Fri Aug 28 2026

Logo

કચ્છમાં ઘાસચારાની અછતઃ પંજાબ અને વિરમગામથી સૂકા ચારાની આયાત શરૂ

2026-07-07 13:28:00
Author: Mumbai Samachar Team
કચ્છમાં ઘાસચારાની અછતઃ પંજાબ અને વિરમગામથી સૂકા ચારાની આયાત શરૂ

ભુજઃ કચ્છમાં વરસાદ ખેંચાવાના કારણે સમગ્ર પંથકમાં લીલા ઘાસચારાની તીવ્ર અછત સર્જાઈ છે. પશુધનને બચાવવા માટે ગૌશાળાઓ અને સ્થાનિક માલધારીઓ દ્વારા હવે નાછૂટકે પંજાબ તેમજ ગુજરાતના વિરમગામ પંથકમાંથી ચોખાનો સૂકો ઘાસચારો (પરાળ) મગાવવાની ફરજ પડી છે. જેના પગલે હાલમાં કચ્છના હાઈવે માર્ગો પર ઘાસચારો ભરેલાં મોટા ટ્રેઈલરોની અવરજવર વ્યાપક પ્રમાણમાં જોવા મળી રહી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ, એક ટ્રેઈલરમાં અંદાજે ૧૩ ટન જેટલો ઘાસચારાનો જથ્થો પરિવહન કરીને કચ્છ લાવવામાં આવી રહ્યો છે. હાલમાં ચોખાના આ સૂકા ઘાસની કિંમત બજારમાં પ્રતિ કિલોગ્રામ રૂા. ૧૧ થી લઈને રૂા. ૧૭ સુધી બોલાઈ રહી છે. ખાસ કરીને પંજાબથી આવતા ઘાસની સરખામણીએ ગુજરાતના વિરમગામ તરફથી આવતા ઘાસની ગુણવત્તા વધુ સારી હોવાના કારણે પશુપાલકોમાં તેની માંગ વધુ છે અને તે ઊંચા ભાવે વેચાઈ રહ્યું છે. લીલા ચારાના અભાવે પશુઓને ભૂખમરાથી બચાવવા માટે પશુમાલિકો અત્યારે આ ચોખાના ચારા પર જ સંપૂર્ણ નિર્ભર બન્યા છે.

નોંધનીય છે કે, ચાલુ સીઝનમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન થઈ ચૂક્યું છે અને ત્યાં વાવણી લાયક સારો વરસાદ નોંધાયો છે. જો કે, સરહદી કચ્છ જિલ્લો હજુ પણ સાર્વત્રિક અને મન મૂકીને વરસતા વરસાદની ચાતક નજરે રાહ જોઈ રહ્યો છે. લાંબા સમયથી વરસાદ લંબાયો હોવાના કારણે પશુપાલન પર નભતા માલધારી વર્ગ અને ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાયા છે અને તેઓ વહેલી તકે મેઘમહેર થાય તેવી આશા સેવી રહ્યા છે.

(ઉત્સવ વૈદ્ય)