Wed Sep 09 2026

Logo

અમદાવાદમાં વરસાદ પહેલા ભૂવા પડી ગયા, પૉશ વિસ્તારમાં પણ સમસ્યા

2026-07-07 12:40:00
Author: Pooja Shah
અમદાવાદમાં વરસાદ પહેલા ભૂવા પડી ગયા, પૉશ વિસ્તારમાં પણ સમસ્યા

અમદાવાદઃ ગુજરાતના ઘણા જિલ્લા અને શહેરોમાં ભારે વરસાદ પડ્યો છે, પરંતુ અમદાવાદ શહેરમાં સિઝનનો લગભગ ત્રણ ઇંચ વરસાદ પણ થયો નથી, પરંતુ વરસાદી આફતો આવી ગઈ હોય તેમ લાગી રહ્યું છે. શહેરમાં સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાવાના અહેવાલો છે આ સાથે પૉશ વિસ્તારના રસ્તાઓ પર મોટા ભૂવા પડ્યા હોવાના અહેવાલો વહેતા થયા છે. 

અમદાવાદનો પૉશ ગણાતા શિલજમાં શિલજ સર્કલ નજીક જ અગાઉ ખોદકામ થયેલો રસ્તો ધસી પડ્યો હતો અને મોટો ભૂવો પડી ગયો હતો. ઘટનાની જાણ થતા મનપાએ સમારકામ હાથમાં લીધુ હતું અને લોકોની સુરક્ષા માટે બેરિકેડ્સ લગાવ્યા હતા. 


શહેરના પોશ વિસ્તાર ગણાતા શીલજ સર્કલ નજીક આર્યમાન બંગલો તરફ જતા રોડ પર ચાલી રહેલા ખોદકામ અને વરસાદી માહોલને કારણે માટી સરકી જતાં અચાનક જમીન ધસી પડી હતી અને એક મહાકાય ભુવો પડ્યો હતો. સદનસીબે આ રોડ પહેલાથી જ બંધ હોવાથી દુર્ઘટના સમયે કોઈ વાહન પસાર થઈ રહ્યું ન હતું, જેથી મોટી જાનહાનિ ટળી હતી. ઘટનાની જાણ થતાં જ AMCના અધિકારીઓ દોડતા થયા હતા અને સુરક્ષાના ભાગરૂપે ઘટનાસ્થળે બેરિકેડ્સ ગોઠવીને માટી પૂરાણ કરવાની કામગીરી શરૂ કરી હતી.

બીજો મોટો ભૂવો આરટીઓથી સાબરમતી તરફ જતા સ્વિમિગપુલ વાળા રોડ પર પડ્યો હતો. આ રસ્તો વ્યસ્ત રહે છે અને પશ્ચિમ અમદાવાદને ઉત્તર અને ગાંધીનગર સાથે જોડતો હોવાથી અહીં વાહનોની ભારે અવરજવર રહે છે. રસ્તાની વચ્ચે મોટું ગાબડું પડવાના કારણે સુરક્ષાના ભાગરૂપે વહીવટી તંત્ર દ્વારા આ આખો મુખ્ય રસ્તો તાત્કાલિક ધોરણે બંધ કરી દેવામાં આવ્યો હોવાની માહિતી સૂત્રોએ આપી હતી.