Tue Jul 07 2026

Logo

જૌનપુર હત્યાકાંડ: પ્રેમિકા પર શંકા રાખી ભાવનગરના પ્રેમીએ કર્યા લાશના ત્રણ ટુકડા, 'હાફ એન્કાઉન્ટર'માં ઝડપાયો

2026-07-06 15:26:00
Author: Devayat Khatana
Article Image

જૌનપુર/ભાવનગર: પ્રેમ અને વિશ્વાસના સંબંધોમાં શંકાનું ઝેર ભળે ત્યારે કેવાં ભયાનક પરિણામો આવી શકે છે, તેનો હચમચાવી નાખે તેવો કિસ્સો ઉત્તર પ્રદેશથી પ્રકાશમાં આવ્યો છે. ઉત્તર પ્રદેશના જૌનપુરમાં એક અત્યંત ચોંકાવનારો અને હચમચાવનારો હત્યાકાંડનો પર્દાફાશ થયો છે, જેમાં ગુનેગારનું સીધું કનેક્શન ગુજરાત સાથે જોડાયેલું છે. 

આ બનવામાં આરોપીએ પોતાની પ્રેમિકાની ઘાતકી હત્યા કરી તેના મૃતદેહના ત્રણ ટુકડા કરી નાખ્યા હતા. આરોપી મૂળ ભાવનગરનો વતની હોવાનું ખૂલતાં ચકચાર મચી છે. યુપી પોલીસે આ આરોપીને 'હાફ એન્કાઉન્ટર' બાદ ઝડપી પાડ્યો હતો. સામસામી થયેલા ફાયરિંગમાં આરોપીના જમણા પગમાં ગોળી વાગી હોવાથી હાલ તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.

પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો અનુસાર, ભાવનગરનો રહેવાસી 42 વર્ષીય હેમલ ખખરિયા (ઉર્ફે દિલીપ) જૌનપુરના મડિયાહું વિસ્તારની ટીચર્સ કોલોનીમાં ભાડાના મકાનમાં રહેતો હતો. તેની પ્રેમિકા વારાણસીના બાબતપુરની રહેવાસી રેશ્મા ખાતૂન ઉર્ફે સના હતી. ગત 4 જુલાઈની રાત્રે હેમલ સનાને પોતાના ભાડાના રૂમ પર લાવ્યો હતો. સના અન્ય કોઈ યુવક સાથે ફોન પર વાતચીત કરતી હોવાની તેને શંકા હતી. રાત્રે વોટ્સએપ ચેટ જોવા બાબતે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જેમાં ગુસ્સામાં આવીને હેમલે સૂતી રહેલી સનાનું છરી વડે ગળું કાપી નાખ્યું હતું અને લાશના ત્રણ ટુકડા કરી દીધા હતા.

આ સમગ્ર મામલાની શરૂઆત ત્યારે થઈ જ્યારે જૌનપુર વિસ્તારમાંથી એક મહિલાની અડધી કપાયેલી લાશ મળી આવી હતી. સર્કલ ઓફિસર વિજય ચૌધરીએ જણાવ્યું કે, સ્થાનિક લોકોની સૂચના મળતાં જ પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને સઘન તપાસ શરૂ કરી હતી.
 
પોલીસની તપાસ તેજ બનતા આરોપી હેમલ ગભરાઈ ગયો હતો. પોલીસ પોતાના સુધી પહોંચી જશે તેવી આશંકા જતાં જ તે લાશના બાકી રહેલા અંગોને અલગ-અલગ જગ્યાએ ફેંકીને સગેવગે કરવાની ફિરાકમાં હતો.

જોકે, મૃતદેહના ટુકડાઓનો નિકાલ કરવા જતી વખતે જ પોલીસે તેને રસ્તામાં આંતર્યો હતો. પોલીસને જોઈને આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને પોતાને ચારેબાજુથી ઘેરાયેલો જોઈને પોલીસ ટીમ પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. 

જવાબી કાર્યવાહીમાં પોલીસે કરેલા ફાયરિંગમાં તેના પગમાં ગોળી વાગતા તે ઢળી પડ્યો હતો અને પોલીસે તેને દબોચી લીધો હતો. પોલીસે આરોપી પાસેથી હત્યામાં વપરાયેલું હથિયાર અને યુવતીના પગ સહિતનો અન્ય સામાન જપ્ત કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.