Tue Jul 07 2026

Logo

મહારાષ્ટ્રમાં બાઇક-ટેક્સી સેવાઓ થશે કાયદેસર; ચાલકો માટે મરાઠી ભાષા અને ડોમિસાઇલ ફરજિયાત

2026-07-07 18:56:07
Author: Mumbai Samachar Team
Article Image

એપ આધારિત બાઇક સેવાઓ માટે ૧ ઓગસ્ટથી નવી પરમિટ અપાશે; મુંબઈમાં ખાડા મુદ્દે રાજકારણ ગરમાયું

મુંબઈઃ મહારાષ્ટ્રમાં મોબાઈલ એપ્લિકેશન આધારિત બાઈક સેવાઓને કાયદેસર કરવાની દિશામાં રાજ્ય સરકારે સૌથી મોટો નિર્ણય લીધો છે. રાજ્યના પરિવહન પ્રધાન પ્રતાપ સરનાયકે વિધાનસભામાં જણાવ્યું કે પહેલી ઓગસ્ટથી એપ આધારિત બાઇક સેવાઓ માટે નવી પરમીટ જારી કરવામાં આવશે. હવે રેપિડો સહિત અન્ય એગ્રીગેટર્સના બાઈક-ટેક્સી ચાલકો માટે ડોમિસાઈલ અને મરાઠી ભાષાનું જ્ઞાન ફરજિયાત રહેશે.

પરિવહન પ્રધાન પ્રતાપ સરનાઇકે જણાવ્યું હતું કે હાલમાં સાડા ત્રણ લાખથી વધુ બાઈક-ટેક્સીઓ રસ્તા પર દોડે છે. જોકે તેના કોઈ કડક નિયમો નક્કી નહીં હોવાને કારણે સવાલ ઊઠાવવામાં આવતા હતા, ત્યાર બાદ આ મુદ્દે સરકારે મહત્ત્વનો નિર્ણય લીધો છે. મહારાષ્ટ્ર સરકારે અનધિકૃત એપ્લિકેશન આધારિત લાખો બાઈક-ટેક્સી સેવાઓને રેગ્યુલર કરવામાં આવશે. રાજ્યમાં પહેલી ઓગસ્ટથી એપ આધારિત બાઈક સેવાઓ માટે નવી પરમિટ જારી કરવામાં આવશે. ઉપરાંત, બાઈક-ટેક્સી ઓપરેટર્સે સરકારને રોજ પાંચ રુપિયા ફી ચૂકવવી પડશે અને આ ફી દ્વારા થનારી ઈન્કમના બે ટકા વેલ્ફેર ફંડ એટલે કલ્યાણ કોષમાં જમા કરવામાં આવશે.

રાજ્યભરમાં મોટી સંખ્યામાં બાઇક સેવાઓ શરૂ થઈ રહી છે. જોકે, ટેક્નિકલ કારણોના લીધે એપ પર અસરકારક કાર્યવાહી કરવી શક્ય બની રહી નહોતી. આ એક પડકાર હતો કે તેમની એપ્લિકેશન સમગ્ર દેશમાં એક જ પ્લેટફોર્મ પર સંચાલિત થતી હતી. આમ છતાં સરકાર કાર્યવાહી કરતી રહી છે. 

આ નિયમોના ફેરફારમાં સ્થાનિક રહેઠાણ પ્રમાણપત્ર રાખનારા યુવાનોને જરૂરી પ્રુફ અને અન્ય પાત્રતા પૂર્ણ કર્યા બાદ પરમીટ આપવામાં આવશે. સરકારનો ઉદ્દેશ એપ આધારિત બાઇકસેવાઓનું નિયમન કરવા અને સ્થાનિક યુવાનોને રોજગારીની તકો ઊભી કરવાની છે.

ખાડા મુદ્દે રાજકારણ ગરમાયું

મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ બાદ મુંબઈ સહીત મહારાષ્ટ્રના કેટલાક ભાગોના રસ્તાઓ પર ખાડા પડી ગયા છે. હવે આ ખાડાઓને લઈને રાજકારણ ચાલી રહ્યું છે. 
કોંગ્રેસ અને એનસીપીએ સરકાર પર આકરા પ્રહારો કરી જણાવ્યું છે કે 'ખાડામુક્ત મુંબઈ', કેટલીક જગ્યાઓ પર ખાડાઓના લીધે દુર્ઘટનાઓ પણ થઈ હતી. કેટલીક જગ્યાએ આ ખાડાઓના કારણે લોકોના મૃત્યુ પણ થયા હતા. 

વિપક્ષ દ્વારા એવા આરોપો લગાવવામાં આવ્યા હતા કે ચોમાસાની પૂર્વતૈયારીઓ ફક્ત કાગળ સુધી જ સીમિત રહી અને ભ્રષ્ટાચારના લીધે પહેલા જ વરસાદમાં રસ્તાઓ ઉખડી પડ્યા હતા. વિપક્ષે આ સમસ્યાઓ પર દોષીઓ પર કાર્યવાહી કરવાની માંગ કરી હતી.