Tue Jul 07 2026

Logo

મુંબઈમાં ભારે વરસાદથી પશ્ચિમ રેલવેનું સંચાલન ખોરવાયું; ગુજરાત જતી અનેક ટ્રેનો રદ, અનેક મોડી પડી

2026-07-06 15:29:57
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈ: વસઈ રોડ, નાલાસોપારા, સફાલે અને કેલવે રોડ સ્ટેશનો વચ્ચે પશ્ચિમ રેલવે નેટવર્ક પર આજે ભારે પાણી ભરાઈ જવાના કારણે ટ્રેન વ્યવહારને ગંભીર અસર પહોંચી છે. આ પરિસ્થિતિને લીધે રેલવે સત્તાવાળાઓને અનેક મેઇલ, એક્સપ્રેસ અને પેસેન્જર ટ્રેનોના સમયમાં ફેરફાર કરવા, રદ કરવા અને શોર્ટ-ટર્મિનેટ (નિયત સ્ટેશનથી વહેલા રોકી દેવા) કરવાની ફરજ પડી છે, જેમાંથી ઘણી ટ્રેનો ગુજરાતમાંથી પસાર થાય છે.

પશ્ચિમ રેલવે જણાવ્યું છે કે આ વિક્ષેપના કારણે બાંદ્રા ટર્મિનસ, મુંબઈ સેન્ટ્રલ અને દાદરથી ઊપડતી અનેક લાંબા અંતરની ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

જે મુખ્ય ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે તેમાં 12471 બાંદ્રા ટર્મિનસ–શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ, 22451 બાંદ્રા ટર્મિનસ–ચંદીગઢ એક્સપ્રેસ, 22915 બાંદ્રા ટર્મિનસ–હિસાર એક્સપ્રેસ, 12925 બાંદ્રા ટર્મિનસ–અમૃતસર જંક્શન એક્સપ્રેસ, 19217 બાંદ્રા ટર્મિનસ–વેરાવળ એક્સપ્રેસ, 12953 મુંબઈ સેન્ટ્રલ–હઝરત નિઝામુદ્દીન ઓગસ્ટ ક્રાંતિ રાજધાની એક્સપ્રેસ, 19015 દાદર–પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ અને 14708 દાદર–હનુમાનગઢ એક્સપ્રેસનો સમાવેશ થાય છે. આ ટ્રેનોના પ્રસ્થાનના સમયમાં અનેક કલાકોનો વિલંબ થયો છે.

રેલવે ઝોન દ્વારા કેટલીક ટ્રેન સેવાઓ સંપૂર્ણ અથવા આંશિક રીતે રદ પણ કરવામાં આવી છે. 09706બાંદ્રા ટર્મિનસ–જયપુર સ્પેશિયલ (જે પ્રવાસ તારીખ 06.07.2026ના રોજ શરૂ થવાની હતી) રદ કરવામાં આવી છે, જ્યારે 09705 જયપુર–બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ (જે પ્રવાસ તારીખ 05.07.2026ના રોજ શરૂ થઈ હતી) ને ઉધના ખાતે જ શોર્ટ-ટર્મિનેટ કરવામાં આવી હતી (વચ્ચે જ રોકી દેવાઈ હતી) અને ઉધના તથા બાંદ્રા ટર્મિનસ વચ્ચેની તેની સેવા રદ કરવામાં આવી છે.

અન્ય પ્રભાવિત ટ્રેનોમાં, 59046 વલસાડ–વિરાર પેસેન્જર અને 59045 મુંબઈ સેન્ટ્રલ–વાપી પેસેન્જર રદ કરવામાં આવી હતી, જ્યારે 59040 વાપી–મુંબઈ સેન્ટ્રલ પેસેન્જર પણ રદ રહી હતી. 19001 વિરાર–સુરત એક્સપ્રેસની સામેથી આવતી ટ્રેન સેવા શોર્ટ-ટર્મિનેટ થવાને કારણે આ ટ્રેન પણ રદ કરવામાં આવી હતી.

