અમદાવાદ: જન્માષ્ટમી નિમિત્તે અનેક મંદિરોમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે. દ્વારકામાં આવેલા જગત મંદિર સાથે યાત્રાધામ શામળાજી અને ડાકોરમાં પણ જન્માષ્ટમીની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. આ દરમિયાન ત્રણેય મંદિરો ખાતે પ્રભુ શ્રી કૃષ્ણના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તોનું મહેરામણ ઉમટી પડ્યું છે. વહેલી સવારે 6 કલાકે મંદિરના દ્વાર ખુલતાની સાથે જ દર્શન માટે ભક્તોનું વિશાળ મહેરામણ ઉમટી પડ્યું હતું. પ્રભુના દર્શન માટે મોટી સંખ્યમાં લોકો મંદિરે આવી રહ્યાં છે.
‘નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી’ નાદથી ગુંજ્યા મંદિરો
દ્વારકાની વાત કરવામાં આવે તો, જગત મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શાનર્થે પધાર્યાં છે. આ દરમિયાન ‘નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી’ નાદ સાંભળવા મળ્યાં. દ્વારકાધીશ મંદિર ખાતે સવારે 6 વાગે મંગળા આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ 8 વાગે ખુલ્લા પરદે પ્રભુને સ્નાન અભિષેક કરવામાં આવ્યો હતો. તે પછી 11 વાગ્યે શૃંગાર આરતી, 11:15 વાગ્યે ગ્વાલ ભોગ અર્પણ કરવામાં આવ્યો હતો. સાજે 5 વાગ્યે ઉત્થાપન દર્શન બાદ સાંજે 07:30 વાગ્યે સંધ્યા આરતી કરવામાં આવી હતી. રાત્રે 12 વાગ્યે જન્માષ્ટમી મહોત્સવ નિમિત્તે આરતી કરવામાં આવી જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યાં.
राजाधिराज द्वारकाधीश जी के शयन आरती दर्शन🙏
— Shri Dwarkadhish Mandir (@DwarkaOfficial) September 4, 2026
श्री द्वारकाधीश मंदिर द्वारका,गुजरात
दिनांक :- 04/09/2026 शुक्रवार #dwarka #sayanaarti#ShridwarikadhishmandirOfficial pic.twitter.com/6yAetehbHL
ડાકોરની વાત કરવામાં આવે તો, ખેડા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં પણ જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો રાજા રણછોડના દર્શન માટે પહોચ્યાં હતાં. રાત્રે 12 વાગ્યે જન્માષ્ટમીના સૌથી મહત્વપૂર્ણ પ્રસંગની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી. જન્માષ્ટમીને ધ્યાને રાખી ડાકોર ટેમ્પલ કમિટીએ ભગવાનના દર્શનના સમયમાં ફેરફાર કર્યો હતો. ભગવાનના દર્શન કરવા માટે વહેલી સવારે દ્વાર ખોલી દેવામાં આવ્યાં હતા, જે બપોરે 1 વાગ્યા સુધી ખુલ્લા રાખવામાં આવ્યાં હતા. તે પછી બપોરે 1 વાગ્યે મંદિરના દ્વાર બંધ કરી દેવામાં આવ્યાં હતાં. ફરી ભક્તોને દર્શન કરવા માટે મંદિરના દ્વાર 4:45 વાગ્યે ખોલવામાં આવ્યાં હતા
જન્માષ્ટમી નિમિત્તે ડાકોરના શ્રી રણછોડરાયજી મંદિરે ભક્તોની ભીડ જોવા મળી#Dakor #Janmashtami
— Vimal Prajapati GJ (@mgvimal_12) September 4, 2026
pic.twitter.com/gwcORP2Q6l
શામળાજીમાં જન્માષ્ટમીના દિવસે વહેલી સવારે 6 વાગ્યે મંદિરના દ્વાર ખુલતાની સાથે જ ઠાકોરજીને દાંતણ અર્પણ કરી માખણ-મીસરીના મંગલ ભોગ સાથે મંગલા આરતી કરવામાં આવી હતી. સવારે 8 વાગ્યે વર્ષમાં માત્ર બેવાર યોજાતી વિશેષ પરંપરા મુજબ ભગવાનને ખુલ્લા પડદે સ્નાન કરાવવામાં આવ્યું હતું, જેમાં ગૌશાળાના 11 લિટર દૂધ, દહીં, ઘી, કેસર અને ગંગાજળ વડે વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે અભિષેક થયો હતો. અભિષેક બાદ ઠાકોરજીને ખાસ કેસરી રંગના રેશમી વાઘા, સિલ્કનું પિતાંબર અને સોના-ચાંદીના કિંમતી આભૂષણોથી સજાવવામાં આવ્યા હતા. બપોરે રાજભોગ બાદ સોનાના પાસાથી ચોપાટ રમાડવાની પરંપરા નિભાવવામાં આવી હતી. આ દરમિયાન સમગ્ર મંદિર પરિસર 'જય શ્રીકૃષ્ણ'ના નાદથી ગૂંજી ઊઠ્યું હતું.