Tue Jul 07 2026

Logo

સૌરાષ્ટ્રમાં ફરી ખેડૂતો આંદોલનના માર્ગે, વીજપોલ મુદ્દે ફરી મોરચો માંડ્યો

2026-07-06 14:35:00
Author: Mayur Patel
Article Image

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં ખેડૂતોએ વીજપોલ મુદ્દે ફરી મોરચો માંડ્યો છે. રાજકોટના પડધરી તાલુકામાં ખેડૂતો દ્વારા ટ્રેક્ટર રેલી યોજીને સરકાર સામે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. ખેડૂતોના જણાવ્યા મુજબ ખજરૂડી, ખોડાપીપર સહિત ચાર ગામોના ખેડૂતોને વીજપોલની કામગીરીને લઈને નોટિસ આપવામાં આવી છે. જેને લઈ ખેડૂતોએ  જમીન સંપાદન બદલ તેમને ચાર ગણું વળતર ચૂકવવામાં આવે અને જમીનની કિંમત પણ ખેડૂતો નક્કી કરે તે મુજબ જ વળતર આપવામાં આવે તેવી માંગ કરી છે. ઉપરાંત ખેડૂતોનું કહેવું છે કે જો તેમની માંગણીઓ નહીં સ્વીકારવામાં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન શરૂ કરવામાં આવશે. 

સરકારે વળતરને લઈ જાહેર કર્યો હતો પરિપત્ર

ખેડૂતોની  માંગણીઓને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે વીજ ટાવર અને ટ્રાન્સમિશન લાઇનની કામગીરી માટે જમીન સંપાદન અથવા નુકસાની પેટે ચૂકવવામાં આવતા વળતરમાં ઐતિહાસિક વધારો કર્યો હતો.  રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં નિર્ણય લેતાં, નિર્ણયની જાહેરાતના માત્ર 24 કલાકમાં જ ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ દ્વારા સત્તાવાર પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. નવા નિયમો અનુસાર, હવે અસરગ્રસ્ત ખેડૂતોને જૂના જંત્રી દરના બદલે પ્રવર્તમાન બજાર ભાવના આધારે બમણું વળતર ચૂકવવાનો નિર્ણય લેવાયો હતો.

આ નવા ઠરાવ મુજબ, ટાવર બેઝ વળતર માટે માર્કેટ રેટ કમિટી (MRC) દ્વારા જમીનની જે બજાર કિંમત નક્કી કરવામાં આવશે, તેના બે ગણા જેટલી રકમ ખેડૂતોને ચૂકવવામાં આવશે. વધુમાં, આ વળતરની ગણતરી કરતી વખતે ખેડૂતોને મહત્તમ લાભ મળે તે માટે માત્ર ટાવરના ચાર પાયાની જગ્યા જ નહીં, પરંતુ પાયાના વાસ્તવિક વિસ્તાર ઉપરાંત ચારેય બાજુ 1  મીટરનો વધારાનો વિસ્તાર  પણ ધ્યાને લેવામાં આવશે.

રાઈટ ઓફ વે કોરિડોર હેઠળ પસાર થતી લાઈનો નીચે આવતી જમીન માટે પણ બજાર કિંમતના આધારે અલગ-અલગ કેટેગરીમાં વળતર નિર્ધારિત કરાયું છે. જે અંતર્ગત ગ્રામ્ય વિસ્તારોમાં જમીનની કિંમતના ૩૦%, નગરપાલિકાઓ અને શહેરી આયોજન વિસ્તારોમાં ૪૫%, જ્યારે મહાનગરપાલિકાઓ અને મેટ્રોપોલિટન વિસ્તારોમાં ૫૦% લેખે વળતર આપવામાં આવશે. આ ઉપરાંત, પાક અને ફળાઉ ઝાડને થતા નુકસાન માટે APMC ના દરો મુજબ મૂલ્યાંકન કરી સંબંધિત મહેસૂલ અધિકારી દ્વારા પ્રમાણિત કરાયા બાદ વળતર ચૂકવવામાં આવશે.

આ સમગ્ર પ્રક્રિયા માટે દરેક જિલ્લામાં જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને 'માર્કેટ રેટ કમિટી' (MRC) ની રચના કરવામાં આવશે, જેમાં જમીનમાલિકો અને ટ્રાન્સમિશન કંપનીના પ્રતિનિધિઓ પણ સભ્ય તરીકે રહેશે. ખેડૂતોને ચૂકવવાપાત્ર વળતરની રકમ સીધી જ તેમના બેંક ખાતામાં ડિજિટલ માધ્યમથી જમા કરવામાં આવશે.