રાજકોટના રેલનગર વિસ્તારમાં આવેલા શ્યામજી કૃષ્ણ વર્મા ટાઉનશિપમાં એક ટ્યુશન ટીચર સામે સાડા ચાર વર્ષના બાળકને ડામ આપ્યાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. પરિવારના જણાવ્યા મુજબ, બાળક ટ્યુશનમાં લખતો ન હોવાથી નિરાલી નામની ટ્યુશન ટીચરે તેને ગરમ વસ્તુથી ડામ આપ્યો હતો. બાળકના શરીર પર ઈજાના નિશાન જોવા મળતાં પરિવારજનોમાં રોષ ફેલાયો હતો. બાળકના કાકાએ ટ્યુશન ટીચરને ઠપકો આપતાં તેમને ધમકી આપવામાં આવી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપોની સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી. સમગ્ર મામલે સંબંધિત સત્તાધિકારીઓ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.
રાજકોટમાં નિર્દયી શિક્ષિકાએ માસુમને તાવીથા વડે ડામ દીધાની ચોંકાવનારી ઘટના બની હતી. શહેરના શ્યામજી કૃષ્ણ વર્મા ટાઉનશીપ ફ્લેટ નંબર સી-508માં રહેતા વિશાલ યાદવે પ્રદ્યુમનગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે સનરાઇઝ સ્કૂલની બાજુમાં શ્યામજી કૃષ્ણ વર્મા ટાઉનશીપના સી-408, રહેતા શિક્ષિકા નિરાલીબેન અશ્વિનભાઇનું નામ આપ્યું છે. ફરિયાદના આધારે પોલીસે બીએનએસની કલમ 352 અને 118 હેઠળ ગુનો નોંધ્યો છે.
ફરિયાદમા યુવાને જણાવ્યું કે તેમનો દીકરો કશ્યપ ઘરની નજીક રહેતા નિરાલીબેનના ઘરે ટ્યુશન ગયો હતો. જ્યાં શિક્ષિકા નિરાલીબેને તેને ગરમ તાવીથા વડે ડાબા પગના સાથળ પર ડામ દીધા હતા. જેથી યુવાન આ બાબતે નિરાલીબેનના ઘરે ઠપકો આપવા ગયો હતો. યુવાનની વાત સાંભળી નિરાલીબેન ઉશ્કેરાઇ ગયા હતા અને કહ્યું તમારો દીકરો લખતો ન હોવાથી મેં આવું કર્યું છે. તેમ છતાં તમારાથી થાય તે કરી લો તેમ કહી મનફાવે તેમ બોલવા લાગ્યા હતા.