મુંબઈ: મુશળધાર વરસાદના કારણે સમગ્ર શહેર પાણી પાણી થઈ ગયું હતું. જેમાં મુંબઈની સીમામાં આવેલા પાલઘર જિલ્લાના સૌથી મોટા રેસિડેન્શિયલ અને કમર્શિયલ હબ વસઈ-વિરારમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ જાણે બેટમાં ફેરવાઈ ગયા હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા. ગણતરીના કલાકોમાં આભ ફાટ્યું હતું અને સમગ્ર વિસ્તારમાં જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું. મુશળધાર વરસાદના કારણે રેલવે ટ્રેકમાં પણ પાણી ભરાઈ ગયા હતા. પાલિકા દ્વારા પણ તાત્કાલિક બચાવ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું,
બીજી તરફ મુંબઈના સૌથી મોટા 'અફોર્ડેબલ હાઉસિંગ કોરિડોર'ના રિયલ એસ્ટેટ માર્કેટ અને પ્રોપર્ટી રેટ્સને લઈને ચિંતાઓ વધી ગઈ છે. ભારે વરસાદના કારણે સ્થિતિ ચિંતાજનક બની છે. જ્યાં વસઈ સ્ટેશન પાસે આવેલા અંબાડી રોડ અને માનિકપૂર રોડ જળમગ્ન બન્યા છે. આ સાથે જ પ્રખ્યાત એવરશાઇન રોડની પણ એ જ સ્થિતિ છે, જેમાં પાણી ભરાવાના લીધે સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ થયો હતો. ભોઇદાપાડા રોડ પર તો ગાડીઓ પણ પાણીમાં તરવા લાગી હતી. આ કારણોસર લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
વસઈ-વિરારમાં મિલકતના હાલના ભાવ
દરેક પડકાર અને ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યા છતાં મુંબઈ મેઇન સીટીથી ઓછી કિંમતોના લીધે વસઈ-વિરારના રિયલ એસ્ટેટ માર્કેટ મધ્યમવર્ગીય ખરીદદારો માટે પહેલી પસંદ રહ્યું છે. વર્ષ 2026માં માર્કેટ ટ્રેન્ડ મુજબ, આ સમગ્ર બેલ્ટમાં પ્રોપર્ટીના ભાવ વિસ્તારના આધારે નક્કી થયેલા હોય છે, જ્યાં આ કોરિડોરના સૌથી પ્રીમિયમ ગણાતા વસઈ વેસ્ટમાં એપાર્ટમેન્ટના સરેરાશ ભાવ 8,500થી 11,500 પ્રતિ સ્કવેર ફિટ વચ્ચે ચાલી રહ્યા છે. બીજી તરફ વસઈ ઈસ્ટમાં આની કિંમતો 65,00થી 9,000 પ્રતિ સ્કવેર ફિટ આસપાસ બનેલા છે.
વિરાર પશ્ચિમના ગ્લોબલ સીટી અને બૉલિંજ જેવા વિસ્તારોમાં સરેરાશ ભાવ 6,500થી 8250 પ્રતિ સ્કવેર ફિટ વચ્ચે છે. બીજી બાજુ એમએમઆર વિસ્તારમાં સૌથી બજેટ-ફ્રેન્ડલી ઘરોથી જાણીતા વિરાર ઈસ્ટમાં સરેરાશ ભાવ 5,000થી 8,000 પ્રતિ સ્કવેર ફિટ સુધી હોય છે, જે પહેલીવાર ઘર ખરીદનારાઓ માટે આકર્ષક સાબિત થાય છે.
રિયલ એસ્ટેટ માર્કેટ પર અસર
વરસાદના કારણે પાણી ભરવાની સમસ્યા સમગ્ર શહેરમાં જોવા મળી રહી છે. જેની અસર મિલકતોની કિંમતો પર પડશે. ખરીદનારાઓ માટે પહેલી પસંદ ચોક્કસ લોકેશન હશે, નીચાણવાળા વિસ્તારોમાં લોકો ઘર ખરીદતા બચશે, જ્યાં દર વર્ષે ઘૂટણસમા પાણી ભરાય છે. હવેથી નવા અંડર-કન્સ્ટ્રક્શન અને રેડી પ્રોજેક્ટ્સમાં વેચાણ વધી શકે છે.
દક્ષિણ મુંબઈના સૌથી વીઆઈપી વિસ્તાર મલબાર હિલ અને વાલ્કેશ્વરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. છતાં આ વિસ્તારોમાં મિલકતની કિંમત સરેરાશ 70,000થી 1,15,000 પ્રતિ સ્કેવર ફૂટ ચાલે છે, બીજી તરફ અલ્ટ્રા-લકઝરી સી ફેસિંગ પ્રોજેક્ટસમાં આ દર 1.5 લાખથી 2 લાખ પ્રતિ સ્કવેર ફિટને પાર કરે છે.
સેલેબ્રિટીઝના મનપસંદ વિસ્તારો જેવા કે બાંદ્રા વેસ્ટ અને જુહુમાં પણ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. છતાં હાલમાં પણ ત્યાંની જમીનના ભાવ આસમાને છે. બાન્દ્રામાં સરેરાશ 55,000થી 75,000 અને જુહુમાં 57,000થી 80,000 પ્રતિ સ્કવેર ફૂટ છે. મુંબઈ સેન્ટ્રલમાં પણ પાણી ભરાઈ જવાની સમસ્યા છતાં પ્રોપર્ટીના ભાવ 60,000થી 75,000 પ્રતિ સ્કવેર ફૂટ વચ્ચે ટકેલી છે.
પશ્ચિમી ઉપનગરોમાં અંધેરીમાં પણ દર વર્ષે પાણી ભરાવાની સમસ્યા છતાં ત્યાંની મિલકતના ભાવ પણ વધતા જાય છે, જેમાં 3BHK ફ્લેટની કિંમત 3.5 કરોડથી 5 કરોડ રૂપિયા સુધી જોવા મળે છે. આ રીતે જ મલાડ અને ગોરેગાંવમાં પણ સોસાયટી બહાર પાણી ભરાતા હોવા છતાં મિલકતના ભાવ અકબંધ છે.