ગાંધીનગરઃ સૌરાષ્ટ્રમાં પડેલા મુશળધાર વરસાદથી ડેમમાં નવા નીરની આવક થઈ છે. બે ડેમ 100 ટકા ભરાઈ ગયા છે. 6 ડેમને હાઈ એલર્ટ, 7 ડેમને એલર્ટ તથા 7 ડેમનો વોર્નિંગ પર મુકવામાં આવ્યા છે.
કયા ડેમ 100 ટકા ભરાઈ ગયા
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા મુજબ, અમરેલીના રાજુલાનો ધાતરવાડી અને સાવરકુંડલાનો સુરજવાડી ડેમ 100 ટકા ભરાઈ ગયા છે અને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. આ સિવાય ભાવનગરના મહુવાનો માલણ ડેમ, અમરેલીના ધારીનો ખોડીયાર ડેમ. અમરેલીના ખાંભાનો રાયડી ડેમ તથા સુરેન્દ્રનગરના વઢવાણનો ધોળીધજા ડેમ પણ હાઈ એલર્ટ પર મુકવામાં આવ્યા છે.
કયા ડેમ એલર્ટ
રાજુલાનો ધાતરવાડી-2, બાલસિનોરનો વણાકબોરી, સોનગઢનો ડોસવાડા, મહુવાનો રોજકી, ચુડાનો વાંસલ, માણાવદરનો બાંટવા-ખારો, ગીર ગઢડાનો રાવલ ડેમ એલર્ટ પર મુકવામાં આવ્યા છે. જ્યારે સાવરકુંડલાનો શેલ દેદુમલ, ઉપલેટાનો વેણુ-2, ઉમરાળાનો રંઘોળા, કુતિયાણાનો સારણ, રાજકોટનો આજી-2, જેતપુર પાવીનો સુખી ડેમ વોર્નિંગ પર મુકવામાં આવ્યા છે.

18 ડેમ 70 થી 100 ટકા વચ્ચે છે ભરાયેલા
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર મુજબ, સરદાર સરોવર ડેમ 64.57 ટકા ભરાયેલો છે. રાજ્યના અન્ય 206 જળાશયો તેની કુલ સંગ્રહ ક્ષમતાના 37.63 ટકા ભરાયેલા છે. રાજ્યમાં 100 ટકા ભરાયેલા ડેમની સંખ્યા 2 છે. જ્યારે 18 ડેમ 70 થી 100 ટકા વચ્ચે, 20 ડેમ 50 થી 70 ટકા વચ્ચે, 49 ડેમ 25 થી 50 ટકા વચ્ચે અને 117 ડેમ 25 ટકાથી ઓછા ભરાયેલા છે.
આવતીકાલે ક્યાં છે વરસાદનું રેડ એલર્ટ
આવતીકાલે નવસારી, ડાંગ, દમણ, વલસાડ, દાદરા અને નગર હવેલીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. અમરેલી, ભાવનગર, સુરત, તાપીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે ગીર સોમનાથ, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.