અમદાવાદઃ અમેરિકામાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ વસે છે. આ દરમિયાન અમેરિકામાં ગુજરાતના પાટીદાર સ્ટોર માલિકની ICE (યુએસ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ) દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. 15 વર્ષ જૂના દેશનિકાલના આદેશ બાદ કાર્યવાહી કરવામાં આવી હતી.
શું છે મામલો
અમેરિકાના મેઈની સ્ટેટમાં કન્વીનિયન્સ સ્ટોર ચલવતાં ગુજરાતી મૂળના વેપારીની યુએસ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ઈમિગ્રેશન સત્તાધીશોના દાવા મુજબ, આ વ્યક્તિ વિરુદ્ધ 2011થી દેશનિકાલનો આદેશ હતો, જ્યારે તેમના વકીલોએ આ ધરપકડને ફેડરલ કોર્ટમાં પડકારી હતી.
રિપોર્ટ પ્રમાણે, મેઈની સ્ટેટના ફ્રેન્ડશિપ ટાઉનમાં વોલેસ માર્કેટ ચલાવતા ધવલ કાળિદાસ પટેલની સ્ટોરના કેશ રજિસ્ટર પર કામ કરતા હતા ત્યારે 27 જૂને ધરપકડ થઈ હતી. તેઓ અને તેમની પત્ની સંયુક્ત રીતે આ બિઝનેસ ચલાવે છે. ICEના એજન્ટો ધવલ પટેલને હાથકડી પહેરાવીને લઈ ગયા હતા અને આ અંગેનું કોઈ કારણ પણ આપ્યું નહોતું.
ધવલ પટેલની લીગલ ટીમે ફેડરલ કોર્ટમાં હેબિયસ કોર્પસ અરજી દાખલ કરી છે. તેમણે દલીલ કરી છે કે ધવલની અટકાયત ગેરકાયદેસર છે અને ICE ને તેમને કોર્ટ સમક્ષ હાજર કરવાનો આદેશ આપવામાં આવે. આ અરજી દાખલ થયાના ગણતરીના કલાકોમાં જ, યુએસ ડિસ્ટ્રિક્ટ જજે ઈમરજન્સી ઓર્ડર જાહેર કર્યો હતો. જેમાં ICE ને ધવલ પટેલને મેસેચ્યુસેટ્સ બહારની કોઈ જેલમાં ટ્રાન્સફર કરવા પર રોક લગાવી દીધી હતી. હાલમાં તેમને મેસેચ્યુસેટ્સની પ્લીમાઉથ કાઉન્ટી કરેક્શનલ ફેસિલિટીમાં રાખવામાં આવ્યા છે.
ધવલ પટેલના વકીલે જણાવ્યું કે તેઓ એક મહેનતુ માણસ છે, જે તેમની પત્ની અને અમેરિકામાં જન્મેલા બાળકનું ભરણપોષણ કરે છે. તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે ICE અધિકારીઓએ શરૂઆતમાં પોતાની ઓળખ આપી ન હતી કે તેઓ ધવલને ક્યાં લઈ જઈ રહ્યા છે તે પણ જણાવ્યું ન હતું. અરજી અનુસાર, સ્કારબોરો પહોંચ્યા પછી જ ધવલને ફોન કરવાની મંજૂરી આપવામાં આવી હતી.
29 જૂનના રોજ બહાર પાડેલા એક નિવેદનમાં ICE એ જણાવ્યું હતું કે ધવલ પટેલે 1 નવેમ્બર, 2010ના રોજ ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ કર્યો હતો અને બોર્ડર પેટ્રોલિંગ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી. 18 માર્ચ, 2011ના રોજ તેમને અટકાયતમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા, પરંતુ ત્યારબાદ તેઓ ઇમિગ્રેશન સત્તાવાળાઓ અથવા ઇમિગ્રેશન કોર્ટ સમક્ષ હાજર થયા ન હતા. પરિણામે, 8 ઓગસ્ટ, 2011ના રોજ ઇમિગ્રેશન જજે તેમની ગેરહાજરીમાં જ તેમની સામે ફાઇનલ દેશનિકાલનો આદેશ જાહેર કર્યો હતો. ICE એ જણાવ્યું છે કે દેશનિકાલની પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી ધવલ પટેલ ફેડરલ કસ્ટડીમાં જ રહેશે.