, તેમાં- અમદાવાદ-કોલ્હાપુર એક્સપ્રેસ, ઇન્દોર-દૌંડ એક્સપ્રેસ, અમદાવાદ-પુણે દુરંતો એક્સપ્રેસ, બીદર-CSMT એક્સપ્રેસ, હજુર સાહિબ નાંદેડ-પનવેલ એક્સપ્રેસ, ચાર્લાપલ્લી-ઇન્દોર હમસફર એક્સપ્રેસ, એલટીટી-એસએમવીટી બેંગલુરુ એક્સપ્રેસ, દૌંડ-ગ્વાલિયર સુપરફાસ્ટ એક્સપ્રેસ અને ચેન્નઈ એગ્મોર-CSMT મેલનો સમાવેશ થાય છે.

રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઘાટ વિસ્તારમાં ભારે વરસાદને કારણે રેલવે ટ્રેક (પાટા) પર મોટા-મોટા પથ્થરો પડી ગયા હતા, જેના લીધે ટ્રેનોની અવરજવર પ્રભાવિત થઈ છે. રેલવે ટ્રેક પરથી કાટમાળ હટાવીને વહેલામાં વહેલી તકે ટ્રેનોની અવરજવર ફરી શરૂ કરવા માટે ટીમો ઘટનાસ્થળે હાજર છે.