Tue Jul 07 2026

Logo

કૂવામાં પડેલા ખેડૂતનો 18 કલાક બાદ NCC કેડેટ્સ અને NDRFએ આ રીતે બચાવ્યો જીવ

2026-07-07 17:46:10
Author: Mumbai Samachar Team
Article Image

નાગપુર: વર્ધાના સેવાગ્રામમાં એક ચોંકાવનારી પણ રાહત આપનારી ઘટના સામે આવી છે, જ્યાં કૂવાના જળસ્તર માપવા જતાં 55 વર્ષીય ખેડૂત જીવન ટંકસાડે કૂવામાં પડી ગયા હતા. આખી રાત કૂવામાં વિતાવ્યા બાદ એક સ્થાનિક મહિલા કામરુનીસાની સમયસૂચકતા અને NCC કેડેટ્સ તેમ જ NDRFની ટીમના અથાક પ્રયાસોથી 2 કલાક લાંબુ રેસ્ક્યૂ ઓપરેશન ચલાવીને આ ખેડૂતનો જીવ સફળતાપૂર્વક બચાવી લેવાયો છે.

સેવાગ્રામનો એક 55 વર્ષીય ખેડૂત જીવન ટંકસાડે કૂવામાં પડી જતા 18 કલાક સુધી કે કૂવામાં ફસાયો હતો, જ્યાં એક સ્થાનિક મહિલાની મદદથી બચાવી લેવામાં આવ્યા હતા. ખેડૂતના જીવનમાં દેવદૂત બનેલી મહિલાની સાથે એનસીસીની વિદ્યાર્થિનીઓ અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ)ની ટીમ પણ હતી, જેમની મદદથી ખેડૂતને બચાવી લેવામાં આવ્યો હતો.

આ કેમ્પના અધિકારી અને એનડીઆરએફની ટીમ તાત્કાલિક બચાવ માટે પહોંચી હતી. આ પહેલા કેમ્પની ડેપ્યુટી કમાન્ડન્ટ, મેજર રિજુ રાવત અને નજીકની હોટેલના બગીચામાં કામ કરતી મહિલા કામરુનીસા વચ્ચેની એક સામાન્ય વાતચીતના કારણે એનસીસી જીવન ટંકસાડેની મદદ માટે પહોંચી શકી હતી. 

રિજુ રાવતે કહ્યું હતું કે અમારો કેમ્પ બાપુરાવ દેશમુખ ફાઉન્ડેશન હોસ્ટેલ ચાલી રહી છે, ત્યારે કામરુનિસા રોજ મારી સામેથી પસાર થઈ હતી અને પૂછ્યું હતું કે બધું ઠીકઠાક છે અને એ જવાબ આપ્યો હતો. શનિવારે તે ભાગતી આવી હતી અને કહ્યું કે કોઈ વ્યક્તિ કૂવામાં પડી ગયું છે. 

રિજ રાવતે કહ્યું કે મેં તરત જ કેમ્પ કમાન્ડર લેફ્ટનન્ટ કર્નલ પ્રીતિ તિવારીને માહિતી આપી હતી અને ત્યાં ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને જોયું તો એક વ્યક્તિ રસ્તા નજીકના કૂવામાં પડી હતી. રિજુ રાવતને સંપર્ક કર્યા પહેલા કામરુનિસાએ રસ્તા નજીકથી પસાર થનારા લોકો પાસેથી મદદ માગી હતી, પણ કોઈ તેની મદદ માટે પહોંચ્યું નહોતું. ડેપ્યુટી કમાન્ડન્ટ સાથે તેની ઓળખાણ  હોવાથી બાદમાં તેણે તેમનો સંપર્ક કર્યો હતો. 

આ બચાવ અભિયાન બે કલાક સુધી ચાલ્યું હતું. એનસીસી કેડેટ્સ દ્વારા કેમ્પમાં હાજર દોરડાઓનો ઉપયોગ કરી જીવનને બચાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. જોકે આ ખેડૂત થાકના કારણે પોતાની ચારેતરફ દોરડાંઓ બાંધી શક્યો નહોતો. ત્યાર બાદ એનડીઆરએફની ટીમ દ્વારા તેમનો બચાવ કરવામાં આવ્યો હતો. રેસ્ક્યૂ ટ્યુબ દ્વારા નબળી સ્થિતિ હોવા છતાં ટંકસાડે તેમાં ઘૂસવામાં સફળ રહ્યા હતા ત્યાર બાદ તેમને તાત્કાલિક મેડિકલ મદદ આપવામાં આવી હતી. 

આખી રાત કૂવામાં વિતાવી
એનસીસી ગ્રુપના લેફ્ટનન્ટ કર્નલે જણાવ્યું હતું કે અધિકારીઓની સૂઝબૂઝના કારણે વ્યક્તિનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો. એનસીસી, એનડીઆરએફ અને કામરુનિસાની સહયોગથી આ શખસનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો. જીવન ટંકસાડે કૂવાના જળસ્તર માપતા સમયે કૂવામાં પડી ગયા હતા. તેમનો ફોન પણ પાણીમાં ડૂબી ગયો હતો, જેનાથી તેમણે આખી રાત કૂવામાં વિતાવી હતી. તેમની ચીસો પણ નિર્જન જગ્યાના લીધે કોઈને સંભળાઈ નહોતી બાદમાં એનસીસી અને એનડીઆરએફની મદદથી તેમનો જીવ બચાવવામાં સફળતા મળી હતી.