(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈને પાણીપુરવઠો કરનારા સાતેય જળાશયોની સપાટીમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩.૭૮ ટકાનો વધારો થયો છે. એટલે કે ૨૪ કલાક પડેલા મુશળધાર વરસાદને પગલે ૧૪ દિવસ ચાલે એટલું પાણી જમા થયું છે. ટૂંકા ગાળામાં પાણીની સપાટીમાં મોટો વધારો થયો હોવા છતાં મુંબઈગરાએ બહુ હરખાવા જેવું નથી. રવિવારે જળાશયોમાં પાણીનું સ્તર ૧૩.૧૯ ટકા હતું, તેની સામે ગયા વર્ષે આ સમયે જળાશયોમાં ૫૪.૨૭ ટકા જેટલું પાણી હતું.
મુંબઈ સહિત થાણે અને મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી મુશળધાર વરસાદ પડી રહ્યો છે. મુંબઈમાં તો ત્રણ દિવસમાં આખા જુલાઈ મહિનાનો ૭૪ ટકા વરસાદ પડી ગયો છે. મુંબઈને પાણીપુરવઠો કરનારા જળાશયોના કેચમેન્ટ એરિયામાં પણ છેલ્લા ૨૪ કલાક દરમ્યાન સારો એવો વરસાદ પડ્યો છે. શનિવારથી રવિવાર સવાર સુધીના ૨૪ કલાકમાં જળાશયોના પાણીમાં ૩.૭૮ ટકાથી વધારો થયો છે. શનિવારે સવારે સાતેય જળાશયોમાં ૧,૩૬,૧૩૭ મિલ્યન લિટર એટલે કે ૯.૪૧ ટકા પાણીનો જથ્થો હતો. તેની સામે રવિવારે સવારના સાતેય જળાશયો ૧,૯૦,૯૮૯ મિલ્યન લિટર એટલે કે ૧૩.૧૯ ટકા પાણી જમા થયું હતું.
જળાશયોમાં ૨૪ કલાકમાં વરસાદને પગલે ૫૪,૭૬૧ મિલ્યન લિટર પાણીની આવક થઈ છે. આ પાણી મુંબઈને ૧૪ દિવસ ચાલે એટલું છે. જળાશયોમાં પાણીની આવક થઈ છે, છતાં મુંબઈગરાએ બહુ ખુશ થવા જેવું નથી. કારણકે ગયા વર્ષે આ જ સમયે જળાશયોમાં ૫૦ ટકાથી વધુ પાણીનો સ્ટોક હતો. તેની સામે આ વર્ષે પાણીનું સ્તર હજી બહુ નીચું હોવાથી ચિંતાનો વિષય છે.
સામાન્ય રીતે જુલાઈમાં વરસાદનું જોર વધુ હોવાથી મોટાભાગના જળાશયો જુલાઈ મહિનામાં જ છલકાઈ જતા હોય છે. ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં હળવાથી મધ્યમ સ્વરૂપનો વરસાદ રહેતો હોવાથી મુંબઈની આખા વર્ષની પાણીની સમસ્યા દૂર કરવા માટે આગામી દિવસોમાં પણ જળાશયોના કેચમેન્ટ એરિયામાં ભારે વરસાદ પડવો આવશ્યક હોવાનું પાલિકાના હાઈડ્રોલિક એન્જિનિયર વિભાગના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું.
મુંબઈને પ્રતિદિન ૩,૯૦૦ મિલ્યન લિટર પાણીપુરવઠો કરવામાં આવે છે અને મુંબઈને આખું વર્ષ પાણીકાપ વગર પાણીપુરવઠો થઈ રહે તે માટે પહેલી ઑક્ટોબરના સાતેય જળાશયોમાં ૧૪,૪૭,૩૬૩ મિલ્યન લિટર જેટલું પાણી હોવું આવશ્યક છે. હાલ મુંબઈના નાગરિકો પર ૧૦ ટકા પાણીકાપ અને ઔદ્યોગિક વપરાશકર્તા પર ૨૦ ટકા પાણીકાપ છે. તેથી આગામી દિવસોમાં જળાશયોમાં કેવો વરસાદ પડે છે તેના પર પાણીકાપ પાછો ખેંચાશે કે લંબાશે તે નક્કી થશે.