ભુજ: માંડવી તાલુકાના ગઢશીશા ગામે વર્ષ ૨૦૧૯ના બાકી નીકળતા બિલના નાણાંની ઉઘરાણી કરવા જતાં એક વેપારી પરિવાર પર જાહેરમાં ધારદાર છરી વડે જીવલેણ હુમલો કરવાનો પ્રયાસ કરાયો હોવાની ચકચારી ઘટના સામે આવી છે. આ મામલામાં સ્થાનિક પોલીસ દ્વારા કથિત રીતે રાજકીય દબાણ હેઠળ ગુનો દાખલ ન કરાતો હોવાનો પીડિત પરિવાર દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવતાં પંથકમાં ચર્ચા જાગી છે. ન્યાય મેળવવા માટે પરિવારે હવે પશ્ચિમ કચ્છ પોલીસ વડા સમક્ષ રજુઆત કરી છે.
શું છે મામલો
ઘટનાની વિગત એવી છે કે, ગઢશીશા ગામે વર્ષ ૧૯૯૬થી 'દીપ ટ્રેલર્સ' નામની પેઢી ચલાવતા વેપારી અમૃતલાલ કાનજી રંગાણીએ ગામના જ વલ્લભજી માધવજી છાભૈયાનું કામ કર્યું હતું. આ કામ પેટે વર્ષ ૨૦૧૯થી રૂ. ૩૩,૫૦૦/-નું બિલ બાકી નીકળતું હતું. ગત તારીખ ૪ ના રોજ સવારે આશરે ૧૧ વાગ્યાની આસપાસ અમૃતલાલ રંગાણીએ આ બાકી રકમની માંગણી કરતાં આરોપી વલ્લભજી છાભૈયા ઉશ્કેરાઈ ગયા હતા અને તેમણે વેપારી સાથે ઝઘડો કરી ધક્કો માર્યો હતો.
ત્યારબાદ પૈસા આપવાના બહાને આરોપી પોતાની ગાડી પાસે ગયો હતો અને ડ્રાઈવર સીટ તરફથી એક ઘાતક, અણીદાર છરો કાઢી લાવ્યો હતો. આરોપીને હથિયાર સાથે ધસી આવતો જોઈ વેપારી અમૃતલાલ જીવ બચાવવા ત્યાંથી ભાગ્યા હતા. આ દરમિયાન આરોપીએ ત્યાં હાજર તેમના પુત્ર દીપ રંગાણીને પકડી લીધો હતો અને તેના ગળા પર છરો મૂકી દીધો હતો. જાહેરમાં બનેલી આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આરોપીએ પિતા-પુત્રને જાનથી મારી નાખવાની તેમજ ગામમાંથી જતી વખતે 'ગાડી નીચે કચડીને ઉડાવી દેવાની' ગર્ભિત ધમકીઓ પણ આપી હતી. હુમલાના પગલે આસપાસના દુકાનદારો એકઠા થઈ જતાં આરોપી નાસી છૂટ્યો હતો.
આ ઘટના અંગે વેપારી દીપ રંગાણી અને તેમના પત્ની જીનલબેન રંગાણીએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે, જિલ્લામાં કલેક્ટરનું હથિયારબંધીનું જાહેરનામું અમલમાં હોવા છતાં આરોપીઓ ખુલ્લેઆમ ઘાતક હથિયારો લઈને ફરી રહ્યા છે. આ હુમલા બાદ અમારો આખો પરિવાર એટલો ગભરાઈ ગયો છે કે અમે ઘરની બહાર પણ નીકળી શકતા નથી અને છેલ્લા બે દિવસથી અમારો વેપાર-ધંધો બંધ રાખીને ઘરમાં પુરાઈ રહેવા મજબૂર બન્યા છીએ.
પીડિત પરિવારે ગઢશીશા પોલીસ મથક પર ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, આ જીવલેણ હુમલા અંગે તેઓ તુરંત પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા અને કલાકો સુધી બેસી રહ્યા હોવા છતાં પોલીસે રાજકીય દબાણ વશ થઈને હજુ સુધી એફ.આઈ.આર. નોંધી નથી, માત્ર અરજી લઈને તપાસની વાતો કરવામાં આવી રહી છે. પરિવારે પશ્ચિમ કચ્છ એસ.પી.ની ન્યાયપ્રિય છબી પર ભરોસો મૂકી તેમને લેખિત રજૂઆત કરી છે અને આ મામલે તાકીદે કડક કાયદાકીય પગલાં ભરી પરિવારને સુરક્ષા પૂરી પાડવામાં આવે તેવી માંગ કરી છે.
(ઉત્સવ વૈદ્ય)