Mon Jul 06 2026

Logo

ગુજરાતને વેડિંગ ડેસ્ટિનેશન હબ બનાવવા સરકારનો શું છે મેગા પ્લાન?

2026-07-06 11:43:00
Author: Mayur Patel
Article Image

અમદાવાદઃ રાજ્યના નાણા પ્રધાન કનુભાઈ દેસાઈએ  વર્ષ 2026-27નું બજેટ રજૂ કરતી વખતે વેડ ઇન ગુજરાત પ્રોગ્રામ શરૂ કરવાની જાહેરાત કરી હતી. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય ગુજરાતના ધાર્મિક વારસા, વિશાળ દરિયાકાંઠા, રણ પ્રદેશ અને ઐતિહાસિક સ્થળોનો ઉપયોગ કરીને રાજ્યને લગ્ન માટેના અગ્રણી સ્થળ તરીકે સ્થાપિત કરવાનો છે. ગુજરાત સરકાર રાજ્યને વેડિંગ  અને ટુરિઝમ ડેસ્ટિનેશન તરીકે સ્થાપિત કરવા માંગે છે. જેથી દેશ-વિદેશના કપલો માટે ડેસ્ટિનેશન વેડિંગનું હબ બનાવવા માટે ગુજરાત ટુરિઝમ કોર્પોરેશન દ્વારા એક પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ, ગુજરાતના વેડિંગ હબ બનાવવામાં નડતા નીતિગત અવરોધો દૂર કરવા અને ખાસ કરીને રાજ્યની દારૂબંધી નીતિની ડેસ્ટિનેશન વેડિંગ પર થતી અસરો અંગે અભ્યાસ કરાશે. આ માટે સરકારે ઈન્ફ્રાસ્ટ્રક્ચર એસેસમેન્ટ અને સ્ટ્રેટેજિક રોડમેપ તૈયાર કરવા નિષ્ણાત કન્સલટન્ટની નિમણૂક કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. રાજ્ય સરકાર મેરેજ ટુરિઝમને આંતરરાષ્ટ્રીય સ્તરે ચમકાવવા વેડ ઈન ગુજરાત નામનું એક નવું બ્રાન્ડ પોઝિશનિંગ અને આઈડેન્ટિટી ફ્રેમવર્ક તૈયાર કરશે.

આ અંતર્ગત દેશના ધનાઢ્ય પરિવારોથી લઈને વિદેશમાં વસતાં ગુજરાતીઓને આકર્ષવા એક કેમ્પેઈન ચલાવાશે. કન્સલટન્ટની પસંદગી બાદ, કરારના માત્ર 3 મહિનામાં જ આ અંગેનો સંપૂર્ણ રિપોર્ટ સરકારને સોંપવાનો રહેશે. રાજસ્થાન અને ગોવા સાથે સીધી સ્પર્ધા કરવા વ્હાય નોટ ગુજરાત હેઠળ સરકાર માત્ર પોતાની સુવિધાઓ જ નહીં પરંતુ રાજસ્થાન, ગોવા, કેરળ જેવા સ્થાપિત વેડિંગ હબ સાથે ગુજરાતનું સીધું બેન્ચમાર્કિંગ કરશે. સર્વે કરીને  લગ્નનું આયોજન કરનારા પરિવારો કે વેડિંગ પ્લાનર્સ ક્યા કારણોસર, ઈન્ફ્રાસ્ટ્રક્ચર ગેપ કે દારૂબંધી જેવા નીતિગત અવરોધોને લીધે ગુજરાતની પસંદગી કરતાં અચકાય છે તે જાણવાનો પ્રયાસ કરાશે. 

રાજ્યને વેડિંગ હબ બનાવવા વર્લ્ડ હેરિટેજ અને આધુનિક સિટી એવા અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને રાજકોટનો સમાવેશ કરાશે. જ્યારે વૈશ્વિક આકર્ષણ અને પ્રકૃતિ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી, કચ્છનું સફેદ રણ અને સાસણ ગીરનો સમાવેશ કરવામાં આવી શકે છે. આ ઉપરાંત ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવાસન માટે દ્વારકા, સોમનાથ, અંબાજીનો સમાવેશ થઈ શકે છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, લગ્નના આયોજનને ચાર બજેટ કેટેગરીમાં વહેંચાશે. જેમાં ટાયર-1માં રૂ. 1 લાખથી રૂ. 25 લાખ, ટાયર-2માં રૂ. 25 લાખથી રૂ.1 કરોડ, ટાયર-3માં રૂ. 1 કરોડથી રૂ. 5 કરોડ અને ટાયર-4માં રૂ. 5 કરોડથી વધુનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં દારૂબંધી છે. ગુજરાતમાં દારૂબંધીના કારણે  લગભગ 500 શાહી લગ્નો રાજસ્થાનમાં યોજાય છે. જેના કારણે રાજ્યને  વેડિંગ બિઝનેસમાં દર વર્ષે અંદાજે રૂ. 1,500 કરોડનું નુકસાન થાય છે.