ગાંધીનગરઃ રાજ્ય પર સર્જાયેલી અલગ અલગ વરસાદી સિસ્ટમના કારણે કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં સિઝનનો અત્યાર સુધીનો સરેરાશ 17.26 ટકા વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ 23.33 ટકા, દક્ષિણ ગુજરાતમાં 20.83 ટકા, પૂર્વ - મધ્ય ગુજરાતમાં 12.35 ટકા, ઉત્તર ગુજરાત માં 10.42 ટકા વરસાદ નોંધાયો છે.
જ્યારે કચ્છમાં સૌથી ઓછો 0.42 ટકા વરસાદ પડ્યો છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પ્રમાણે, કચ્છના અબડાસા, ભચાઉ, લખપત, માંડવી, મુન્દ્રા, નખત્રાણામાં વરસાદ પડ્યો નથી. જ્યારે અંજારમાં 0.71 ટકા, ભુજમાં 0.21 ટકા, ગાંધીધામમાં 0.85 ટકા, રાપરમાં 2.22 ટકા વરસાદ પડ્યો છે.
આજે કયા જિલ્લામાં છે વરસાદની આગાહી
હવામાન વિભાગે આજે સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, દમણ, દાદરા અને નગર હવેલીમાં વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે. જ્યારે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ અને નર્મદામાં ઑરેન્જ એલર્ટ તથા જૂનાગઢ, રાજકોટ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકના વરસાદના આંકડા
સ્ટેટ ઈમરજન્સી ઑપરેશન સેન્ટર ગાંધીનગરના આંકડા પ્રમાણે, આજે સવારે 6 કલાકે પૂરા થયેલા 24 કલાકમાં 164 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. અમરેલીના રાજુલામાં સૌથી વધુ 10.79 ઇંચ વરસાદ પડ્યો હતો. અમરેલીના ધારીમાં 9.21 ઇંચ અને ખાંભામાં 6.81 ઇંચ વરસાદ નોંધાયો હતો. ડાંગના સુબીરમાં 5.16 ઇંચ, સાવરકુંડલામાં 5.04 ઇંચ, જાફરાબાદમાં 4.92 ઇંચ, ડાંગમાં 4.57 ઇંચ, વિજયાનગરમાં 4.49 ઇંચ, બગસરામાં 4.29 ઇંચ, લીલીયામાં 4.21 ઇંચ, ઉનામાં 4.21 ઇંચ, જેસરમાં 4.21 ઇંચ, ચીખલીમાં 3.58 ઇંચ, ચીખલીમાં 3.27 ઇંચ વરસાદ ખાબક્યો હતો.