Tue Jul 07 2026

Logo

નોર્વે અને ઇંગ્લૅન્ડ પહોંચી ગયા ક્વૉર્ટર ફાઇનલમાં: હવે થશે સામસામી ટક્કર

New York   2026-07-06 13:30:00
Author: Ajay Motiwala
Article Image

ન્યૂ યોર્ક: રવિવારે મધરાત બાદ નોર્વેએ વિક્રમજનક પાંચ વખત વર્લ્ડ ચેમ્પિયન બની ચૂકેલા બ્રાઝિલને રોમાંચક પ્રી-કવૉર્ટર ફાઇનલમાં 2-1થી હરાવીને પહેલી વખત ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. બ્રાઝિલ 1990ની સાલ પછી પહેલી જ વખત ક્વૉર્ટર ફાઈનલથી વંચિત રહ્યું છે.

બીજી તરફ, ઇંગ્લૅન્ડ (England)એ જોશ અને ઝનૂનના શાનદાર પ્રદર્શન કરીને અને સંવેદનાઓને કાબૂમાં રાખીને સહ યજમાન મેક્સિકોને એના જ ઘરઆંગણે 3-2થી હરાવીને ક્વૉર્ટર ફાઇનલમાં એન્ટ્રી કરી હતી. આ સાથે, મેક્સિકો આ વર્લ્ડ કપની બહાર થઈ જનાર કૅનેડા પછીનો બીજો યજમાન દેશ બન્યો છે.

હવે આઠ દેશ વચ્ચેના ક્વૉર્ટર ફાઇનલમાં નોર્વે અને ઇંગ્લૅન્ડ વચ્ચે મુકાબલો થશે.

અર્લિંગ હાલૅન્ડે નોર્વેને જિતાડ્યું

બ્રાઝિલ સામેની મૅચમાં નોર્વેની ટીમ 79મી મિનિટ સુધી એક પણ ગોલ નહોતી કરી શકી. બંને ટીમ 0-0ની બરાબરીમાં હતી. જોકે 79મી મિનિટમાં અર્લિંગ હાલૅન્ડે હેડરથી ગોલ કરીને નોર્વે (Norway)ને 1-0થી સરસાઈ અપાવી હતી. લૉન્ગ હેરવાળા હાલૅન્ડે 11 મિનિટ બાદ ફરી એક ગોલથી સરસાઈ વધારીને 2-0 કરી આપી હતી. એ સાથે નોર્વેનો વિજય નક્કી થઈ ગયો હતો. મુખ્ય મૅચની 90 મિનિટ પછીના ઈન્જરી ટાઈમમાં (10મી મિનિટે) નેમારે પેનલ્ટી કિકથી ગોલ કર્યો હતો, પરંતુ ત્યારે બ્રાઝિલ માટે બહુ મોડું થઈ ગયું હતું. નોર્વેએ 2-1થી જીત હાંસલ કરી હતી.

બેલિંગમના 96 સેકન્ડમાં બે ગોલ 

ઇંગ્લેન્ડ વતી જયૂડ બેલિંગમે 36મી અને 38મી મિનિટમાં (96 સેકન્ડમાં) ઉપરાઉપરી બે ગોલ કરીને ઇંગ્લૅન્ડને 2-0થી સરસાઈ અપાવી હતી. મેક્સિકો વતી ક્વીનોનેસે 42મી મિનિટમાં ગોલ કર્યો હતો. જોકે ઇંગ્લૅન્ડના કેપ્ટન હૅરી કેને 60મી મિનિટમાં પેનલ્ટી કિકથી ગોલ કરીને ઇંગ્લૅન્ડની સરસાઈ વધારીને 3-1 કરી હતી. 69મી મિનિટમાં મેક્સિકોના જિમેનેઝે પેનલ્ટી કિકથી ગોલ કર્યો હતો. ત્યાર બાદ ઇંગ્લૅન્ડના ગોલકીપર જોર્ડન પિકફર્ડના અસાધારણ પર્ફોર્મન્સને લીધે મેક્સિકોનો એક પણ ગોલ ન થતાં છેવટે ઇંગ્લેન્ડે 3-2થી શાનદાર વિજય મેળવી લીધો હતો.