પાલઘર: જુલાઈની શરૂઆતથી ચાલતા મેઘતાંડવમાં પાલઘર જિલ્લામાં વરસાદ સંબંધી દુર્ઘટનાઓમાં છ દિવસમાં 10 જણે જીવ ગુમાવ્યા છે, જેમાંથી ત્રણનાં મૃત્યુ તો છેલ્લા 24 કલાકમાં જ થયા છે. પૂર જેવી સ્થિતિને ધ્યાનમાં રાખી 1,261 રહેવાસીનું રાહત કેન્દ્રોમાં સ્થળાંતર કરાયું હોવાનું અધિકારીએ મંગળવારે જણાવ્યું હતું.જિલ્લા કલેક્ટર ઈન્દુ રાની જાખરે જણાવ્યું હતું કે મંગળવારની સવારે 10.15 વાગ્યે છેલ્લા 24 કલાકમાં 203 મિ.મી. વરસાદની નોંધ થઈ છે.
ડિઝાસ્ટર મૅનેજમેન્ટ ઑપરેશન્સના ભાગ રૂપે 1261 રહેવાસીઓનો સમાવેશ ધરાવતા 389 પરિવારનું પાલગર, વસઈ અને વાડા તાલુકામાં આવેલી શાળા, ચર્ચ, કમ્યુનિટી હૉલ્સ સહિત સંસ્થાકીય રાહત કેન્દ્રોમાં સ્થળાંતર કરાયું છે. સ્થાનિક પ્રશાસનને સહાય કરવા માટે વિરારમાં નૅશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ) અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એસડીઆરએફ)ની એક એક ટીમ તહેનાત કરી દેવામાં આવી છે.
સતત પડતા વરસાદને કારણે અનેક વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ નિર્માણ થઈ છે, જેને લઈ પ્રશાસને લોકોના બચાવ અને રાહત કામગીરી શરૂ કરી હતી.વરસાદ સંબંધી દુર્ઘટનાઓમાં પહેલી જુલાઈથી છ જુલાઈની રાત સુધીમાં 10 જણના જીવ ગયા છે, જ્યારે છેલ્લા 24 કલાકમાં ત્રણનાં મોતની નોંધ થઈ છે. દહાણુમાં એક યુવક ગુમ હોવાની ફરિયાદ આવી છે. વરસાદ સંબંધી ઘટનાઓમાં વસઈ, તલાસરી અને દહાણુ સહિત પાલઘરના વિવિધ વિસ્તારોમાં દીવાલ ધસી પડવી, નાળાં અને પાણી ભરાયેલાં ખેતરોમાં ડૂબી જવાનો સમાવેશ થાય છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
છઠ્ઠી જુલાઈએ પિંટુભાઈ વર્થા લપસીને સૂર્યા નદીમાં પડી ગયો હતો. ગુમ વર્થાની શોધ ચલાવ્યા છતાં તેની કોઈ ભાળ મળી નહોતી.કલેક્ટરે જણાવ્યું હતું કે પિંજાળ અને વૈતરણા નદીઓ જોખમી સપાટીની ઉપર વહી રહી છે. 3.242 મિલિયન ક્યુબિક મીટરની ક્ષમતાવાળો માહિમ-કેળવે સિંચાઈ ડેમ 100 ટકા ક્ષમતાથી ભરાઈ ગયો છે.ધોધમાર વરસાદમાં બે ઘરનું નુકસાન થયું છે, જ્યારે ચાર કાચાં ઘર તૂટી પડ્યાં છે. 73 ઘરને આંશિક નુકસાન પહોંચ્યું છે. 805 મરઘાં, સાત ભેંસ, બે આખલાના બે ડુક્કર પણ વરસાદને કારણે મરી ગયાં છે.
દરમિયાન કલેક્ટરે જણાવ્યું હતું કે સોમવાર રાતથી પશ્ર્ચિમ રેલવેની દાદર અને દહાણુ વચ્ચે રેલ સેવા ફરી શરૂ કરવામાં આવી છે. મુંબઈ-અમદાવાદ હાઈવે સામાન્ય રીતે કામ કરી રહ્યો છે. (પીટીઆઈ)