Tue Jul 07 2026

Logo

ઇન્સ્ટાગ્રામ પર આપત્તિજનક બાળ યૌન શોષણ સામગ્રીને લઇને મેટાને સરકારની ચેતવણી

2026-07-06 13:56:00
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હી: સરકારે ઇન્સ્ટાગ્રામ પર પેઇડ જાહેરાતોમાં બાળકોના જાતીય શોષણ અને દુર્વ્યવહાર સાથે સંબંધિત કન્ટેન્ટ (CSEAM) ને લઈને મેટા (Meta) ને કડક નોટિસ પાઠવી છે.

ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે ઇન્સ્ટાગ્રામને આવી તમામ જાહેરાતો અને કન્ટેન્ટને હટાવવાનો આદેશ આપ્યો છે જે CSEAM ને પ્રોત્સાહન આપે છે અથવા તે કન્ટેન્ટ સુધી પહોંચવાનું સરળ બનાવે છે. સાથે જ આ મામલે તાત્કાલિક સુધારાત્મક પગલાં લેવા માટે પણ જણાવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકારે 7 દિવસની અંદર આ અંગે વિગતવાર જવાબ માંગ્યો છે.

શું છે સમગ્ર મામલો?

સૂત્રોએ જણાવ્યું હતું કે, ઇન્સ્ટાગ્રામ પર પેઇડ જાહેરાતોનો ઉપયોગ કથિત રીતે યુઝર્સને એવા બહારના પ્લેટફોર્મ પર મોકલવા માટે કરવામાં આવી રહ્યો હતો જ્યાં બાળકોના જાતીય શોષણ સાથે સંબંધિત ગેરકાનૂની કન્ટેન્ટ ઉપલબ્ધ હતું. સરકાર આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લઈ રહી છે, ખાસ કરીને પ્લેટફોર્મના એલ્ગોરિધમ દ્વારા આવા જાતીય શોષણવાળા કન્ટેન્ટને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું હોવાના આરોપોને લઈને.

તાત્કાલિક પગલાં લેવાનો આદેશ

સરકારે મેટા (Meta) ને આવી સામગ્રીના પ્રચાર અને પ્રસારને રોકવા માટે તાત્કાલિક પગલાં લેવાનો નિર્દેશ આપ્યો છે. આ નોટિસ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ દ્વારા બાળકોના જાતીય શોષણ સાથે જોડાયેલા ગેરકાનૂની કન્ટેન્ટને ફેલાવવા અને તેના સુધી પહોંચ સરળ બનાવવાના વધી રહેલા દુરુપયોગ અંગે વ્યક્ત કરવામાં આવી રહેલી ચિંતાઓ વચ્ચે આપવામાં આવી છે.

મેટાએ શું કહ્યું?

મેટાએ નિવેદન જાહેર કરતા જણાવ્યું છે કે, “મેટાની CSEAM (બાળકોના જાતીય શોષણ સાથે જોડાયેલી સામગ્રી) માંગવા અથવા શેર કરવા બાબતે, જેમાં જાહેરાતો પણ સામેલ છે, 'ઝીરો ટોલરન્સ' નીતિ છે. અમે નિયમોનું ઉલ્લંઘન કરનારી સામગ્રી અને લોકોની ઓળખ માટે એડવાન્સ AI ટેક્નોલોજીનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ અમે એવા ગુનેગારો સામે સતત લડી રહ્યા છીએ જેઓ અમારા 3.5 અબજ યુઝર્સની વચ્ચે છુપાયેલા હોય છે અને અમારી પકડમાંથી બચવાનો પ્રયાસ કરે છે."

મેટાએ તેના નિવેદનમાં કહ્યું કે, "એટલા માટે જ અમારી નિષ્ણાત ટીમો સતત અમારી સુરક્ષા વ્યવસ્થાને વધુ સારી બનાવવા, ગુનેગારોને જડમૂળથી ખતમ કરવા માટે નવી ટેક્નોલોજી વિકસાવવા, નિયમોનું ઉલ્લંઘન કરતી વેબસાઇટ્સની લિંક્સ બ્લોક કરવા અને અન્ય કંપનીઓ સાથે માહિતી શેર કરવા માટે કામ કરી રહી છે જેથી તેઓ પણ આ અંગે પગલાં લઈ શકે.”