(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં રવિવારે રેડ અલર્ટની ચેતવણી આપી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. જોકે શનિવારની સરખામણીમાં રવિવારે વરસાદનું જોર પ્રમણમાં થોડું ઓછું હોવાથી મુંબઈગરાની સાથે જ પ્રશાસને પણ રાહત અનુભવી હતી. જોકે દિવસ દરમ્યાન કલાકના ૭૨થી ૭૫ કિલોમીટરની ઝડપે જોશભેર ફૂંકાઈ રહેલા પવનને કારણે સાંજ સુધીમાં ૨૦૦થી વધુ વૃક્ષ અને તેની ડાળખીઓ તૂટી પડવાના બનાવ નોંધાયા હતા, જેમાં કુર્લામાં બપોરના ઝાડ તૂટી પડતા એક સિનિયર સિટિઝનનું મૃત્યુ થયું હતું. હવામાન વિભાગે મુંબઈ અને થાણે માટે સોેમવારના ઓરેન્જ અલર્ટ અને પાલઘર તથા રાયગડ માટે રેડ અલર્ટની ચેતવણી આપી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
રવિવારે વહેલી સવારના મુંબઈના જુદા જુદા વિસ્તારમાં ભારે વરસાદ રહ્યો હતો. વહેલી સવારના વરસાદને કારણે થોડા સમય માટે રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા. દિવસ દરમ્યાન જોશભેર ફૂંક્ાઈ રહેલા પવનને કારણે અનેક ઠેકાણે ઝાડ પડવાની ઘટનાઓ પણ બની હતી, જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું. તો રવિવારે બપોરના પોણા બે વાગ્યાની આસપાસ ગોરેગામ પશ્ર્ચિમમાં મોહન ગોખલે રોડ, ધીરજ ટાવર નજીક એક ઓટોરિક્ષા પર ઝાડ તૂટી પડતા તેમાં બેસેલો એક વ્યક્તિ ફસાઈ ગયો હતો. ફાયરબ્રિગેડે તેને બહાર કાઢીને હોસિપ્ટલમાં સારવાર માટે દાખલ કર્યો હતો. જખમી થયેલા ૨૮ વર્ષના યુવકનું નામ દીપક માળી છે. સારવાર બાદ તેને મોડેથી રજા આપવામાં આવી હતી. દિવસ દરમ્યાન સવારના આઠ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધીમાં શહેરમાં ૧૧૬, પૂર્વ ઉપનગરમાં ૮૩ અને પશ્ર્ચિમ ઉપનગરમાં ૮૪ એમ કુલ ૨૦૩ ઝાડ અને ડાળખીઓ મુંબઈના જુદા જુદા વિસ્તારમાં તૂટી પડવાની ફરિયાદ આવી હતી.
હવામાન વિભાગે મહાનગર માટે અત્યંત ભારે વરસાદ માટે ’રેડ’ ચેતવણી આપી હતી, જ્યાં બીએમસીના ઓટોમેટિક રેઈન ગેજના નેટવર્કે ૨૪ કલાકના સમયગાળામાં ઘણા વિસ્તારોમાં ૨૦૦ મિલીમીટરથી વધુ વરસાદ નોંધાયો હતો અને કેટલાક વિસ્તારોમાં ૩૦૦ મીમી જેટલો ભારે વરસાદ પડ્યો હતો. તો ૭૨થી ૭૫ કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાયો હતો. આ દરમ્યાન રવિવારે છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર એક કલાક માટે ફ્લાઇટ કામગીરી પર અસર પડી હતી. ભારે વરસાદ અને તોફાની પવનને કારણે ઈન્ડિગોની ચાર ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી અને વિવિધ ઓપરેટરોના ૧૩ આવતા વિમાનોને નજીકના એરપોર્ટ પર વાળવામાં આવ્યા હતા.
આ દરમ્યાન નવી મુંબઈમાં વાશી સેક્ટર ૧૧ માં ગીતા એપાર્ટમેન્ટ બિલ્ડિંગના બીજા માળે બાલ્કનીનો ગ્રીલ ભાગ રસ્તા પર પડવાની ઘટના સાંજે ૬.૩૦ વાગ્યે બની હતી. આ ઘટનામાં, રસ્તા પર ચાલી રહેલા એક રાહદારીનું કમનસીબે મૃત્યુ થયું છે અને એક મહિલાને સામાન્ય ઈજાઓ થઈ છે. આ ઇમારત ગવથાણ વિસ્તારમાં બની હતી.
૨૪ કલાકમાં સરેરાશ સાડા દસ ઈંચ વરસાદ
મુંબઈમાં શનિવારે સવારના ૮.૩૦ વાગ્યાથી રવિવારે સવારના ૮.૩૦ વાગ્યા સુધીના ૨૪ કલાકમાં કોલાબામાં ૨૬૫.૬ મિ.મી. (સાડા દસ ઈંચ) અને સાંતાક્રુઝમાં ૨૨૭.૭ મિ.મી. (નવ ઈંચ) વરસાદ નોંધાયો હતો. તો રવિવાર સવાર ૮ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધીમાં શહેરમાં ૩૩.૪૨ મિ.મી., પૂર્વ ઉપનગરમાં ૪૯.૬૮ મિ.મી. અને પશ્ર્ચિમ ઉપનગરમાં ૪૮.૪૫ મિ.મી. વરસાદ નોંધાયો હતો.
સ્કૂલ, કોલેજમાં રજા જાહેર
હવામાન વિભાગે મુંબઈ મહાનગરમાં સોમવાર, છ જુલાઈના મુશળધાર વરસાદ (ઓરેન્જ અલર્ટ)ની સાથે જ સૂસવાટાભર્યા ભારે પવન ફ ંકવાની ચેતવણી આપી છે. આ પાર્શ્ર્વભૂમી પર વિદ્યાર્થીઓની સુરક્ષિતતાના ધ્યાનમાં રાખીનેે ખાનગી, મહાનગરપાલિકા સ્કૂલ અને કોલેજને છ જુલાઈ, સોમવાર માટે રજા જાહેર કરવામાં આવી છે. ફકત ખાનગી અને સરકારી ઓફિસો ચાલુ રહેશે. આવશ્યકતા હોય તો જ નાગરિકોએ ઘરની બહાર નીકળવું એવી અપીલ પણ પાલિકા દ્વારા કરવામાં આવી છે.
૨૦૦થી વધુ વૃક્ષો ધરાશાયી
ચોમાસા પહેલાના કામના ભાગ તરીકે પાલિકાના ઉદ્યાન વિભાગે મુંબઈમાં ૧,૬૨,૬૭૬ ઝાડનો સર્વેક્ષણ કર્યો હતો. તેમ જ ૧,૦૩,૦૦૦ ઝાડની છટણી કરી હતી. રવિવારે મુશળધાર વરસાદની સાથે કલાકના ૭૨થી ૭૫ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાને પગલે ઝાડ અને તેની ડાળખી તૂટી પડવાના ૨૭૬ ફરિયાદ આવી હતી, તેમાંથી પ્રત્યક્ષમાં ૧૪૨ ફરિયાદ ઝાડ અને તેની ડાળખી સંબંધિત હતી.