ઠેરઠેર પાણી ભરાઈ જવાના કારણે કેટલીક ટ્રેનોને શોર્ટ-ટર્મિનેટ (નિયત સ્ટેશનથી વહેલા રોકી દેવી) અથવા શોર્ટ-ઓરિજિનેટ (નિયત સ્ટેશનના બદલે આગળના સ્ટેશનથી શરૂ કરવી) કરવામાં આવી હતી. 19418 અમદાવાદ–બોરીવલી એક્સપ્રેસને વલસાડ ખાતે જ શોર્ટ-ટર્મિનેટ કરવામાં આવી હતી, જ્યારે 19425 બોરીવલી–નંદુરબાર એક્સપ્રેસ બોરીવલીના બદલે વલસાડથી શરૂ થઈ હતી. 04725 હિસાર–શ્રી ગંગાનગર એક્સપ્રેસને દહાણુ રોડ ખાતે શોર્ટ-ટર્મિનેટ કરવામાં આવી હતી, અને દહાણુ રોડ તથા વાપી વચ્ચેનો રૂટ બંને દિશાઓમાં રદ કરવામાં આવ્યો હતો.

પશ્ચિમ રેલવે દ્વારા બહારથી આવી રહેલી (ઇનબાઉન્ડ) કેટલીક ટ્રેનોના સંચાલનમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. 05183 આઝમગઢ–બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલને શરૂઆતમાં સંજાણ ખાતે શોર્ટ-ટર્મિનેટ કરવામાં આવી હતી, પરંતુ બાદમાં તેને બાંદ્રા ટર્મિનસ સુધી ચલાવવાનો નિર્ણય લેવાયો હતો; જ્યારે  05184 બાંદ્રા ટર્મિનસ–આઝમગઢ સ્પેશિયલ, અંદાજે સાંજે 7 વાગ્યે રવાના થશે.

શોર્ટ-ટર્મિનેટ કરવામાં આવેલી અન્ય ટ્રેનોમાં 19002 સુરત–વિરાર એક્સપ્રેસ (ઉમરગામ રોડ ખાતે), 12934 અમદાવાદ–બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ (વલસાડ ખાતે), 12479 જોધપુર–બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ (વાપી ખાતે), 12932 અમદાવાદ–મુંબઈ સેન્ટ્રલ એક્સપ્રેસ (સુરત ખાતે), અને 12990 અજમેર–દાદર એક્સપ્રેસ (નવસારી ખાતે) નો સમાવેશ થાય છે. આ ટ્રેનો સુધારેલા સમયપત્રક મુજબ જે સ્ટેશનો પર રોકી દેવામાં આવી હતી ત્યાંથી જ પરત ફરશે.

ભારે વરસાદથી ઉપનગરીય (લોકલ) સેવાઓને પણ અસર પહોંચી હતી. 69174 દહાણુ રોડ–બોરીવલી ટ્રેનને વિરાર ખાતે શોર્ટ-ટર્મિનેટ કરવામાં આવી હતી, જ્યારે 69139 બોરીવલી–વલસાડ મેમુ (MEMU) વિરારથી શોર્ટ-ઓરિજિનેટ થઈ હતી, અને બોરીવલી તથા વિરાર વચ્ચેની સેવાઓ રદ કરવામાં આવી હતી.

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોને સલાહ આપવામાં આવી છે કે તેઓ પોતાની મુસાફરી શરૂ કરતા પહેલાં ટ્રેનનું લાઇવ સ્ટેટસ ચકાસી લે અને મુસાફરી માટે સ્ટેશન પર વહેલા પહોંચવાનો પ્રયત્ન કરે. રેલવે અધિકારીઓએ જણાવ્યું કે ટ્રેન વ્યવહાર વહેલી તકે સામાન્ય કરવા માટેના પ્રયાસો ચાલુ છે અને મુસાફરોને પડેલી અગવડ બદલ તેઓએ ખેદ વ્યક્ત કર્યો છે.